રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં ‘દુર્ગંધ’ છૂમંતર; બાયો-કેમિકલ પ્રોજેક્ટનું ડેમોસ્ટ્રેશન શરૂ
- શાસકો વેલડન; ભક્તોને દુર્ગંધથી મુક્તિ અપાવવા મહાપાલિકાનું મહાઓપરેશન ચાલુ
- મેયર નેહલ શુક્લ, સ્ટે. ચેરમેન પરેશ પીપળિયાની મહેનત અંતે રંગ લાવી રહી છે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના રામનાથ મહાદેવ મંદિર પરિસરની વર્ષો જૂની દુર્ગંધની સમસ્યાના ઉકેલ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઝડપી કામગીરી શરૂ કરવામાં આવી છે. શ્રાવણ માસ દરમિયાન મંદિર આવતા ભક્તોને દુર્ગંધનો સામનો ન કરવો પડે તે માટે આજુ નદીના પાણીમાં બાયો-કેમિકલ્સના ઉપયોગથી પ્રોજેક્ટનું પ્રથમ તબક્કાનું ડેમોસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.
મંદિર પરિસરની સ્વચ્છતા જાળવવા તેમજ આજુ નદીના પાણીમાં બેક્ટેરિયાનો વિકાસ અટકાવી દુર્ગંધ દૂર કરવાના હેતુથી બાયો-કેમિકલયુક્ત પાણી સતત ટપકતું રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ કામગીરી હાલ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારની કામગીરી હાથ ધરાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે. મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સેનેટેશન સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓની દેખરેખ હેઠળ કામગીરી પૂરપાટ ઝડપે ચાલી રહી છે.
પ્રથમ તબક્કાની કામગીરી અંદાજે ૩૦ દિવસ સુધી ચાલશે. ત્યારબાદ પરિણામના આધારે તેને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે આગળ વધારા અંગે વિચારણા કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સફળ રહેશે તો રામનાથ મહાદેવ મંદિર પરિસરની સ્વચ્છતા અને ભક્તોને પડતી દુર્ગંધની વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ તરફ મહત્વનું પગલું સાબિત થઈ શકે છે.
શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો રામનાથ મહાદેવના દર્શન માટે ઉમટી પડે છે ત્યારે મહાનગરપાલિકાની આ કામગીરીથી ભક્તોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.
મંદિર પરિસરને વધુ સ્વચ્છ અને સુગંધમય બનાવવાના પ્રયાસને શાસક પક્ષની મહત્વની પહેલ તરીકે જોવામાં આવી રહી છે.