પાણી માટે હાહાકાર મોરબી રોડ પર ચક્કાજામ
» દોઢ વર્ષથી પાણી ન મળતા ખોડલ ચોક ખાતે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ
» અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા હાઈવે બ્લોક કરી દીધો
» પોલીસ અને સ્થાનિક કોર્પોરેટર દોડી આવ્યા, સમજાવટથી મામલો થાળે પાડ્યો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં એક તરફ આકરી ગરમી પડી રહી છે, ત્યારે બીજી તરફ પીવાના પાણીની સમસ્યાએ લોકોની ધીરજ ખૂટવી દીધી છે. રાજકોટના મોરબી રોડ પર આવેલી વિવિધ સોસાયટીઓમાં છેલ્લા ૧.૫ વર્ષથી પીવાના પાણીનો ગંભીર પ્રશ્ન ઉકેલાયો ન હોવાથી આજે સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ એકઠા થઈને ખોડલ ચોક ખાતે હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો.
સ્થાનિકોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, મોરબી રોડ આસપાસની સોસાયટીઓમાં છેલ્લા ૧.૫ વર્ષથી પીવાનું પૂરતું પાણી આવતું નથી. આ અંગે સ્થાનિક નગરસેવકોથી લઈને મનપાના અધિકારીઓ સુધી અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ભરઉનાળે પીવાના પાણી માટે વલખાં મારતા લોકોને આખરે કંટાળીને આંદોલન કરવાની ફરજ પડી છે. આજે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો રસ્તા પર ઉતરી હાઈવે બ્લોક કરતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
હાઈવે પર ચક્કાજામની માહિતી મળતા જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની સાથે સ્થાનિક કોર્પોરેટર પણ સ્થળ પર પહોંચ્યા હતા. રોષે ભરાયેલા લોકોને શાંત પાડવા માટે પોલીસ અને કોર્પોરેટર દ્વારા ભારે સમજાવટ કરવામાં આવી હતી. આખરે પાણીનો પ્રશ્ન વહેલી તકે ઉકેલવાની ખાતરી મળ્યા બાદ લોકો શાંત પડ્યા હતા અને રસ્તો ખુલ્લો થતા ટ્રાફિક વ્યવસ્થા ફરી પૂર્વવત બની હતી.
તંત્ર ઘોર નિંદ્રામાં, સ્માર્ટ સિટીના દાવા પોકળ
અસહ્ય ગરમીમાં લોકોને નિયમિત પીવાનું પાણી આપવાની મનપાની મૂળભૂત ફરજ છે. પરંતુ દોઢ-દોઢ વર્ષથી સમસ્યા હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. સ્માર્ટ સિટીના બણગાં ફૂંકતા સત્તાધીશો માટે આ શરમજનક બાબત છે કે નાગરિકોએ પીવાના પાણી માટે હાઈવે બ્લોક કરવો પડે છે. સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો હવે માત્ર આશ્વાસન જ અપાશે અને પાણીનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં મનપા કચેરીનો ઘેરાવો કરી વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.