Loading Please Wait !!!
બાંગ્લાદેશીઓને વીણી વીણીને પકડો: રાજકોટમાં ૩૧ની અટકાયત કરાઈ

=> રાજ્યભરમાં ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓને ટ્રેસ કરવા સર્ચ ઓપરેશન

=> શહેર પોલીસની ૧૩ ટીમોના દરોડા: અજાણ્યા વ્યક્તિને કામે રાખતા કે રૂમ ભાડે આપતા પહેલા પોલીસને જાણ કરો: ડોક્યુમેન્ટની ચકાસણી હાથ ધરી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો વસવાટ કરે છે કે કેમ તે જાણવા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને શંકાસ્પદ મોબાઈલ નંબરોના ડેટાના આધારે ઓપરેટ કરવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુપ્તચર એજન્સીઓ અને ટેકનિકલ સેલને લાંબા સમયથી ઈનપુટ્સ મળી રહ્યા હતા કે રાજકોટ સહિત ગુજરાત ભરમાં જુદા જુદા શ્રમિક વિસ્તારોમાં અને ફેક્ટરીઓમાં કેટલાક શંકાસ્પદ લોકો ઓળખ છુપાવીને રહી રહ્યા છે. જેમાં રાજકોટ શહેર પોલીસને આશરે ૨૦૦ જેટલા એવા શંકાસ્પદ મોબાઈલ નંબરો મળ્યા હતા. આ તમામના લોકેશન અને કોલ ડિટેલ્સ શંકાસ્પદ જણાતા હતા. આ નંબરો પરથી થતા શંકાસ્પદ કોલ્સ-સ્પામ કોલ અને ઈન્ટરનેશનલ કનેક્ટિવિટીના આધારે પોલીસે આખું નેટવર્ક ટ્રેસ કર્યું હતું. જેના આધારે ઈન્ચાર્જ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીકના માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મોડી રાત્રે જ ઓપરેશન પાર પાડવાનો પ્લાન તૈયાર કર્યો હતો. જેમાં એસઓજી પીઆઈ એન. બી. ચૌધરી તેમજ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ, એલસીબીનો સ્ટાફ, તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને તેમની ટીમોના જવાનો, એએચટીયુનો સ્ટાફ પણ સામેલ થયો હતો. રાત્રે ૧૩ ટીમોએ શહેરના ઔદ્યોગિક વિસ્તારો, બાંધકામની સાઈટો, ઝૂંપડપટ્ટીઓ અને શ્રમિકો વસતા વિસ્તારોને કોર્ડન કરી લીધા હતા. ટીમોએ રાતોરાત સઘન સર્ચ ઓપરેશન અને ચેકિંગ હાથ ધર્યું હતું. શંકાસ્પદ લોકેશન્સ પર દરોડા પાડીને લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી અને તેમના રહેઠાણના પુરાવાઓ તપાસાયા હતા. આ આખી રાત ચાલેલા મેગા ઓપરેશન દરમિયાન પોલીસે કુલ ૩૧ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી હતી. પકડાયેલા લોકોમાં પાંચ મહિલાઓ પણ સામેલ છે. જેની પૂછપરછ યથાવત રખાઈ છે.

પ્રાથમિક તપાસમાં આ લોકો પાસે ભારતીય નાગરિક હોવાના પુરાવા મળી શક્યા નથી. તેઓ ક્યાંથી આવ્યા છે, ક્યારથી રાજકોટમાં રહે છે અને અહીં લાવવામાં કોણે મદદ કરી છે તે અંગે એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ આકરી પૂછપરછ કરી રહી છે. તમામ શંકાસ્પદ શખ્સોનો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને અન્ય દસ્તાવેજોનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો નકલી ભારતીય દસ્તાવેજો બનાવીને રહેતા હોવાના અને અમુક જંગલ રસ્તે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસી ગયાનું ખુલ્યું હતું. જેને શંકાસ્પદ ગણી પૂછતાછ કરવામાં આવી રહી છે તેમાંથી પાંચ મહિલા વધુ શંકાસ્પદ જણાઈ છે જો કોઈ બાંગ્લાદેશી નાગરિક સાબિત થશે તો તેને કાયદાકીય પ્રક્રિયા બાદ ડિપોર્ટ-દેશ નિકાલ કરી દેવાની કાર્યવાહી હાથ ધરાશે. રાજકોટમાં આજે પણ આખો દિવસ અને આગામી દિવસોમાં પણ આ ઓપરેશન અવિરતપણે ચાલુ રાખવામાં આવશે.

=> અમદાવાદમાં 166 બાંગ્લાદેશી પકડાયા

=> CPએ પૂછપરછ કરી; એક અઠવાડિયામાં ડીપોર્ટ કરાશે

૨૮ મે, ૨૦૨૬એ ગાંધીનગરના સોનીપુરની સભામાં અમિત શાહે હુંકાર કર્યો હતો કે દેશભરમાંથી એક-એક ઘૂસણખોરોને વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે. શાહના હુંકારના ૫માં દિવસે જ એટલે કે ગઈકાલે (૨ જૂન) ગુજરાતભરમાં બાંગ્લાદેશીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ-સુરત-રાજકોટ-વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં બાંગ્લાદેશીઓને શોધવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. અમદાવાદમાં ૧૬૬ બાંગ્લાદેશી પકડાયા છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ અહીં જે કમાતા એ પૈસા આંગડિયા મારફતે કોલકાતા મોકલતા અને ત્યાંથી બાંગ્લાદેશ જતા હતા. સાથે જ કેટલીક મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ પૈસા બાંગ્લાદેશ મોકલાતા હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે પણ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી બાંગ્લાદેશીઓની પૂછપરછ કરી હતી.