Loading Please Wait !!!
રાજકોટમાં પોલીસ V/S વકીલ

  • પોલીસનો દાવો: વકીલોએ ‘તારી ઔકાત શું છે?’ કહી ગાળો ભાંડી, પીએસઆઈ-જમાદાર સાથે ઝપાઝપી કરતા 5 વકીલો સામે ફરજમાં રૂકાવટ ગુનો નોંધાયો
  • વકીલોનો સણસણતો આક્ષેપ: મહિલા કોન્સ્ટેબલનું ગેરવર્તન, પીએસઆઈએ ડી-સ્ટાફના રૂમમાં લઈ જઈ વકીલને ઢોર માર માર્યો; ઈજાગ્રસ્ત વકીલ સિવિલ હોસ્પિટલમાં દાખલ
  • યુનિવર્સિટી પોલીસ મથકમાં હાઈવોલ્ટેજ ડ્રામા, સામસામા આક્ષેપોથી ભારે ખળભળાટ
  • રાજકોટ બાર એસોસિએશને પોલીસ કમિશનરને રૂબરૂ મળી કડક કાર્યવાહીની માંગ કરી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ મથકમાં સોમવારે અરજી બાબતે તપાસ દરમિયાન પોલીસ અને વકીલો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થતાં ભારે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. આ મામલે પોલીસે એક એડવોકેટ સહિત પાંચ શખ્સો સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે, જ્યારે બીજી તરફ રાજકોટ બાર એસોસિએશને પોલીસ પર વકીલને ડી-સ્ટાફના રૂમમાં ગોંધી રાખી ઢોર માર મારવાનો ગંભીર આક્ષેપ કરી પોલીસ કમિશનરને રજૂઆત કરતા શહેરમાં 'પોલીસ વિરુદ્ધ વકીલ' નો નવો વિવાદ ભડકે બળ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ, અરજીની તપાસમાં જમાદાર રેણુકાબેન ચૌધરી બંને પક્ષની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે એડવોકેટ રવિ વાઘેલા અને શીતલબેન ચાવડા ઉશ્કેરાઈ ગયા હતા અને "તારી ઔકાત શું છે?" કહી અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. મામલો થાળે પાડવા આવેલા પીએસઆઈ શ્યોરા અને જમાદાર જેન્તીભાઈ રાઠોડ સાથે પણ વકીલોએ ગેરવર્તન કર્યું હતું. "હું તને કોર્ટમાં જોઈ લઈશ" તેવી ધમકી આપી જમાદાર સાથે ઝપાઝપી કરી ધક્કો માર્યો હતો. આ મામલે પી.આઈ. દવેની સૂચનાથી એડવોકેટ રવિ વાઘેલા, શીતલબેન અને અન્ય ૩ મહિલાઓ મળી કુલ ૫ લોકો સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો છે.

સામા પક્ષે રાજકોટ બાર એસોસિએશને પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી જવાબદાર પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ કરવા માંગ કરી છે. રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે, સિવિલ ડ્રેસમાં રહેલી મહિલા કોન્સ્ટેબલે "અમારા પોલીસ સ્ટેશનમાં વકીલોએ આવવું નહીં" કહી બેફામ વાણીવિલાસ કર્યો હતો. બોલાચાલી બાદ પીએસઆઈ અને ૪-૫ પોલીસ કર્મીઓએ એડવોકેટ રવિ વાઘેલાને ડી-સ્ટાફના રૂમમાં લઈ જઈ ઢોર માર માર્યો અને ખોટો ગુનો દાખલ કર્યો. ઈજાગ્રસ્ત વકીલ હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. બાર એસોસિએશને સીસીટીવી ફૂટેજ અને વાયરલ વીડિયોના આધારે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે.

બાર એસોસિએશને રજૂઆતમાં પી.આઈ. દવેના અત્યંત ઉદ્ધત વર્તનનો પણ ઉલ્લેખ કર્યો છે. આક્ષેપ મુજબ, હોદ્દેદારો રજૂઆત કરવા ગયા ત્યારે પી.આઈ. દવેએ કહ્યું હતું કે, "મને વકીલો ગમતા જ નથી, બેથી વધુ વકીલ આવે તે મને પસંદ નથી. એ લેડી કોન્સ્ટેબલ મારો સ્ટાફ છે, એ ગરમ થાય તમારે ન થવાય. જ્યાં પૂછવું હોય ત્યાં પૂછી લેજો, હું કોઈથી બીતો નથી. વકીલને મારી બદલી થાય. તમારા બે વકીલોને ધંધે લગાડેલ છે, સાથે જે આવશે તેને પણ ધંધે લગાડવાના છે."

વધુમાં સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફ પર પણ ફરિયાદ નોંધવામાં બેદરકારીનો આક્ષેપ કરાયો છે. હાલ બંને પક્ષે આમને-સામને આવી જતા કમિશનર કક્ષાએથી આ સમગ્ર હાઈપ્રોફાઈલ મામલે કેવી તપાસ થાય છે, તેના પર સૌની નજર છે.