Loading Please Wait !!!
સપનાનું ઘર ખરીદવું 10% મોંઘુ 1 જુલાઈથી ભાવ વધારો!

રિયલ એસ્ટેટમાં મોંઘવારી; 50 લાખનું ઘર ઉપર 5 લાખ વધુ ખર્ચવા પડશે

■ અમદાવાદ ક્રેડાઈની બેઠકમાં બિલ્ડર એસો. અંતિમ નિર્ણય કર્યો

■ રો–મટીરિયલના ભાવમાં 20% થી લઈને 60% જેટલો તોતિંગ વધારો નોંધાયો

■ વતને ગયેલા મજૂરો પરત ન ફરતા લેબરની ગુજરાતભરમાં ભારે અછત

સપ્લાય ચેઈન ખોરવાતા પ્રોજેક્ટ કોસ્ટમાં વધારો

  • પૂર્ણતાના આરે આવેલા પ્રોજેક્ટમાં 5% સુધી ભાવવધારો

  • સ્ટીલ, સિમેન્ટ અને અન્ય સામગ્રીના ખર્ચમાં 30% થી 50% ઉછાળો

  • મજૂરોની અછતથી પ્રોજેક્ટ પૂર્ણ થવામાં વિલંબ

  • RERA નિયમોના કારણે બિલ્ડરો પર વધારાનો આર્થિક બોજ

  • 30 જૂન સુધી જૂના ભાવનો લાભ મળશે

  • CREDAIના નિર્ણય બાદ ઘર અને ઓફિસ ખરીદવી વધુ મોંઘી બનશે

સીટી ન્યૂઝ@રાજકોટ

અમદાવાદમાં પોતાનું ઘર કે ઓફિસ ખરીદવાનું સપનું જોતા નાગરિકો માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. આગામી ૧ જુલાઈથી શહેરમાં મકાનો અને રિયલ એસ્ટેટના ભાવમાં નોંધપાત્ર વધારો થવા જઈ રહ્યો છે. અમદાવાદના ક્રેડાઈ (CREDAI) હાઉસ ખાતે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં બિલ્ડર એસોસિએશન દ્વારા આ અંગેનો આખરી નિર્ણય લેવામાં આવ્યો છે.

મધ્ય પૂર્વ એશિયામાં યુદ્ધની પરિસ્થિતિના કારણે વધી રહેલ કન્સ્ટ્રક્શન રો–મટીરિયલ્સના ભાવોના કારણે બાંધકામ વ્યવસાય પર ગંભીર અસર થઈ છે. આ અંતર્ગત પ્રોપર્ટીની કિંમતોમાં થવાપાત્ર વધારા અંગે ચર્ચા વિચારણા કરવા આજરોજ ક્રેડાઈ અમદાવાદ દ્વારા એક વિશેષ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે ૪૦૦થી વધુ સભ્યો હાજર રહ્યા હતા. ક્રેડાઈના ચેરમેન રાજેશ વસવાણી, પ્રમુખ આલાપ પટેલ સહિત શહેરના અગ્રણી બિલ્ડરોએ આ હાઈલેવલ બેઠકમાં માર્કેટને અસર કરતા તમામ પરિબળો અંગે ઊંડી ચર્ચા–વિચારણા કરી હતી.

સંસ્થાના ચેરમેન રાજેશભાઈ વસવાણીએ જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વ એશિયામાં યુદ્ધની પરિસ્થિતિના કારણે બિલ્ડિંગમાં ઉપયોગી રો મટીરીયલ્સની સપ્લાય ચેઈન ખોરંભે પડી છે. આ આંતરરાષ્ટ્રીય તણાવને લીધે આયાતી સામગ્રીના ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે અને રો–મટીરિયલના ભાવમાં ૨૦%થી લઈને ૬૦% જેટલો તોતિંગ વધારો નોંધાયો છે.

બાંધકામમાં વપરાતા મુખ્ય મટીરીયલ્સના ભાવમાં આશરે ૩૦%થી ૫૦% જેટલો ધરખમ ભાવ વધારો થયેલ છે અને હજુ પણ આ વધારો ચાલુ જ છે, જેના પરિણામે પ્રોજેક્ટ કોસ્ટ ખૂબ વધી ગઈ છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે, તો આગામી ક્વી ૧૨ મહિનામાં બાંધકામ ઉદ્યોગ પર આનાથી પણ વધુ ગંભીર અસરો થઈ શકે છે.

બાંધકામ ખર્ચમાં વધારા ઉપરાંત સમયસર પૂરતા પ્રમાણમાં રો મટીરીયલ ન મળતા બાંધકામ પ્રવૃત્તિ મંદ પડી ગઈ છે. બીજી તરફ, અન્ય રાજ્યોમાં ઇલેક્શન પૂર્ણ થયા છતાં પણ માઇગ્રેટેડ લેબર્સ (પરપ્રાંતીય મજૂરો) પોતાના વતનમાંથી પરત આવ્યા નથી. આ કારણે મોટા પ્રમાણમાં લેબરની અછત પણ ઊભી થઈ છે, જેના લીધે ચાલુ બાંધકામના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં વધુ સમય લાગશે અથવા વિલંબ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

ક્રેડાઈએ સ્પષ્ટ કર્યું છે કે, ૩૦ જૂન સુધી ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. જોકે, ૧૫ જૂન, ૨૦૨૬થી જ નવા બુકિંગ અને અમુક પ્રોજેક્ટોમાં ભાવવધારાની પ્રક્રિયા આડકતરી રીતે શરૂ થઈ શકે છે, જે ૧ જુલાઈથી પૂર્ણપણે અમલી બનશે. આ અગાઉ સંસ્થાએ ૧૫ મે, ૨૦૨૬ના રોજ દૈનિક પત્રોમાં જાહેરાત આપીને નાગરિકોને વહેલી તકે ઘર ખરીદી લેવા અપીલ કરી હતી, જેને પગલે ઘણા જાગૃત નાગરિકોએ મિલકતો ખરીદી પણ લીધી છે.