Loading Please Wait !!!
વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટનો પાટીદાર ચહેરો અનાર પટેલ?

<<>> નરેશ પટેલ 2027માં `રિટાયર્ડ' નહીં થાય!

<<>> ખોડલધામમાં નવી ચાલ: નરેશ પટેલનો વિશ્વાસ, અનાર પટેલ સેન્ટર સ્ટેજ પર

<<>> રાજકીય સ્ટ્રેટેજી સાથે માસ્ટર સ્ટ્રોક 2027ની રાજકીય ગેમપ્લાન સૌરાષ્ટથી તૈયાર થવાની ચર્ચા

સિટી ન્યૂઝ@રાજકોટ

આગામી જાન્યુઆરી 2027માં કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ભવ્યાતિભવ્ય દશાબ્દી મહોત્સવ 2027નું આયોજન કરવામાં આવ્યું છે. દશાબ્દી મહોત્સવના આયોજનના ભાગરૂપે આજ(23 મે) રોજ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલે સર્વ સમાજને આમંત્રણ આપવા માટે માતાજીના અલગ અલગ ત્રણ રથને રાજકોટથી પ્રસ્થાન કરાવ્યું છે જે સમગ્ર ગુજરાતમાં ફરી લોકોને ફરી આ આયોજનને ભવ્યાતિભવ્ય બનાવવા આમંત્રણ આપશે.

ખોડલધામના પ્રમુખ અને સર્વેસવા નરેશભાઇ પટેલની નિવૃત્તિ અંગેની ચર્ચાએ જે જોર પકડયું હતું તે અંગે નરેશભાઇનો સંપર્ક કરતા તેઓએ વિસ્તૃત ખુલાસા સાથે જણાવેલ કે પ્રર્વતમાન ખોડલધામના સંચાલનની જે ટીમ છે તેના સભ્યો યોગ્ય નિર્ણયો અને સંચાલન કરવામાં સક્ષમ છે. જેથી મારી જવાબદારીનો ભાર ઓછો કરવા મારી સંસ્થાના સભ્યોને વિવિધ જવાબદારીઓ સોંપીને ખોડલધામ સંસ્થાનું કોર્પોરેટર ગર્વનન્સ વધુ સક્ષમ બને તેવા હેતુથી મારી જવાબદારીઓ પૈકી અમુક જવાબદારીઓ સોંપવાનું વિચારી રહ્યો છું. મેં કોઇપણ પ્રકારની નિવૃત્તિ જાહેરાત કરી નથી કે નિવૃત્ત થવાનો પ્રશ્નન નથી.

આ પ્રસંગે નરેશ પટેલે નિવૃત્તિના પણ સંકેત આપ્યા છે. વર્ષ 2027માં તેઓ નિવૃત્તિ લઈ શકે છે તેવા સંકેત સાથે જણાવ્યું હતું કે, અમારી ટીમ હવે સક્ષમ થઈ ગઈ છે હું આરામ કરવા માંગુ છું અને મારી જગ્યાએ ક્યારેય પણ મારા પરિવારમાંથી કોઈ નહિ આવે એની પણ ખાતરી આપું છું. ઉલ્લેખનીય છે કે નરેશ પટેલની નિવૃત્તિ બાદ અનાર પટેલ ખોડલધામને લીડ કરે તો નવાઈ નહીં.
ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી તારીખ 19, 20 અને 21 જાન્યુઆરી 2027ના રોજ દશાબ્દી મહોત્સવ ખૂબ જ સુંદર રીતે ઉજવાય માટે નિર્ણય કરવામાં આવ્યો છે. 10 વર્ષ પહેલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જે રીતે લાખો લોકો જોડાયા હતા એ જ રીતે દશાબ્દી મહોત્સવમાં પણ લોકો ભાવથી જોડાશે. ખોડલધામ ટ્રસ્ટ કોઈ આમંત્રણ પત્રિકા ક્યારેય છપાવતું નથી, પરંતુ ખુદ માતાજી સાક્ષાત આમંત્રણ આપવા ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોંચે છે માટે આ વખતે અલગ અલગ ત્રણ ઝોનમાં માતાજીનો રથ ફરી સર્વ સમાજને દશાબ્દી મહોત્સવમાં પધારવા માટે આમંત્રણ પાઠવશે. આજે માતાજીના આ ત્રણેય રથનું પ્રસ્થાન રાજકોટ ખાતેથી કરાવવામાં આવ્યું છે.

અનારબેન પટેલે જણાવ્યું હતું કે, આજે રથ પ્રસ્થાનનો દિવસ આવી ગયો છે. રથ જિલ્લા સુધી તાલુકા સુધી પહોંચી રહ્યો છે આની સાથે સાથે આપણી સંગઠનની ટીમ પણ જિલ્લાથી ગામ સુધી પહોંચી મજબૂત બની રહી છે. મારા માટે આ પહેલો કાર્યક્રમ છે અને આ માહોલ ગઇકાલ રાતથી હું નિહાળી રહી છું. મોડી રાત સુધી યુવાનો ભાઈઓ-બહેનો બધા એક થઈ આ અવસર આ પ્રસંગને યાદગાર બનાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે. ગુજરાતમાં પાટીદાર સમાજની તાકાત કોઈનાથી છૂપી નથી. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનાં પુત્રી અનાર પટેલે ત્રણ વર્ષ પહેલાં જ ખોડલધામ ટ્રસ્ટમાં પ્રવેશ કરી લીધો હતો.

=> ખોડલધામની ટીમ સક્ષમ : મારી જગ્યાએ પરિવારમાંથી કોઇ નહીં : નરેશ પટેલ

=> જાન્યુઆરીમાં ખોડલધામ ટ્રસ્ટને 10 વર્ષ ઃ દશાબ્દી મહોત્સવ 2027નું ભવ્ય આયોજન

નરેશ પટેલે આજે રથનું પ્રસ્થાન કરાવતા પહેલા નિવેદન આપ્યું હતું કે, અહીંયા ઉપસ્થિત ઘણા લોકો 2011થી મારી સાથે જોડાયેલા છે, ઘણા લોકો 2017થી જોડાયેલા છે. આજે 10 વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે આટલા બધા લોકો સાથે છે એ જ મોટી સફળતા કહેવાય. આવડી મોટી સક્ષમ ટીમ છે હવે તો હું આરામ કરું તો પણ વાંધો નથી.

2017માં આપણી સ્વયંસેવકોની કુલ 29 કમિટી ખડેપગે હતી અને તે લોકોને હાથ જોડી વિનંતી કરી સાથ સહકાર માંગી રહી હતી. આજે તો તેનાથી પણ વધુ વિવેક આપણી અંદર આવી ગયો છે માટે કોઈ જ તકલીફ પડવાની નથી. માતાજીના આશીર્વાદ આપણી સાથે જ છે. આગામી તારીખ 19 જાન્યુઆરી 2027ને મંગળવારના રોજ શ્રી ખોડલધામ મંદિરે દશાબ્દી મહોત્સવનો શુભારંભ થશે. જેમાં સવારે 1008 કુંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે. ચારેય દિશાઓમાંથી શોભાયાત્રા શ્રી ખોડલધામ મંદિરે પહોંચશે.