Loading Please Wait !!!
પંજાબી સબ્જી, પિત્ઝા, સેન્ડવીચના ભાવમાં તોતિંગ વધારો આવશે

એનાલોગ પનીર પર પ્રતિબંધથી રસોડાથી લઈને રેસ્ટોરન્ટ સુધી અસર

■ અત્યાર સુધી 90% હોટલ-રેસ્ટોરન્ટમાં એનાલોગ પનીર જ વપરાતું હતું

■ એનાલોગ અને મિલ્ક પનીરમાં કિલોએ 100થી 120નો તફાવત

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજ્ય સરકારે એનાલોગ ચીઝ, પનીર અને બટરના વપરાશ પર મૂકેલા પ્રતિબંધની સીધી અસર હવે ખાણીપીણીના બજેટ પર પડશે. અત્યાર સુધી નાના લારી-ગલ્લા, ફેરું અને ક્લાઉડ કિચનમાં એનાલોગ પનીર-ચીઝ-બટરનો ઉપયોગ થતો હતો, જેના કારણે ગ્રાહકોને વાનગીઓ વ્યાજબી ભાવે મળતી હતી, પરંતુ હવે ફરજિયાત શુદ્ધ 'મિલ્ક પનીર' અને ઓરિજિનલ ચીઝ-બટર વાપરવું ફરજિયાત બનતાં દરેક વાનગી પર રૂ. ૨૦થી ૫૦ સુધીનો ભાવવધારો ચૂકવવો પડશે. પનીર, ચીઝ અને બટરના ઉપયોગથી બનતી પંજાબી સબ્જી, સેન્ડવીચ અને પિત્ઝા મોંઘા થશે. પનીર બટર મસાલા જે અત્યાર સુધી ૨૨૦ રૂપિયામાં મળતું હતું તે હવે ૨૬૦ રૂપિયા, જ્યારે ૨૦૦ રૂપિયાની ચીઝ ક્લબ સેન્ડવીચ વધીને ૨૪૦ રૂપિયા સુધી પહોંચી જશે તો માર્ગરીટા પિત્ઝાનો ભાવ ૧૫૦થી ૧૮૦ સુધી પહોંચી જશે. આમ, અસલી સ્વાદ અને સ્વાસ્થ્ય માટે લોકોને વધારે પૈસા ખર્ચા પડશે. સરકારના આ નિર્ણય અંગે અમે હોટેલ સંચાલકોના પણ મંતવ્ય જાણ્યા હતા. સુરતમાં ૧૦ વર્ષથી ફાસ્ટફૂડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી વિનાયકભાઈએ જણાવ્યું હતું કે, ગ્રાહકોને ગેરમાં દોરતા સ્પર્ધાકો સામે નિર્ણય યોગ્ય છે અને માર્કેટમાં વ્યાજબી રેટ્સ નક્કી થશે.

અમદાવાદમાં ધ ચાન્ડ ભગવતી હોટલના સંચાલક નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે, સરકારે આ ખૂબ જ સારું કામ કર્યું છે. છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને હવે ગુજરાતમાં પણ એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકવાથી લોકોની હેલ્થ સાથે ચેડા નહીં થાય. અત્યારના લોકો હેલ્થને લઈને ખૂબ જ સજાગ થઈ ગયા છે. આ નિર્ણય બાદ હવે સુરતમાં દૂધની દૈનિક ડિમાન્ડમાં મોટો વધારો થવાની શક્યતા છે. અત્યાર સુધી સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારમાં એનાલોગ પનીર તથા ચીઝ બનાવવા માટે દૂધના બદલે વનસ્પતિ ઘી કે પામ ઓઈલ જેવા ખાદ્ય તેલોનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ હવે આ પ્રતિબંધ બાદ તમામ વેપારીઓ અને ઉત્પાદકોએ પનીર તથા ચીઝ બનાવવા માટે શુદ્ધ દૂધનો જ ઉપયોગ કરવો પડશે, જેથી આગામી બેથી ત્રણ દિવસમાં જ દૂધની માંગમાં ભારે ઉછાળો જોવા મળી શકે છે. હાલના આંકડા મુજબ સુરત શહેરમાં સુમુલ ડેરી, વિજય ડેરી તેમજ મહારાષ્ટ્રથી આયાત કરવામાં આવતા દૂધ મળીને પ્રતિદિન ૧૫ લાખ લિટરથી પણ વધુ દૂધનો સપ્લાય કરવામાં આવે છે. પરંતુ હવે જ્યારે પ્રતિબંધિત એનાલોગ ઉત્પાદનોની જગ્યાએ અસલી પનીર-ચીઝ બનાવવા માટે માત્ર શુદ્ધ દૂધનો જ ઉપયોગ શરૂ થતો, ત્યારે દૂધની દૈનિક વપરાશનો આ આંકડો આગામી દિવસોમાં વધીઓ હોઈ જઈ શકી છે.

એનાલોગ પનીરથી ડાયાબિટીસ-હૃદયરોગ જેવી બિમારીઓનું જોખમ

એનાલોગ પનીરના મુદ્દે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, એનાલોગ પનીર નેચરલ પનીર નથી અને તેનું નિયમિત સેવન આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે. તેના કારણે ગેસ, ઉલટી, ઉબકા જેવી તકલીફો થઈ શકે છે, જ્યારે લાંબા ગાળે તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી ગંભીર બિમારીઓનું જોખમ વધી શકે છે.

તેમના જણાવ્યા મુજબ એનાલોગ પનીરમાં નેચરલ પનીરમાં મળતા પૂરતા પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ અને અન્ય જરૂરી પોષક તત્વો હોતા નથી, તેમાં રહેલા ફેવું પ્રમાણ અને તેની ગુણવત્તા પણ અલગ હોય છે, જે આરોગ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. તેમણે આરોગ્ય વિભાગ દ્વારા એનાલોગ પનીર સામે હાથ ધાયેલી કાર્યવાહીનું સ્વાગત કરતાં જણાવ્યું કે આ પગલાથી લોકોના સ્વાસ્થ્યથી થતા નુકસાનને અટકાવવામાં મદદ મળશે, સાથે જ જો નકલી પનીરનું ઉત્પાદન અને વેચાણ બંધ થશે તો લોકોના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે.