35 વર્ષથી ભરતી બંધ : રાજકોટ શિક્ષણ સમિતિ ‘ખાલી બાક્સ’ !
» આવું રાજકોટમાં જ શક્ય; ગરીબ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર
» 1991થી આજ દિન સુધી કાયમી ભરતી નહીં થતા શિક્ષણ ખાડે ગયું
» શિક્ષણ સમિતિની મુખ્ય કચેરીમાં માત્ર ત્રણ જ કાયમી ક્લાર્ક
» 93 ગુજરાતી માધ્યમ, 3 અંગ્રેજી માધ્યમની શાળાઓ; 1100થી વધુ શિક્ષકો જેમાંથી 850 કર્મચારીઓ નિવૃત થઈ ચૂક્યા છે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વર્ષ ૧૯૯૧થી આજદિન સુધી કાયમી ભરતી ન થવાને કારણે શિક્ષણ વ્યવસ્થામાં ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. અંદાજે ૩૫ વર્ષ જેટલા લાંબા ગાળાથી નિયમિત ભરતી ન થતાં વહીવટી તંત્ર અતિ નબળું બન્યું હોવાનું સામે આવ્યું છે.
વિગતો મુજબ, શિક્ષણ સમિતિ હેઠળ શહેરમાં કુલ ૯૩ ગુજરાતી માધ્યમ અને ૩ અંગ્રેજી માધ્યમની શાળાઓ કાર્યરત છે. તેમાં અંદાજે ૧૧૦૦થી વધુ શિક્ષકો ફરજ બજાવે છે, જ્યારે ૮૫૦થી વધુ કર્મચારીઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે. દોઢ અબજથી વધુ વાર્ષિક બજેટ ધરાવતી આ સમિતિના મુખ્ય કાર્યાલયમાં હાલમાં માત્ર ત્રણ જ કાયમી ક્લાર્ક કામ કરી રહ્યા છે, જે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.
નિવૃત્તિ બાદ ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી ન થતાં હાલ પ્રાથમિક શાળાના અંદાજે ૨૦ જેટલા શિક્ષકોને ઓફિસમાં બેસાડી વહીવટી કામ લેવાઈ રહ્યું છે. જેના કારણે શાળાઓમાં વર્ગખંડ ખાલી રહે છે અને ખાસ કરીને ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડી રહી છે. આ મુદ્દે શાળાના આચાર્યો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી.
શિક્ષણ સમિતિના જાગૃત સભ્યો દ્વારા શહેર ભાજપ સંગઠન, શાસકપક્ષના આગેવાનો, ધારાસભ્યો, સાંસદો, કલેક્ટર તથા મહાનગરપાલિકા કમિશનર સુધી વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી પણ મામલો પહોંચ્યો હતો, જ્યાંથી તાત્કાલિક ભરતી પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક અમલ થયો નથી.
વિશેષ નોંધનીય બાબત એ છે કે એક શિક્ષકનો માસિક પગાર ઓછામાં ઓછો રૂ. ૫૦,૦૦0 જેટલો હોય છે, જ્યારે એ જ ખર્ચે બે ક્લાર્ક રાખી શકાય તેમ હોવા છતાં વહીવટી સ્ટાફની ભરતી કરવામાં આવી નથી. હાલમાં કેળવણી નિરીક્ષક, એકાઉન્ટ, મહેકમ, રજિસ્ટ્રી, જનરલ શાખા, કોમ્પ્યુટર અને પેન્શન જેવી મહત્વપૂર્ણ શાખાઓમાં પૂરતા કર્મચારીઓના અભાવે કામગીરી પ્રભાવિત થઈ રહી છે.
રાજકોટ શહેર ભાજપના પૂર્વ અને વર્તમાન પ્રમુખ દ્વારા પણ શિક્ષણ સમિતિની મુલાકાત લઈ શિક્ષકોને મૂળ ફરજ પર પરત મોકલવા અને કાયમી ભરતી કરવા સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં તંત્રની નિષ્ક્રિયતા યથાવત્ છે.
આ પરિસ્થિતિમાં આગામી બે વર્ષમાં કાર્યરત ત્રણેય કાયમી ક્લાર્ક નિવૃત્ત થવાના હોવાથી સમસ્યા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે પ્રશ્ન એ છે કે આટલી ગંભીર પરિસ્થિતિ છતાં કાયમી ભરતી કરવામાં શા માટે વિલંબ થઈ રહ્યો છે? શિક્ષણ જેવી મહત્વપૂર્ણ વ્યવસ્થા સાથે સંકળાયેલા આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે તંત્ર ક્યારે જાગશે તે હવે સમય જ બતાવશે.