Loading Please Wait !!!
રાજકોટ પોલીસે પેટ્રોલ પંપના ફિલર મેનને પોલીસ બનાવે છે : મેહુલ બોઘરા

  • નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં નિર્ણય સામે વકીલ મેહુલ બોઘરાનો વિરોધ
  • મેહુલ બોઘરાએ કહ્યું ‘નવું-નવું નવ દિવસ’ જેવા નિર્ણયો લેવાથી ટ્રાફિક નિયમોનું પાલન કરાવી શકાય નહીં, રાજ્ય સરકારના બનાવવામાં આવેલા કાયદાથી ઉપરવટ જઈને જાહેરનામું બહાર પાડવું યોગ્ય નથી

સિટી ન્યૂઝ@રાજકોટ

 રાજકોટ પોલીસ કમિશનર દ્વારા નંબર પ્લેટ વગરના વાહનો સામે કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે “નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં” અંગે લેવાયેલા નિર્ણય સામે હવે વિરોધના સુર ઉઠી રહ્યા છે. જાણીતા એડ્વોકેટ મેહુલ બોઘરાએ સ્વરાજ મીડિયા સાથેની ઇન્ટરવ્યુમાં આ નિર્ણયને મનઘડત અને કાયદાકીય રીતે અયોગ્ય ગણાવી ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. મેહુલ બોઘરાએ જણાવ્યું હતું કે, “નવું નવું નવ દિવસ” જેવા નિર્ણયો લેવાથી ટ્રાફિક નિયમોનું પાલન કરાવી શકાય નહીં. રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદાથી ઉપરવટ જઈને જાહેરનામું બહાર પાડવું યોગ્ય નથી.


તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ ન આપવાથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અટકતું હોય તો રાજ્ય સરકારે વિધાનસભામાં કાયદો લાવી પેટ્રોલ પંપ સંચાલકોને PUC, ડ્રાઈવીંગ લાઈસન્સ અને વાહનના જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ જ પેટ્રોલ-ડીઝલ આપવાની ફરજ કેમ ન પાડી?

બોઘરાના જણાવ્યા મુજબ, આવા નિર્ણયથી સૌથી વધુ મુશ્કેલી સામાન્ય વાહનચાલકોને પડશે. અકસ્માત કે ભારે વરસાદ દરમિયાન નંબર પ્લેટ તૂટી જવા જેવી વાસ્તવિક પરિસ્થિતિમાં પણ વાહનચાલકને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જ્યારે વગદાર વ્યક્તિ અથવા પોલીસ સાથે ઓળખાણ ધરાવતા લોકો ભલામણથી નિયમમાંથી છટકી શકે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી.

તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, “પેટ્રોલ પંપના ફિલરમેનને પોલીસ કર્મચારી બનાવવાનો આ નિર્ણય છે. ફિલરમેન પાસે કોઈ પોલીસ સત્તા નથી કે તે વાહનચાલકને નંબર પ્લેટ નથી તેથી પેટ્રોલ આપવાની ના પાડી શકે.” મેહુલ બોઘરાએ પોલીસ વિભાગને સીધો સવાલ કરતાં જણાવ્યું હતું કે આ નિયમનો અમલ કરતા પહેલા પોલીસ વિભાગે પોતાના વાહનોમાં નંબર પ્લેટ, કાળા કાચ સહિતના તમામ ટ્રાફિક નિયમોનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં નંબર પ્લેટ વગરના વાહનો અને કાળા કાચવાળા વાહનોમાં પોલીસ લાપેલા નાગરિકોને પાલન જોવા મળે છે.અંતે તેમણે કહ્યું હતું કે, “પોલીસની નિષ્ફળતા છુપાવવા માટે સામાન્ય નાગરિકને હેરાન કરવાનો રસ્તો અપનાવ્યાના બદલે નિયમનો ભંગ કરનાર સામે સીધી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.”