Loading Please Wait !!!
NEET પેપર લીક કાંડ : વાલી મહામંડળનો ઉગ્ર આક્રોશ



સિટી ન્યૂઝ@રાજકોટ : NEET પરીક્ષાના પેપર લીક મામલે દેશભરમાં વિદ્યાર્થીઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ગંભીર મુદ્દે રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળે સરકાર સમક્ષ પેપર માફિયાઓને રક્ષણ આપવાનું બંધ કરી કડક સજાની અને વિદ્યાર્થીઓને થયેલા આર્થિક નુકસાનનું વળતર ચૂકવવા ઉગ્ર માંગ કરી છે. વાલી મહામંડળના પ્રમુખ હિંમત લાબડીયા સહિતના હોદ્દેદારોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, CBI તપાસ મુજબ NEET નું પેપર 60 લાખ રૂપિયામાં વેચાયું હતું અને 120 પ્રશ્નો બેઠા પૂછાયા હતા.

આ ઘટનાથી દેશના 23 લાખ અને ગુજરાતના 85 હજાર જેટલા વિદ્યાર્થીઓની રાત-દિવસની મહેનત પર પાણી ફરી વળ્યું છે, જેની ભરપાઈ અશક્ય છે. વાલી મહામંડળે સરકાર સામે વેધક સવાલ ઉઠાવ્યો છે કે, ડબલ એન્જિન સરકાર હોવા છતાં આંતરરાજ્ય માફિયાઓ આટલા સક્રિય કેવી રીતે છે? અગાઉ 24 થી વધુ સરકારી પરીક્ષાઓના પેપર લીક થયા છે. ત્યારે હવે NEET જેવી રાષ્ટ્રીય પરીક્ષાનું પેપર ફૂટવા છતાં NTA ના ચેરમેન કે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં કેમ લેવાતા નથી? સરકારે અગાઉના પેપર લીકના આરોપીઓને શું સજા થઈ તે પણ જાહેર કરવું જોઈએ.

રહેવા-જમવાનો અને મુસાફરીનો ખર્ચ ચૂકવવા માંગ

વાલી મહામંડળની સ્પષ્ટ માંગ છે કે, પરીક્ષા રદ થતા સરકાર માત્ર રજીસ્ટ્રેશન ફી માફ કરીને છટકી ન શકે. પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનો મુસાફરી, રહેવા અને જમવાનો તમામ ખર્ચ ગણીને સંતોષકારક આર્થિક વળતર ચૂકવવું જોઈએ. ભવિષ્યની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને વાહન વ્યવહાર સહિતની સુવિધાઓ મફત પૂરી પાડવી જોઈએ, જેથી ગરીબ અને મધ્યમ વર્ગ પર આર્થિક ભારણ ન આવે.