ઉત્તરપ્રદેશમાં ભાવનગરના યુવાને ગર્લફ્રેન્ડના ત્રણ ટૂકડા કરી જંગલમાં ફેંકી દીધા
છેલ્લે પગ ફેંકવા જતા પોલીસે દબોચી લીધો
સિટી ન્યૂઝ@યુપી
યુપીના જૌનપુરમાં વોટ્સએપ ચેટ ન બતાવવા પર યુવકે પોતાની પરિણીત ગર્લફ્રેન્ડનું ગળું કાપીને હત્યા કરી દીધી. ત્યારબાદ ધારિયાથી મૃતદેહને ત્રણ ટુકડામાં કાપ્યો. હાથ અને કમરના નીચેના ભાગને કાળી પોલીથીનમાં ભરીને બે અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. આરોપી યુવક ભાવનગરનો રહેવાસી છે, જ્યારે મૃતક મહિલા વારાણસીની રહેવાસી હતી. જૌનપુરમાં મોર્નિંગ વોક પર નીકળેલા લોકોને રસ્તા કિનારે ઝાડીઓમાં મોટી પોલીથીન જોઈ તો તેમને શંકા ગઈ. તરત જ તેની જાણ પોલીસને કરી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પોલીથીન ખોલી. જેમાં મહિલાની કમરનો ઉપરનો ભાગ પડ્યો હતો. જ્યારે આસપાસ તપાસ કરવામાં આવી તો લગભગ એક કિમી દૂર તેના બંને હાથ પડેલા મળ્યા. જ્યારે પગનો ભાગ ગાયબ હતો. પોલીસે બંને ધડ કબજે લઈને આરોપીની શોધખોળ શરૂ કરી. રવિવારે મોડી રાત્રે આરોપી પગના ટુકડા પોલીથીનમાં ભરીને ફેંકવા જઈ રહ્યો હતો, ત્યારે પોલીસે રાત્રે લગભગ સાડા બાર વાગ્યે તેને ઘેરી લીધો હતો. પોતાને ઘેરાયેલો જોઈને તેણે ફાયરિંગ કર્યું. ત્યારબાદ પોલીસે એન્કાઉન્ટરમાં તેના પગ પર ગોળી મારીને તેને પકડી લીધો. તેના જમણા પગમાં ગોળી વાગી છે. તેની પાસેથી ગડાસા (ધારિયું) અને તમંચો મળી આવ્યો છે. આ ઘટના મડિયાહું કોતવાલી વિસ્તારની છે.
રેશ્મા અન્ય કોઈ યુવક સાથે વાત કરતી હોવાની શંકાને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તે જ રાત્રે તેના વોટ્સએપ ચેટ્સને લઈને વિવાદ વધુ વકર્યો હતો. રેશમાએ વોટ્સએપ ચેટ બતાવવાનો ઇનકાર કર્યો. આ વાત પર બંને વચ્ચે ઝઘડો થવા લાગ્યો. આ દરમિયાન રાત્રે લગભગ નવ વાગ્યે ગુસ્સામાં દિલીપે રસોડામાં રાખેલી છરી વડે રેશ્માનું ગળું કાપી નાખ્યું. આ પછી તે લાશને ઠેકાણે પાડવા માટે બજાર ગયો અને ત્યાંથી ધારિયું અને કાળી પોલિથીન ખરીદીને લાવ્યો. ત્યારબાદ તેણે તેના મૃતદેહના ટુકડા કરી નાખ્યા હતા અને તે ટુકડાઓને અલગ-અલગ સ્થળોએ ફેંકી દેવાની તૈયારીમાં હતો.