વીંછીયાના મોઢુકા ગામે પાનના ધંધાર્થીને ધમકીઓ આપી વ્યાજખોરો પૈસા પડાવ્યા
=> ૫ વ્યાજખોરો પાસેથી મકાન બનાવવા અને દવાખાનાના કામ અર્થે નાણાં લીધા બાદ યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો
સિટી ન્યૂઝ@વિંછીયા : વિંછીયા તાલુકામાં વ્યાજખોરો બેફામ બન્યા હોય તેમ આંકડીયા ગામના પાંચ શખ્સોએ મોઢુકા ગામના એક યુવાન વેપારીની મજબૂરીનો ફાયદો ઉઠાવી તોતિંગ 10 થી 12 ટકા વ્યાજ વસૂલી, પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. આ મામલે વિંછીયા પોલીસે મનીલેન્ડ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ પાંચેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોઢુકા ગામે સોમનાથ ચોકડી પાસે મહાકાળી ટી-સ્ટોલ ચલાવતા 21 વર્ષીય યુવાન યોગેશભાઈ રાજેશભાઈ વેગડે નોંધાવેલી ફરિયાદ મુજબ, એક વર્ષ પહેલા મકાન બનાવવા માટે તેમણે મામા પાસેથી લીધેલા નાણાં પરત કરવા અને બાદમાં દવાખાનાના ખર્ચ માટે આંકડીયા ગામના વ્યાજખોરો પાસેથી કટકે-કટકે નાણાં લીધા હતા.
જેમાં મંગળુ કરપડાએ 30 હજાર સામે 10% વ્યાજ વસૂલ્યું અને વ્યાજ આપવામાં 3 દિવસ મોડું થતા 10 હજારની પેનલ્ટી માંગી ધમકી આપી હતી.વ્યાજખોર ઓગુ ચાવડાએ 80 હજાર સામે દર મહિને 10 હજાર વ્યાજ વસૂલ્યું છે.40 હજાર પરત કર્યા હોવા છતાં હજુ 90 હજારની માંગણી કરી હતી. આ ઉપરાંત નાગરાજ ચાવડાએ 50 હજાર સામે 10% વ્યાજ વસૂલ્યું છે અને 40 હજાર ચૂકવ્યા હોવા છતાં 60 હજારની ઉઘરાણી કરી ગાળો ભાંડી હતી આ સાથે મહાવીર પાસેથી 30 હજાર અને રોહિત પાસેથી 40 હજાર 12% વ્યાજે લીધા હતા. લાખો રૂપિયા ચૂકવ્યા હોવા છતાં મહાવીર 2 લાખ અને રોહિત 50 હજારની પઠાણી ઉઘરાણી કરતા હતા.વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને અંતે પોલીસના શરણ લીધા હતા. વિંછીયા પોલીસે આ મામલે મહાવીર નરેશ ચાવડા, રોહિત ચાવડા, મંગળુ કરપડા, ઓગુ ચાવડા અને નાગરાજ ભાભલૂ ચાવડા વિરુદ્ધ BNS ની કલમ 352, 351(3), 308(5), 54 તથા મની લેન્ડ એક્ટની કલમ 5, 40, 42 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી તેજ કરી છે.
બળજબરીથી રોકડ પડાવી અને ધમકી આપી
સાત દિવસ પહેલા મહાવીર અને રોહિત ચાવડા બાઇક પર યુવાનની દુકાને ધસી આવ્યા હતા. વ્યાજના નાણાં બાબતે માથાકૂટ કરી બંનેએ ગાળો આપી હતી. એટલું જ નહીં, મહાવીરે યુવાનના ખિસ્સામાંથી બળજબરીપૂર્વક 4 હજાર રૂપિયા કાઢી લીધા હતા અને ધમકી આપી હતી કે, "જો પોલીસમાં ફરિયાદ કરીશ તો જીવતો નહીં રહેવા દઈએ."