સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં `ફેમિલી રાજ'નો કાંડ!
=> SCAમાં શાહ, દોશી, કામદારનો કબજો ? 126 સભ્યોમાં પરિવારવાદનો વિસ્ફોટ !
=> ક્રિકેટ નહીં, ગોટાળાનો પિચ, SCAમાં કરોડો અને સબંધોની ગેમ ખૂલ્લી
=> સુપ્રીમ કોર્ટના નિવૃત જજના તપાસ માટે રાજકોટમાં ધામા
=> સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ને મોદી સ્ટેડિયમમાં 3.16 કરોડના ખર્ચે VIP કોર્પોરેટ બોક્સ ખરીદ્યું : બાપની ધોરાજી SCA લોઢા કમિટીના રીપોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું પાલન કરાતું નથી
સિટી ન્યૂઝ@રાજકોટ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. એસોસિએશનમાં ચાલતા કથિત મનસ્વી વહીવટ, સ્થાપિત હિતો અને પરિવારવાદ સામે કાનૂની જંગ શરૂ થયો છે. આ તમામની વચ્ચે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી રીટમાં એવો આક્ષેપ કરાયો હતો કે લોઢા કમિટીની ભલામણો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું ઉલ્લંઘન SCA કરી રહ્યું છે. એટલું જ નહીં PIL કરનાર સભ્યનો આક્ષેપ છે કે વર્ષ 2021માં મોદી સ્ટેડિયમમાં 3.16 કરોડના ખર્ચે VIP કોર્પોરેટ બોક્સ ખરીદ કરવામાં આવ્યું હતું. ત્યારે છેલ્લા દસ વર્ષનું સીએ દ્વારા ઓડિટ થવું જોઈએ.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન લોઢા કમિટીની ભલામણોનું પણ ઉલ્લંઘન કરીને પરિવારવાદ ચલાવીને સ્થાપિત હિતોનો અડિંગો બની ગયાના આક્ષેપ સાથે પોરબંદર ડીસ્ટ્રીક્ટ (રૂરલ) એસોસીએશન દ્વારા કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. રીટ પીટીશનમાં એવી દલીલ કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્રના દરેક જિલ્લા ક્રિકેટ એસોસિયેશનને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર આપવામાં આવી રહ્યો નથી, મેમ્બરશીપ આપવામાં આવતી નથી. તેમજ લોઢા કમિટીના રીપોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાલન કરાતું નથી. એટલું જ નહીં ગેરવહીવટ તરફ આંગળી ચિંધતા એવી પણ દલીલ કરવામાં આવી હતી કે નાણાંકીય ઓડિટનું કામ સંસ્થાના જ સભ્ય એવા સી.એ. પાસે કરાવાય છે.
ડિસ્ટ્રીક્ટ એસોસીયેશનોને મતાધિકાર, મેમ્બરશીપ સહિતના મુદ્દાઓ સાથેની રીટની સુનાવણી બાદ હાઇકોર્ટે ગત વર્ષે ચૂંટણી યોજવા પર હંગામી સ્ટે. આપ્યો હતો. ત્યારબાદ સુનાવણીમાં હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના નિવૃત જજ એમ.આર. શાહને આ તમામ મુદ્દાઓની ઇન્કવાયરી સોંપી હતી. જેમાં તમામ પક્ષકારો-ડિસ્ટ્રીક્ટ એસોસીએશનો-સભ્યોને સાંભળીને રિપોર્ટ આપવા સુચવ્યું હતું.
હાઇકોર્ટના આદેશ અનુસાર, નિવૃત જજ એમ.આર. શાહ દ્વારા રાજકોટના સર્કિટ હાઉસ ખાતે આજે આવી પહોંચ્યા હતા. આજે 19 મે અને આવતીકાલે 20 મેના રોજ બે દિવસીય સુનાવણી હાથ ધરવામાં આવી છે. જેમાં SCA સાથે જોડાયેલા અલગ-અલગ 20 ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સભ્યો અને પ્રમુખોને રૂબરૂ મળીને તેમની મૌખિક તેમજ લેખિત રજૂઆતો, વાંધા અને સૂચનો સાંભળવામાં આવી રહ્યા છે.
`SCAમાં ત્રણ પરિવારના 126 વોટર્સ અને સભ્ય'
પોરબંદરના પ્રતિનિધિ કિરીટભાઈ સવજાણીએ પણ રૂબરૂ મળવા રાજકોટ પહોંચ્યા છે. એમણે પર રજૂઆત કરી હતી. અમારી રજૂઆત એટલી જ છે કે જે અમે નામદાર હાઈકોર્ટમાં કરેલી છે, કે અમને દરેકને ક્રિકેટ એસોસિએશનમાં સભ્યપદ મળવું જોઈએ, મતાધિકાર મળવો જોઈએ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું છેલ્લા દસ વર્ષનું સીએ દ્વારા ઓડિટ થવું જોઈએ. સભ્યપદ એના 489 મેમ્બર છે.
પણ વધારે પડતા એમના પરિવારના જ સભ્યો છે. નિરંજનભાઈ શાહનો પરિવાર, કામદાર પરિવાર એમના સસરાનો પરિવાર, દોશી પરિવાર, આ પરિવારોના જ 126 વોટર્સ અને સભ્યો છે.
અમને સભ્ય બનાવવા માટેની અરજી કરેલી છે, રિકવેસ્ટ કરેલી છે નામદાર હાઈકોર્ટને. ન બનાવવા માટેનું કારણ તો આપ એમને જ પૂછી શકો, શું કામ નથી બનાવતા?
=> મોદી સ્ટેડિયમમાં 3.16 કરોડમાં VIP બોક્સ ખરીદ્યું
આ સાથે PIL કરનાર સભ્ય નિખીલ રાઠોડનો આક્ષેપ છે કે, હાઇકોર્ટમાં PIL દાખલ કર્યા બાદ SCA દ્વારા જુના ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે જેમાં 18થી 25 માર્ચ 2026 દરમિયાન કુલ 23 કરોડના રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. તારીખ 18.03.2026ના રોજ વર્ષ 2010-11નું 6 કરોડ, 23.03.2026ના રોજ વર્ષ 2014-15નું 4 કરોડ અને 25.03.2026ના રોજ વર્ષ 2016-17nu 13 કરોડ રૂપિયા રિટર્ન ભરવામાં આવ્યું છે. આ ઉપરાંત 28.01.2021ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 3.16 કરોડના ખર્ચે VIP કોર્પોરેટ બોક્સ ખરીદ કરવામાં આવ્યું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.