ગાંધીનગરમાં દૂધ અને છાસના કેરેટ ચોરતી શાતિર તસ્કર ગેંગનો પર્દાફાશ
-
વહેલી સવારે અઢીથી છ વાગ્યાના સમયગાળા દરમિયાન ડેરી સંચાલકોની ગેરહાજરીનો ઉઠાવાતો લાભ
-
સેક્ટર-૧૭, ૨૧, ૨૬, ૨, ૪ અને ૫ ના ડેરી પાર્લરોની બહાર મૂકેલા કેરેટની થતી હતી ચોરી
-
ટૂંક સમયમાં સાત જેટલા સ્થળોએ ચોરી થતાં વેપારીઓમાં વ્યાપી ગઈ હતી ચિંતા
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગાંધીનગરમાં છેલ્લા નવ દિવસથી વહેલી પરોઢે ડેરી પાર્લરોને નિશાન બનાવીને દૂધ, દહીં અને છાશના ભરેલા કેરેટની ચોરી કરતી એક શાતિર તસ્કર ગેંગનો સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનની ટીમે સફળ પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડીને ચોરીમાં વપરાતી ફોર-વ્હીલ ગાડી, મોટી સંખ્યામાં પ્લાસ્ટિકના કેરેટ તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૩.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ગોકુળપુરાના રીઢા ચોર તથા તેની સાથેના એક સગીરને ઝડપી લીધા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગર શહેરમાં દૂધના કેરેટ ચોરી કરવાનો આ સિલસિલો ૯મી સપ્ટેમ્બરથી શરૂ થયો હતો. વહેલી સવારે અઢીથી છ વાગ્યાના સમયગાળા દરમિયાન જ્યારે ડેરીઓમાંથી દૂધ અને છાશનો જથ્થો દૂધ કેન્દ્રો પર પહોંચાડવામાં આવતો હોય છે, ત્યારે પાર્લર માલિકોની ગેરહાજરીનો લાભ ઉઠાવીને આ તસ્કરો ત્રાટકતા હતા. સેક્ટર-૧૭ માં ઇન્દ્રવદનભાઈના દૂધ કેન્દ્ર, સેક્ટર-૨૧ માં ગીરીશભાઈ પટેલના પાર્લર પરથી ૧૫ કેરેટ, સેક્ટર-૨૬ ગ્રીનસિટીમાં સંજયભાઈ પટેલના મારૂતિ પાર્લર ખાતેથી ૧૭ કેરેટ, સેક્ટર-૧૫ ના જય ભોલે પાર્લર પરથી ૭ કેરેટ તેમજ સેક્ટર-૫ અને સેક્ટર-૨૦ માંથી મોટા પ્રમાણમાં કેરેટ ચોરાયા હતા. ટૂંક સમયમાં સાત જેટલા સ્થળોએ ચોરી થતાં વેપારીઓ અને સંચાલકોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળ્યો હતો.
આ સિરિયલ ચોરીની ઘટનાઓને ઉકેલવા માટે સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનના પીઆઈ એલ.પી. દેસાઈ અને તેમની સર્વેલન્સ ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સેક્ટર-૧૪ ગોકુલપુરા ખાતે રહેતા ૨૩ વર્ષીય શિવાભાઈ રણછોડભાઈ ભરવાડને ઝડપી લીધો હતો. કડક પૂછપરછ દરમિયાન તેણે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને સાથે રાખીને ગાંધીનગરના વિવિધ સેક્ટરોમાં આવેલા ડેરી પાર્લરોની બહાર મૂકેલા લોખંડના પાંજરાના તાળાં તોડીને દૂધ-દહીંના કેરેટ પોતાની ગ્રે કલરની સ્વિફ્ટ ગાડીમાં ભરીને ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
આ સફળ કામગીરીના પરિણામે પોલીસે સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનના બે અને સેક્ટર-૭ પોલીસ સ્ટેશનનો એક એમ કુલ ત્રણ વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા ૩ લાખની કિંમતની ગ્રે કલરની સ્વિફ્ટ કાર, અમૂલ લખેલા પ્લાસ્ટિકના ૯૧ નંગ ખાલી કેરેટ, અલગ અલગ બ્રાન્ડના ૫ મોબાઈલ ફોન તથા ચોરીમાં વપરાયેલું લોખંડનું પાનું મળીને કુલ રૂપિયા ૩,૪૩,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી અન્ય ગુનાઓ અંગે વધુ તપાસ શરૂ કરી છે.