ભેદભાવનો કહેર : દલિતો માટે ગુજરાતમાં હજુ અંધકાર
=> મહેસાણા જિલ્લાના માઢી ગામની ઘટના દલિત વરરાજાને ઘોડા પરથી નીચે ઉતાર્યા
=> સુરેન્દ્રનગરના મેતાસર ગામનો બનાવ દલિત પરિવારે કુવામાંથી પાણી ભરતા ગામ લોકોએ પરિવારનો બહિષ્કાર કર્યો
સિટી ન્યૂઝ@ગાંધીનગર
ચૂંટણીનો સમય નજીક આવે ત્યારે દરેક રાજકીય પક્ષના નેતાઓને મોટી વોટબેન્ક ગણાતો દલિત સમાજ અચૂક યાદ આવે છે. મતદારોને રીઝવવા માટે નેતાઓ ભલે દલિતોના ઘરે જઈને તેમની સાથે ભોજન લેતા હોવાના ફોટા પડાવે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. ગુજરાતમાં આજે પણ ગ્રામીણ સ્તરે દલિતો સામેનો ભેદભાવ યથાવત્ હોવાનું સાબિત કરતી ત્રણ અલગ-અલગ ઘટનાઓ માત્ર ત્રણ દિવસમાં સામે આવી છે, જેણે સામાજિક સમરસતાના દાવાઓ સામે મોટા સવાલો ઊભા કર્યા છે.
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રૂપાલ ગામમાં દલિત સમાજ પર થઈ રહેલા અત્યાચારનો મામલો ગરમાયો છે. ગામના અસામાજિક તત્વો દ્વારા દલિતો સાથે સામાજિક, આર્થિક, ધાર્મિક અને ન્યાયિક સ્તરે ભેદભાવ રાખવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે. દલિત આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં એટ્રોસિટી એક્ટ હેઠળ 7 જેટલી ફરિયાદો અને અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. જો આગામી સાત દિવસમાં યોગ્ય ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો પીડિત પરિવારોએ ગામમાંથી સામૂહિક હિજરત કરવાની ગંભીર ચીમકી ઉચ્ચારી છે.
બીજો કિસ્સો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માઢી ગામેથી સામે આવ્યો છે. ગત 10મી મેના રોજ ગામમાં એક દલિત પરિવારના લગ્ન પ્રસંગ દરમિયાન વરરાજાનો વરઘોડો નીકળ્યો હતો. આ દરમિયાન કેટલાક તત્વોએ વરરાજાને ઘોડા પરથી નીચે ઉતારી દીધા હતા અને જાતિસૂચક ગાળો આપી વરઘોડો રોકી દીધો હતો. આ મામલે મહેસાણા જિલ્લા દલિત સંગઠને કલેક્ટરને આવેદનપત્ર આપીને તમામ દોષિત આરોપીઓ સામે સત્વરે અને કડક પગલાં લેવાની માંગ કરી છે. રૂપાલ ગામના અનુસૂચિત સમાજના લોકોનો દાવો છે કે ગામના કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેમને ભારતીય બંધારણથી મળેલા મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. સામાજિક, આર્થિક, ધાર્મિક તેમજ ન્યાયિક સ્તરે તેમની સાથે સતત ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. પીડિત સમાજના દાવા મુજબ આ મામલે અત્યાર સુધીમાં એટ્રોસિટી એક્ટ હેઠળ છ જેટલી ફરિયાદો અને અનેક લેખિત રજૂઆતો કરવામાં આવી છે. અગાઉ આ વિવાદમાં સમાધાનના પ્રયાસો થયા હતા, પરંતુ તેનું પાલન ન થતાં ગામમાં ફરીથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે.
સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે, તેમને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ વારંવાર ન્યાયની ગુહાર લગાવવા છતાં કોઈ નક્કર નિરાકરણ ન આવતા, હાલ ગામમાં તેમનો સામાજિક બહિષ્કાર કરાયો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. આ આક્રોશ વચ્ચે આજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને ચીમકી આપવામાં આવી છે કે, જો આગામી સાત દિવસમાં આ સમસ્યાનો યોગ્ય નિકાલ નહીં આવે, તો અનુસૂચિત સમાજના પરિવારો સામૂહિક હિજરત કરવા મજબૂર બનશે.
ત્રીજી ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મેતાસર ગામે બની છે. રાજકોટ રહેતો એક દલિત પરિવાર વતન મેતાસર ગામે આવ્યો હતો. આ પરિવારની વ્યક્તિઓ ગામના કૂવે પાણી ભરવા ગઈ ત્યારે તેમને પાણી ભરતા અટકાવવામાં આવ્યા હતા અને સમગ્ર પરિવારનો સામાજિક બહિષ્કાર કરી દેવાયો હતો. ગત શનિવારે આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે કડક વલણ અપનાવીને અત્યાચાર ગુજારનારા 6 શખસો સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. વીડિયોમાં મેતાસર ગામની કેટલીક મહિલાઓ દલિતોને ગામના કૂવામાંથી પાણી ન ભરવાનું કહી રહી છે. દલિતોનો એવો પણ આક્ષેપ છે કે ગામમાંથી તેમને બહિષ્કારનો પણ સામનો કરવો પડ્યો હતો. જોકે ગામના કેટલાક લોકોનું કહેવું છે કે ગામમાં કોઈ પ્રકારનો ભેદભાવ રખાતો નથી.
આ વિવાદ વધતાં ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. એફઆઇઆર મુજબ, રાજકોટ રહેતા મેતાસર ગામના દલિત યુવાન દિલીપભાઈ ભીખાભાઈ રાઠોડ જ્યારે ગામે આવ્યા હતા, ત્યારે તેમના પરિવારનાં બહેન ગામના કૂવા પાસે પાણી ભરવા ગયાં હતાં.