પોલીસ કમિશનરથી લઈ PI દરરોજ બે કલાક ફરજિયાત નાગરિકોને સાંભળશે
- જનતાને રાહત | પોલીસ વડા જી.એસ.મલિકનો કડક આદેશ
- 15 દિવસમાં સામાન્ય અરજીઓનો નિકાલ ફરજિયાત
સીટી ન્યૂઝ@ગાંધીનગર
રાજ્યના નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનો સ્થાનિક કક્ષાએ જ ઝડપી અને અસરકારક નિકાલ થાય તે માટે રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક દ્વારા મહત્વપૂર્ણ કચેરી હુકમ જારી કરવામાં આવ્યો છે. આ હુકમ હેઠળ હવેથી રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ આઈજી, પોલીસ અધીક્ષકથી લઈને પોલીસ સ્ટેશનના થાણા અમલદારો સુધીના અધિકારીઓએ દરરોજ નિશ્ચિત સમય દરમિયાન નાગરિકોની રજૂઆતો સાંભળવી ફરજિયાત રહેશે.
હુકમ મુજબ તમામ પોલીસ કમિશનર, સંયુક્ત, અધિક, નાયબ અને મદદનીશ પોલીસ કમિશનર, રેન્જ વડા તથા પોલીસ અધીક્ષકો દરરોજ બપોરે ૧૨થી ૨ વાગ્યા દરમિયાન પોતાની કચેરીમાં હાજર રહી મુલાકાતીઓને સાંભળશે અને તેમની અરજીઓ પર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરશે.
જો કોઈ અનિવાર્ય સંજોગોમાં અધિકારી હાજર ન રહી શકે તો કચેરીના વરિષ્ઠ અધિકારી અથવા રીડર દ્વારા અરજદારોની રજૂઆતો સ્વીકારી સંબંધિત અધિકારી સમક્ષ રજૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.
પોલીસ ઇન્સ્પેક્ટરો માટે દરરોજ સાંજે ૪થી ૬ વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ દરમિયાન તેઓએ પોલીસ સ્ટેશનમાં હાજર રહી નાગરિકોની અરજીઓ સ્વીકારી તેના પર કાર્યવાહી શરૂ કરવાની રહેશે.
પોલીસ વડાના આદેશ મુજબ આર્થિક ગુનાઓ, વૈવાહિક અને પારિવારિક વિવાદો, તબીબી બેદરકારી તથા ભ્રષ્ટાચાર સંબંધિત અરજીઓનો નિકાલ ક અઠવાડિયામાં કરવાનો રહેશે. જ્યારે અન્ય તમામ સામાન્ય અરજીઓનો નિકાલ મહત્તમ ૧૫ દિવસમાં કરવાનો રહેશે.
દરેક કચેરીમાં રજૂઆત કરનાર અરજદારોની વિગતો નોંધવા માટે અલગ રજિસ્ટર રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. અરજીની તપાસ દરમિયાન કોઈ સંજ્ઞેય ગુનો બન્યો હોવાનું જણાય તો તાત્કાલિક FIR નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
- રાજ્યવ્યાપી હેલ્મેટ ડ્રાઈવ દરમિયાન સરકારી કર્મચારીઓ સામે પણ કાર્યવાહી
- હેલ્મેટ નિયમ ભંગ કરનાર સરકારી કર્મચારીઓ પાસેથી 16.58 લાખ દંડ વસૂલાયો
માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા અને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ વધારવા માટે ગુજરાત પોલીસ દ્વારા ૧થી ૩૧ મે દરમિયાન રાજ્યવ્યાપી વિશેષ "હેલ્મેટ ડ્રાઈવ" યોજવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન હેલ્મેટ નિયમોનો ભંગ કરનાર ૫,૧૨૩ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરીને તેમની પાસેથી ૩.૧૬.૫૮ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકે જણાવ્યું હતું કે દંડ વસૂલવો એ ગુજરાત પોલીસનું મુખ્ય લક્ષ્ય નથી, પરંતુ નાગરિકોના જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ મુખ્ય ઉદ્દેશ્ય છે. વાહનચાલકો અને પાછળ બેસનાર વ્યક્તિએ માત્ર દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાની સુરક્ષા માટે હેલ્મેટ અને સીટબેલટનો ઉપયોગ કરવો જોઈએ. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ એક મહિનાની ઝુંબેશ દરમિયાન રાજ્યભરમાં કુલ ૧.૮૮ લાખથી વધુ વાહનચાલકો સામે ટ્રાફિક નિયમભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાંથી કુલ ૩.૫.૨૧ કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો. પોલીસ વડાએ જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમો દરેક માટે સમાન છે અને આ અભિયાન દરમિયાન સામાન્ય નાગરિકોની સાથે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના પાલન અંગે સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને નાગરિકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.