યુદ્ધની અસર: મોંઘવારી બેકાબુ; પ્રજાની કમર તૂટશે?
=> સપ્લાય ચેઇન તૂટતા : ડ્રાયફ્રૂટમાં 25%નો વધારો
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
તહેવારોની સીઝન શરૂ થવામાં હજુ થોડો સમય બાકી છે, પરંતુ ડ્રાયફ્રૂટ બજારમાં હલચલ તેજ બની ગઈ છે. વેપાર સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આ વર્ષે દિવાળી અને અન્ય તહેવારો દરમિયાન પિસ્તા, બદામ, અંજીર, ખજૂર અને અન્ય ડ્રાયફ્રૂટ્સની કિંમતો ગ્રાહકોનાં ખિસ્સાં પર ભાર મૂકે એવી શક્યતા છે. જોકે તેનું સૌથી મોટું કારણ પશ્ચિમ એશિયામાં સર્જાયેલી પરિસ્થિતિઓ છે. ઈરાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી ભારત મોટી માત્રામાં ડ્રાયફ્રૂટ્સ આયાત કરે છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી ત્યાં વધેલા તણાવપૂર્ણ વાતાવરણ અને યુદ્ધ જેવી સ્થિતિઓએ સપ્લાય ચેઇનને ગંભીર રીતે અસર કરી છે. ડ્રાયફ્રૂટ વેપાર સાથે જોડાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે સમસ્યા માત્ર માલની અછતની નથી. શિપિંગ, પરિવહન, વીમા, ફ્રેટ ચાર્જ અને યુદ્ધ સંબંધિત વધારાના ખર્ચને કારણે સમગ્ર સપ્લાય ચેઇન મોંઘી થઈ ગઈ છે. તેની સીધી અસર બજારમાં કિંમતો પર જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ પહેલાં અફઘાનિસ્તાન અને ઈરાનમાંથી ડ્રાયફ્રૂટ્સ સરળતાથી ભારત પહોંચી જતા હતા, પરંતુ હવે ઘણા માર્ગો પ્રભાવિત થયા છે. અફઘાનિસ્તાનથી આવતો માલ પહેલેથી જ અનેક અવરોધોનો સામનો કરી રહ્યો હતો.
=> રેટિંગ એજન્સી ક્રિસિલનો દાવો
=> પેટ્રોલ-ડીઝલ અઢી રૂપિયા મોંઘુ થશે
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની વધતી કિંમતો વચ્ચે ભારતમાં તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ૨.૫ રૂપિયા સુધીનો વધારો કરી શકે છે. હાલમાં દેશમાં ૧૫ મેથી અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આશરે ૭.૫ પ્રતિ લીટરનો વધારો થયો છે. રેટિંગ એજન્સી ક્રિસિલે મંગળવારે (૨ જૂન) તેના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, જો ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતો આ જ રીતે વધતી રહેશે, તો તેલ કંપનીઓ પોતાનું નુકસાન ઘટાડવા માટે આવનારા દિવસોમાં કુલ વધારાને ૧૦ પ્રતિ લીટર સુધી લઈ જઈ શકે છે. રિપોર્ટ અનુસાર, ફ્યુઅલની કિંમતોમાં ૭.૫ પ્રતિ લીટરનો આ વધારો સીધો જ છૂટક મોંઘવારીમાં લગભગ ૩૬ બેસિસ પોઈન્ટ્સ (૦.૩૬%) ઉમેરી શકે છે. જ્યારે, જો આ વધારો ૧૦ પ્રતિ લીટર સુધી પહોંચે છે, તો મોંઘવારી પર તેની અસર વધીને લગભગ ૪૮ બેસિસ પોઈન્ટ્સ (૦.૪૮%) થઈ જશે. રિપોર્ટ મુજબ, ઈંધણ મોંઘું થવાથી ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ અને મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધશે, જેની સીધી અસર આવનારા મહિનાઓમાં ખાવા-પીવાની વસ્તુઓ અને રોજિંદા કન્ઝ્યુમર ગુડ્સ પર દેખાશે. આ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં થતી વધઘટ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થાય તે પહેલા ક્રૂડ ઓઈલના ભાવ ૭૦ ડોલર હતા, જે હવે વધીને ૧૦૦ ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે. ક્રૂડના ભાવ વધવાને કારણે તેલ કંપનીઓ દબાણમાં હતી. તેથી, કંપનીઓએ નુકસાન ભરપાઈ કરવા માટે આ પગલું ભરવું છે.
=> કેમિકલ, ફાર્મા ઉદ્યોગ પર મોટું સંકટ
=> દવાઓમાં હજુ ભાવ વધશે
=> સલ્ફયૂરિક એસિડના ભાવમાં 195%નો તોતિંગ ભાવ વધારો
ગુજરાત અને દેશના ફાર્માસ્યુટિકલ તેમજ કેમિકલ ઉદ્યોગ પર હાલ મંદીના કાળા વાદળો ઘેરાયા છે. કાચા માલ તરીકે વપરાતા સલ્ફરની નિકાસમાં અચાનક મોટો ઉછાળો આવતા સ્થાનિક બજારમાં તેની ભારે અછત સર્જાઈ છે. આ અછતના કારણે કેમિકલ અને દવા બનાવવાના એકમો માટે એક નવું આર્થિક સંકટ ઊભું થયું છે, જેના લીધે આગામી દિવસોમાં દવાઓના ઉત્પાદન પર માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. ભારતના મોટા ઉદ્યોગો દ્વારા સલ્ફર અને સલ્ફ્યુરિક એસિડની મોટા પાયે નિકાસ કરવામાં આવી રહી છે, જેને કારણે સ્થાનિક સ્તરે આ કાચા માલની કિંમતો રોકેટ ગતિએ વધી રહી છે. સલ્ફ્યુરિક એસિડના ભાવ રૂ. ૩૬,૦૦૦ થી વધીને સીધા રૂ. ૧.૦૪ લાખ પ્રતિ ટન સુધી પહોંચી ગયા છે. કિંમતોમાં આવેલો આ અંદાજે ૧૯૫% નો તોતિંગ વધારો નાના અને મધ્યમ કક્ષાના કેમિકલ એકમો માટે અસહ્ય બની ગયો છે. ડાયાબિટીસની દવાઓ અને ડાઈઝ બનાવતા એકમો મુશ્કેલીમાં સલ્ફરના આસમાની ભાવ અને અછતના બેવડા મારના કારણે ખાસ કરીને કેમિકલ ઉદ્યોગમાં ડાઈઝ બનાવતા એકમો અને ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓની દવાઓ બનાવતા એકમો પર મંદીનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. જો આ કાચા માલની કિંમતો પર કાબૂ નહીં મેળવવામાં આવે, તો બજારમાં જરૂરી દવાઓની અછત સર્જાઈ શકે છે અને ઉત્પાદન ખર્ચ વધતા દવાઓ મોંઘી થવાની પણ પૂરેપૂરી શક્યતા છે.