દ્વારકામાં મોચી સમાજના નવનિર્મિત અતિથિભવનનું ભવ્ય લોકાર્પણ યોજાશે
સિટી ન્યૂઝ@દ્વારકા : અખિલ ભારતીય મોચી સમાજ (શ્રી મોચી સમાજ જણસારી કાઠીયાવાડી ન્યાત ધર્મશાળા) દ્વારા તીર્થભૂમિ દેવભૂમિ દ્વારકા ખાતે સમાજના લોકો માટે એક અદ્યતન અતિથિભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. 45 સુવિધાયુક્ત રૂમો ધરાવતા આ નવનિર્મિત અતિથિભવનનું આગામી 17 મે 2026, રવિવારના રોજ ભવ્ય ઉદ્ઘાટન યોજાવા જઈ રહ્યું છે.દ્વારકા શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીના આશીર્વાદ સાથે તેમના પરમ શિષ્ય પૂજ્ય નારાયણાનંદ બ્રહ્મચારીજીના વરદહસ્તે સવારે 10:00 કલાકે આ અતિથિભવનને ખુલ્લું મૂકવામાં આવશે.
દ્વારકાધીશ સોસાયટીમાં આવેલા આ ભવનના ઉદ્ઘાટન પ્રસંગે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, મુખ્ય દાતાઓ, ટ્રસ્ટીગણ, આયોજકો અને સમાજના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહેશે. આ પાવન પ્રસંગે સવારે 7:00 કલાકે ધ્વજાજી પૂજન અને ત્યારબાદ સવારે 8:00 કલાકે અતિથિભવનથી દ્વારકાધીશ મંદિર સુધી ધ્વજાની ભવ્ય શોભાયાત્રા યોજાશે. લોકાર્પણ બાદ સન્માન સમારોહનો કાર્યક્રમ સનાતન ધર્મશાળા ખાતે રાખવામાં આવ્યો છે. વ્યવસ્થાપક સમિતિના સભ્ય ભરતભાઈ વાળાએ દેશ-વિદેશના તમામ દાતાઓ અને સમસ્ત મોચી સમાજને સપરિવાર આ મહોત્સવમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.