Loading Please Wait !!!
પડધરીના ચકચારી કેસમાં પીડિતાના પિતાની નહીં પણ કાકાની હત્યા !

=> બે દિવસથી ચર્ચિત કેસમાં પોલીસના ચોંકાવનારા ખુલાસા
=> દુષ્કર્મ કાંડમાં કાકીએ પણ ભોગવ્યો હતો જેલવાસ

સિટી ન્યૂઝ@રાજકોટ

છેલ્લા બે દિવસમાં મીડિયામાં ચર્ચિત કથિત દુષ્કર્મ પીડિત સગીર દીકરીના પિતાની હત્યા કેસ મામલે પોલીસ તરફથી ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આ મામલે પોલીસે સ્પષ્ટતા કરી છે કે, પડધરી તાલુકાના ખાખડાબેલા ગામમાં 20 મેની રાત્રે દુષ્કર્મ પીડિત સગીર દીકરીના પિતાની નહીં પણ તેના કાકાને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. આટલું જ નહીં, બે વર્ષ જુના દુષ્કર્મ કેસમાં પીડિત સગીરાની કાકી એટલે કે તાજેતરમાં જેની હત્યા થઈ તે વ્યક્તિની પત્નીની પણ સંડોવણી હતી. જે મામલે તેણીએ એક મહિલા જેલવાસ પણ ભોગવ્યો હતો.

વિગતે વાત કરીએ તો, રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના ખાખડાબેલા ગામમાં ગત 20મી મેના રોજ રાતના સમયે ખુની ખેલ ખેલાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, વર્ષ 2024માં નોંધાયેલા પોક્સો અને દુષ્કર્મ કેસની અદાવત રાખીને ફરાર આરોપીઓએ પૂર્વ આયોજન સાથે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. જે સમગ્ર ઘટનાએ રાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. જે મામલે હાલ મૃતકના 41 વર્ષીય કૌટુંબિક ભાઈએ પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આ કિસ્સા અંગે અજાણ્યા તથ્યો બહાર આવી રહ્યા છે.પોલીસમાં નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ, હત્યામાં સંડોવાયેલ આરોપીઓ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ વિરુદ્ધ પોક્સો તથા દુષ્કર્મની ફરિયાદ વર્ષ 2024માં ભોગ બનનાર પીડિતાના પિતા દ્વારા નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ ફરાર રહેલા મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ બંને આરોપીઓ સતત સમાધાન કરવા માટે પીડિતાના પિતા અને મૃતક કાકા ઉપર દબાણ કરતા હતા. જોકે, ફરિયાદી પરિવાર દ્વારા સમાધાન કરવાની ના પાડતા દુષ્કર્મ અને પોક્સો કેસના ફરાર આરોપીઓએ તે બાબતનો ખાર રાખી હત્યાકાંડને અંજામ આવ્યો હતો. 

ફરિયાદ મુજબ, હત્યાના દિવસે મૃતક (પીડિતાના કાકા) પોતાની કારમાં બેઠા હતા. ત્યારે આરોપીઓ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહએ તેમની કારને સામ સામે ભટકાડી હતી. ત્યારબાદ છાતી અને ગળાના ભાગે છરીના અંદાજે નવ જેટલા ઘા ઝીંકી તેમની નિર્દયી રીતે હત્યા કરી ફરાર થઈ ગયા હતા. બાદમાં સમગ્ર મામલે પોલીસને જાણ થતા જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને મહેન્દ્રસિંહ, યશપાલસિંહ તથા અજાણ્યા શખ્સો વિરુદ્ધ બીએનએસ કલમ 103(1), 61(2), 351(3), 54 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પડધરી પોલીસ સ્ટેશન ખાતે અગાઉ નોંધાયેલા પોક્સો અને દુષ્કર્મ કેસમાં હાલમાં મૃતક(દુષ્કર્મ પીડિતાના કાકા)ની પત્ની(પીડિતાની કાકી)ની મદદગારી કરવાનો આક્ષેપ નોંધાયો હતો. જે તે સમયે ભોગ બનનાર બાળકીના પિતા દ્વારા પોતાના ભાઈની પત્ની વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી દુષ્કર્મના આરોપીઓ પૈકીના મહેન્દ્રસિંહ સાથે અનૈતિક સંબંધ ધરાવતી હતી. જે મામલે જે-તે સમયે તેણીની ધરપકડ કરવામાં આવી હતી અને તેણી અંદાજે એક મહિના સુધી જેલમાં રહી હતી. 
વધુમાં પોલીસ તપાસ મુજબ, બે વર્ષ જુના 2024ના આ સગીરા દુષ્કર્મ કેસમાં પીડિતાની કાકી, અજયસિંહ, મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ એમ ચાર આરોપીઓ સંડોવાયેલા હતા. જેમાંથી એક આરોપી અજયસિંહ હાલ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

જ્યારે આ મામલે ફરિયાદ નોંધાતા જ બે આરોપીઓ  મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ ફરાર થઈ ગયા હતા. જેઓ હાલ સમાધાન ન કરવા બદલ દુષ્કર્મ પીડિતા સગીરાના કાકાની હત્યા કરી નરાધમો ફરી એકવાર ફરાર થઈ ગયા છે. ત્યારે બે વર્ષથી વોન્ટેડ આરોપીઓએ વધુ એક ગુનાને અંજામ આપતા પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. નોંધનીય છે કે, બે વર્ષથી ફરાર આરોપીઓએ ફરી એ જ વિસ્તારમાં હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપતા ઘટનાને પગલે રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયે કડક વલણ અપનાવ્યું છે અને તપાસમાં તેમજ ફરજમાં બેદરકારી દાખવવા બદલ ચાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં પોક્સો અને દુષ્કર્મ કેસના ઇન્વેસ્ટિગેશન ઓફિસર એચ.એન. રાઠોડ, પડધરી પોલીસ સ્ટેશનના તત્કાલીન સ્ટેશન હેડ ઓફિસર એસ.એન. પરમાર, પડધરી પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે. વાળા અને એએસઆઇ ભગીરથસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.

બે વર્ષથી ફરાર રહેલા આરોપીઓએ ફરીથી એ જ વિસ્તારમાં ગંભીર ગુનો કર્યો છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા સમયસર અસરકારક કાર્યવાહી ન થવાને કારણે જવાબદાર અધિકારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં સમગ્ર મામલે રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, આ હત્યા તેમજ પોક્સો-દુષ્કર્મ કેસના આરોપીઓને ઝડપી પાડવા માટે ધોરાજી ડિવિઝનના એએસપી સિમરન ભારદ્વાજના નેતૃત્વ હેઠળ વિશેષ સ્કોડ બનાવવામાં આવી છે. જેમાં એલસીબી, સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ભાયાવદર અને એસઓજી સહિતના 100થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જોડવામાં આવ્યા છે. આરોપીઓને ઝડપી પાડવા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરવામાં આવી છે. જેથી ટુંક જ સમયમાં આ નરાધમો પોલીસ સકંજામાં આવી જશે તેવી આશા સેવાઈ છે.