Loading Please Wait !!!
રાજકોટમાં રવિવાર સુધી વરસાદની શક્યતા

=> 9 જિલ્લામાં વરસાદની સંભાવના: ભેજવાળા પવનોથી રાત્રે પણ ભારે બફારો

સિટી ન્યૂઝ@અમદાવાદ

હવામાન વિભાગે આગામી સાત દિવસની આગાહી કરતા જણાવ્યું કે, આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે દિવસ-2થી દિવસ-7 દરમિયાન સમગ્ર ગુજરાતમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવ અને રાજકોટ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. ઉપરાંત ગુજરાત રીજનમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.તાપમાન અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 43.3 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 43.0 ડિગ્રી સેલ્સિયસ અને સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી વધુ 43.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 42 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ ગુજરાત પર પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. સાથે જ પંજાબથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન સુધી સક્રિય ટ્રફ લાઇનના પ્રભાવને કારણે આજે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. 

શુક્રવારે રાજ્યનું મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર નોંધાયું. સુરેન્દ્રનગર 43.8C સાથે રાજ્યમાં સૌથી ગરમ રહ્યું. તો અમદાવાદ 43.3C સાથે બીજા નંબર પર રહ્યું. અન્ય ગરમ શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં 43C, રાજકોટમાં 42.9C અને અમરેલીમાં 42.3C મહત્તમ તાપમાન નોંધાયું. સુરેન્દ્રનગર-ગાંધીનગરના તાપમાનમાં 1.8 ડિગ્રીનો વધારો, જ્યારે અમદાવાદના તાપમાનમાં 1.6 ડિગ્રીનો વધારો થયો છે.