રાજકોટમાં નવી સ્ટાઈલનું નેતૃત્વ; નેહલ શુક્લ છવાયા
=> મેયરનું કડક અલ્ટીમેટમ: સાંઢિયાપૂલની ગુણવત્તામાં બેદરકારી નહીં ચાલે
=> પૂલનું નિરીક્ષણ કરી અધિકારીઓને કહ્યું જે ખામી હોય તે દૂર કરો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરના નવા મેયર નેહલ શુક્લાએ પદ સંભાળ્યા બાદ તંત્રને જવાબદારી અને ગુણવત્તા અંગે કડક સંદેશ આપ્યો છે. શહેરમાં રૂ. ૭૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલા સાંઢિયા પુલની મુલાકાત દરમિયાન મેયર સહિતના પદાધિકારીઓએ કામગીરીમાં રહેલી ખામીઓ મુદ્દે અધિકારીઓને આડે હાથ લીધા હતા. સાંઢિયા પુલની મુલાકાતે મેયર નેહલ શુક્લા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા તથા શાસક પક્ષના નેતા હિરેન ખીમણીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. मुલાકાત દરમિયાન નવા બનેલા પુલમાં ફિનિશિંગ વર્ક સહિત કેટલીક ખામીઓ સામે આવતા પદાધિકારીઓએ તંત્ર પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો. મેયર નેહલ શુક્લાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જાહેર સુવિધાના પ્રોજેક્ટમાં કોઈપણ પ્રકારની ખામી સ્વીકાર્ય નથી. તેમણે તાત્કાલિક તમામ ખામીઓ દૂર કરીને જરૂરી રિપેરિંગ કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. સાથે જ ગુણવત્તા મામલે બેદરકારી દાખવનારાઓ સામે કડક વલણ અપનાવવાની ટકોર પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે મેયર તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નેહલ શુક્લા સતત મેદાનમાં ઉતરી કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. તાજેતરમાં સિવિક સેન્ટરમાં નાગરિકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે પણ તેમણે અધિકારીઓને જવાબદાર ઠેરવી ઝડપી નિરાકરણ લાવવા સૂચના આપી હતી. આ તરફ નવા પદાધિકારીઓ દ્વારા જૂના પદાધિકારીઓને સાથે રાખીને કામગીરી કરવામાં આવી રહી છે, જે સંકલન અને સતત કાર્યશૈલીનો સંદેશ આપે છે.
=> સત્તા સાથે જવાબદારી; વજુભાઈ વાળાનો નેહલ શુક્લને સંદેશ
=> નેહલ નહીં, ચીમનભાઈનો દીકરો બની સેવા કરજે પદ નહીં સંસ્કાર યાદ રાખજે
રાજકોટના રાજકારણમાંથી એક ખૂબ જ સદ્ભાવનાપૂર્ણ અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજકોટના નવનિયુક્ત મેયર નેહલ શુક્લે હોદ્દો સંભાળ્યા બાદ સૌરાષ્ટ્રના રાજકીય ભીષ્મ પિતામહ, ભાજપના વરિષ્ઠ અગ્રણી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વરિષ્ઠ નેતાએ નવા મેયરને ભાવભીનું સ્વાગત કરી આગામી કાર્યકાળ માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વજુભાઈએ વાગોળી જૂની યાદોમેયર નેહલ શુક્લ જ્યારે વજુભાઈ વાળાના નિવાસસ્થાન પર આશીર્વાદ લેવા પહોંચ્યા, ત્યારે વજુભાઈએ તેમને ફૂલહાર પહેરાવીને ઉષ્માભેર આશીર્વાદ આપ્યા હતા. આ મુલાકાત માત્ર ઔપચારિક ન રહેતા ખૂબ જ લાગણીસભર બની રહી હતી.
વજુભાઈ વાળાએ નેહલ શુક્લના પિતા અને રાજકોટના જાણીતા પૂર્વ નેતા ચીમનભાઈ શુક્લ સાથેના જૂના રાજકીય અને પારિવારિક સંબંધોને યાદ કરીને વાતાવરણને જીવંત બનાવી દીધું હતું. વજુભાઈની મેયરને મોટી સલાહમુલાકાત દરમિયાન વજુભાઈ વાળાએ નવનિયુક્ત મેયરને રાજકીય જીવનનો મોટો મંત્ર આપતા કહ્યું હતું કે, "પોતાના સત્કાર્યોથી તારા પિતા ચીમનભાઈનું નામ રોશન કરજે." તેમણે વધુમાં ઉમેર્યું કે, "આજે તું નેહલ તરીકે નહીં, પરંતુ ચીમનભાઈનો દીકરો સત્તા પર બેઠો છે તે રીતે જવાબદારી સમજીને પ્રજાના કામ કરજે." વરિષ્ઠ નેતાના આ પ્રેરણાદાયી શબ્દો સાંભળીને મેયર નેહલ શુક્લે પણ નગરજનોની સેવા પૂરી નિષ્ઠાથી કરવાની ખાતરી આપી હતી.