રાજકોટમાં પોષણ યોજના ઠપ્પ
- આંગણવાડીમાં ખોરાક સંકટઃ સગર્ભા માતાઓને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત આપવામાં આવતો અનાજનો જથ્થો અનિયમિત મળે છે
- 25 હજાર ગર્ભવતી મહિલાઓને અનાજ મળતું નથી
- તુવેરદાળ, ચણા, તેલના જથ્થાનું વિતરણ થયું નથી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં આવેલી આંગણવાડીઓમાં સગર્ભા માતાઓને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત આપવામાં આવતો અનાજનો જથ્થો અનિયમિત હોવાનું સામે આવ્યું છે. શહેરની ૩૬૪ આંગણવાડીઓમાં તુવેરદાળ, ચણા અને તેલનો જથ્થો ત્રણ માસથી ન મળતા ૨૫,૦૦૦ માતાઓ મુશ્કેલીનો સામનો કરી રહી છે. જોકે આ બાબતે જ્યારે તંત્રને પૂછવામાં આવ્યું તો જવાબ મળ્યો કે જથ્થો આવી ગયો છે. તેનું વિતરણ કરવાનું ચાલુ છે. રાજકોટના નારાયણ નગર શેરી નં. દમાં આવેલી ઘટક નંબર ૩ હેઠળની કેન્દ્ર નંબર ૧૪૧ આંગણવાડીમાં દિવ્ય ભાસ્કર ડિજીટલ ટીમ રિયાલિટી ચેક માટે પહોંચી તો નવી જ વાત સામે આવી કે, અહીં તો છેલ્લા છ મહિનાથી ચણા, તુવેર દાળ અને તેલનો જથ્થો આવ્યો જ નથી. અહીં ૨૫ જેટલી માતાઓ નોંધાયેલી છે. દર મહિને પ્રથમ ડિલિવરી વખતે માતાઓ માટે ૨ કિલો ચણા, ૧ કિલો તુવેર દાળ અને ૧ કિલો તેલ આપવાનો હોય છે, પરંતુ આ જથ્થો ૬ મહિને આપવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા હેઠળના ICDS (ઇન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ)ના પ્રોગ્રામ ઓફિસર શારદાબેનને સંપર્ક કરવામાં આવતા તેમને જણાવ્યું હતું કે, શહેરમાં ૩૬૪ આંગણવાડીઓ આવેલી છે જેમાં ૨૫૧૦૦ જેટલી સગર્ભા માતાઓ નોંધાયેલી છે. જેમના માટે તુવેરદાળ અને ચણા ફેબ્રુઆરીથી જૂન ૨૦૨૬ સુધીની તાજેતરમાં જ આવ્યા છે. જ્યારે તેલ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીનું હમણાં જ આવ્યું છે. જેનું વિતરણ હાલ ચાલી રહ્યું છે. નોંધનીય છે કે, ગુજરાતમાં સગર્ભા
મહિલાઓ માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) કાર્યરત છે, જેના દ્વારા વિનામૂલ્યે પોષણયુક્ત અનાજ અને ખાદ્યતેલ આપવામાં આવે છે. ગર્ભાવસ્થાથી લઈને બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીના ૧૦૦૦ દિવસ દરમિયાન પોષણ પૂરું પાડવું. આ
યોજના હેઠળ આંગણવાડીના માધ્યમથી દર મહિને ૨ કિલો ચણા, ૧ કિલો તુવેર દાળ અને ૧ લીટર શુદ્ધ ખાદ્યતેલ વિનામૂલ્યે આપવામાં આવે છે. રાજ્યમાં પ્રથમ વખત સગર્ભા બનતી મહિલાઓ આ યોજનાનો લાભ મેળવવા પાત્ર છે. રાજકોટ શહેર અને
જિલ્લામાં ૭૦૦ જેટલા સસ્તા અનાજના દુકાનદારો આવેલા છે જ્યાં જુલાઈ મહિનામાં તુવેરદાળનો જથ્થો આપવામાં આવ્યો નથી. જોકે ઓગસ્ટ માસમાં તુવેર દાળનો જથ્થો આપવામાં આવશે પરંતુ હજુ સુધી વિતરણ થયું નથી.