પારડીમાં મહિલાની હત્યા નિપજાવી નાસી છૂટેલા સગીર સહીત બે હરિદ્વારથી ઝડપાયા
શાપર પોલીસે બાતમી આધારે વેશ પલટો કરી ઝડપી લીધા : સઘન પૂછપરછ
સિટી ન્યૂઝ@શાપર
શાપર પોલીસે પારડી ગામે થયેલા ચકચારી મર્ડર કેસનો ભેદ ઉકેલીને મુખ્ય આરોપી સહિત બેને હજાર કિલોમીટર દૂર ઉત્તરાખંડના હરિદ્વારથી ઝડપી પાડ્યા છે પોલીસે બાતમી આધારે હજારો કિલોમીટર દૂર જઈ વેશ પલટો કરી બંનેને ઝડપી લીધા હતા.
ગત ૧૨ જૂન ૨૦૨૬ના રોજ શાપર પોલીસ સ્ટેશન વિસ્તારના પારડી ગામે ઓટો રિક્ષામાં આવેલા આરોપીઓએ જુબેદાબેન અયુબભાઈ ગુદકી પર છરીથી આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો આ જીવલેણ હુમલામાં ઘવાયેલા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે આ ગુનામાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) મુજબ હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો.
ઘટના બાદ આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા માટે સતત સ્થળ બદલીને નાસતા ફરતા હતા દરમિયાન શાપર પોલીસના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે, આ ગુનાના આરોપીઓ હાલ ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે પોતાની ઓળખ છુપાવીને વસવાટ કરી રહ્યા છે. આથી પી.આઈ. આર.બી. રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ હરિદ્વાર રવાના થઈ હતી હરિદ્વાર પહોંચીને પોલીસે સ્થાનિક ભીડમાં ઓળખાઈ ન જવાય તે માટે વેશપલટો કર્યો હતો અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી હરિદ્વાર રેલ્વે સ્ટેશન ખાતેથી મુખ્ય આરોપી પ્રવીણભાઈ ઉર્ફે લાખાજો ગલાભાઈ વાઘેલા તથા એક કિશોરને દબોચી લીધા હતા પકડાયેલા બંને આરોપીઓ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના સદાદ ગામના વતની છે અને હાલ મોરબીના કાંતીનગરમાં રહેતા હતા ફરાર દરમ્યાન કોણો-કોણો આશરો આપ્યો તે સહિતની પુછતાછ પોલીસે હાથ ધરી છે.
આ કામગીરીમાં એએસઆઈ દિવ્યરાજસિંહ, ક્રીપાલસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ, જગશીભાઈ, કોન્સ્ટેબલ અલ્પેશભાઈ, લગધીરસિંહ, રાજદીપસિંહ, મનસુખભાઈ તેમજ ગોંડલ નાયબ પોલીસ અધીક્ષક કચેરીના એએસઆઈ છત્રપાલસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.