Loading Please Wait !!!
બેડી હડમતીયાના ગ્રામજનોમાં રોષખરાબ રોડ પ્રશ્ને ચક્કાજામ

વિરોધ...વિરોધ...ને...વિરોધ: 

અનેક રજૂઆત બાદ કામ નહીં થતાં વિરોધ કર્યો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોની બિસ્માર હાલતને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટના બેડી અને હડમતીયા ગામ વચ્ચેનો મુખ્ય રસ્તો લાંબા સમયથી અત્યંત ખરાબ અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે, જે અહીંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનો માટે મોટો માથાનો દુખાવો બન્યો છે. રસ્તા પર ઠેર-ઠેર પડેલા મોટા ખાડાઓ અને ઉડતી ધૂળના કારણે રોજિંદા અવરજવરમાં લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. આ મામલે સ્થાનિક લોકો દ્વારા વારંવાર વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વારંવારની રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા આખરે ગ્રામજનોની ધીરજ ખૂટતા રોષે ભરાઈને રાજકોટ-મોરબી હાઈવે પર બેડી ગામ નજીક એકત્રિત થઈને ભારે વિરોધ પ્રદર્શન સાથે ચક્કાજામ કર્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, બેડી અને હડમતીયા ગામને જોડતો આ માર્ગ લાંબા સમયથી રિપેરિંગની રાહ જોઈ રહ્યો છે. રસ્તાની ખરાબ હાલત અંગે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સદસ્યો અને MLA જીતુ સોમાણી સહિતના જવાબદાર પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી સમયે મોટા-મોટા વાયદાઓ કરનારા રાજકીય નેતાઓ અને લોકપ્રતિનિધિ જીત્યા પછી ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ તરફ ધ્યાન આપતા નથી. કોઈ પણ પદાધિકારી કે ધારાસભ્ય હજુ સુધી આ રસ્તાની મુલાકાત લેવા કે સ્થાનિકોની સમસ્યા સાંભળવા આવ્યા નથી.