ગુજરાતમાં અતિભારે વરસાદ તૂટી પડશે 16 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ
અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
-
» 72 કલાકમાં 50% ગુજરાતમાં વરસાદની શક્યતા: ભાવનગર અમરેલી વિસ્તારોમાં હજુ ભારે વરસાદની શક્યતા
-
» 14 જુલાઈથી બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ સક્રિય થશે : જે 16થી 20 જુલાઈએ ફરી વરસાદ ભૂક્કા બોલાવશે
સિટી ન્યૂઝ@અમદાવાદ
રાજ્યમાં હાલ ચોમાસાએ જમાવટ કરી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને લેટેસ્ટ આગાહી કરી છે. આગામી ૭૨ કલાકમાં ૫૦ ટકા ગુજરાતમાં વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય ભાવનગર, અમરેલીના ભાગોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ પણ વરસાદ ઓછો રહેશે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લીના ભાગમાં સારા વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. પંચમહાલ, વડોદરાના ભાગમાં ચાર ઈંચથી વધુ વરસાદની શક્યતા છે. ૭૨ કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ૯ જુલાઈ બાદ રાજ્યના કેટલાક ભાગમાં વરાપ નીકળવાનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરાપ ક્યારે નીકળે તે કહેવું મુશ્કેલ છે. ૧૪ જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ સક્રિય થશે. સિસ્ટમથી ગુજરાતમાં ૧૬થી ૨૦ જુલાઈ દરમિયાન વરસાદનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થશે. જુલાઈના અંત અને ઓગસ્ટ મહિનાના પ્રારંભે અણધાર્યા વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો કુલ ૧૬૪ તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે, જેમાં રાજ્યના ૭ તાલુકાઓમાં ૫ થી ૧૧ ઈંચ, ૨૬ તાલુકાઓમાં ૨ થી ૪ ઈંચ અને ૫૧ તાલુકાઓમાં ૧ થી પોણા બે ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. અમરેલીના ધારીમાં ૯.૨૧ ઈંચ, ખાંભામાં ૬.૮૧ ઈંચ, ડાંગના સુબીરમાં ૫.૧૬ ઈંચ અને સાવરકુંડલામાં ૫.૦૪ ઈંચ વરસાદ ખાબક્યો છે.