Loading Please Wait !!!
બાબરકોટમાં રિઝર્વ ફોરેસ્ટની જમીન કંપનીને સોંપવા સામે રોષ

=> ધારાસભ્ય હીરા સોલંકી મેદાને, વનમંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખ્યો

=> માઇનિંગની મંજૂરી અપાશે તો સિંહોનું અસ્તિત્વ જોખમાશે તેવી ભીતિ

સિટી ન્યૂઝ@જાફરાબાદ : જાફરાબાદના બાબરકોટ ગામે આવેલી 70 હેક્ટર રિઝર્વ ફોરેસ્ટ જમીન ખાનગી કંપનીને માઇનિંગ માટે સોંપવાની ગતિવિધિઓથી સ્થાનિકોમાં વ્યાપક રોષ છે. આ મુદ્દે ધારાસભ્ય હીરા સોલંકીએ મેદાને આવી વનમંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખીને વન્ય પ્રાણીઓના હિતમાં આ જમીન ખાનગી કંપનીને ન આપવા ઉગ્ર રજૂઆત કરી છે.

ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું છે કે, જે 70 હેક્ટર જમીન કંપનીને આપવાની ચર્ચા છે ત્યાં એશિયાટિક સિંહોનો મોટો વસવાટ છે. માઇનિંગની મંજૂરીથી સિંહોનું અસ્તિત્વ ગંભીર જોખમમાં મુકાશે. બ્લાસ્ટિંગ અને ધૂળથી રહેઠાણ ગુમાવતા સિંહો માનવ વસાહતો તરફ સ્થળાંતર કરશે, જેથી ભવિષ્યમાં માનવ-સિંહ સંઘર્ષ અને જાનહાનિની શક્યતાઓ વધશે.

એક તરફ સરકાર સિંહ સંવર્ધન પાછળ કરોડો ખર્ચે છે અને બીજી તરફ સિંહોના ઘર સમાન જમીન કંપનીને આપવી તે વિરોધાભાસી પગલું છે. 2016 થી અત્યાર સુધી અનેક માઇનિંગ પ્રોજેક્ટ્સ નકારી કાઢ્યા બાદ હવે કોના ઈશારે આ હિલચાલ થઈ રહી છે? આ મામલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનું ભેદી મૌન ગંભીર સવાલો ઉભા કરી રહ્યું છે.

=> ગ્રામજનોમાં વ્યાપક નારાજગી અને આક્રોશ
માઇનિંગની હિલચાલથી બાબરકોટ અને આસપાસના ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. સ્થાનિકોના મતે માઇનિંગથી સિંહોની સાથે ગામનું પર્યાવરણ પણ જોખમાશે અને પ્રદૂષણ વધશે. જો સરકાર ખાનગી કંપનીને ફાયદો કરાવવા આ મંજૂરી આપશે, તો આગામી દિવસોમાં આ મામલે ઉગ્ર આંદોલન પણ છેડાઈ શકે છે.