જનરલ બોર્ડમાં કોંગ્રેસ ઉઠાવશે રાજકોટના 30થી વધુ પ્રશ્નો
- રાજકોટ મહાનગરપાલિકા જનરલ બોર્ડ
- પાણી, રસ્તા, સફાઈથી આજી નદી-અટલ સરોવર સુધીના મુદ્દે તંત્ર પાસે હિસાબ અને જવાબ માંગશે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની આગામી જનરલ બોર્ડ બેઠકને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવનારા પ્રશ્નોની વિસ્તૃત યાદી જાહેર કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે રાજકોટની જનતાને પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જનરલ બોર્ડમાં પૂછવામાં આવતા પ્રશ્નો તથા તેના નિરાકરણ અંગે
જાણવાનો સંપૂર્ણ અધિકાર છે. ડૉ. રાજદીપસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, જનરલ બોર્ડમાં રાજકોટના વાસ્તવિક પ્રશ્નો અંગે તંત્ર પાસેથી સ્પષ્ટ જવાબ અને જવાબદારી નક્કી થાય તે કોંગ્રેસની મુખ્ય માંગ રહેશે. જાહેર જીવનમાં પારદર્શિતા રહે અને જનતાને તેમના પ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોની માહિતી ગયે તે દિશામાં કોંગ્રેસ રજૂઆત કરશે.
આગામી બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા મહાનગરપાલિકાની કામગીરી, પાણી, રસ્તા, સફાઈ, સિટી બસ, આજી નદી, રાગવન, અટલ સરોવર અને વિવિધ કોન્ટ્રાક્ટ સહિતના અનેક મુદ્દે તંત્ર પાસે વિગતો અને જવાબ માંગવામાં આવશે. મકબુલ દાઉદાણી દ્વારા આજી નદીમાંથી ગાંધીવેલ દૂર કરવા અત્યાર સુધી થયેલી કામગીરી, વર્ષ ૨૦૧૨થી સિવરફન્ટ માટે થયેલો ખર્ચ, ખરીદાયેલા સાધનો અને તેમની હાલની સ્થિતિ અંગે સંપૂર્ણ માહિતી માંગવામાં આવશે. ઉપરાંત છેલ્લા ૬ મહિનામાં તમામ શાખાઓની કામગીરી તથા વોર્ડ ૧થી ૧૮માં રાત્રિના સમયે રોડ સફાઈ માટેના કોન્ટ્રાક્ટ, કંપની, સમયપત્રક અને ઉપયોગમાં લેવાતી મશીનોની વિગતો પણ પૂછાશે.
સુધાબા વાઘેલા દ્વારા છેલ્લા ૨ મહિનામાં નોંધાયેલા પાણીજન્ય રોગોના આંકડા તથા વરસાદથી ધોવાયેલા અને નુકસાન પામેલા રસ્તાઓની સંખ્યા, રિપેરિંગનો અંદાજિત ખર્ચ અને કામગીરી અંગે પ્રશ્નો કરવામાં આવશે. મનીષબેન રોજાસરા મહાનગરપાલિકામાં ઝેરોક્ષ કોન્ટ્રાક્ટની વિગતો, પ્રતિ કોપી ચૂકવાતી રકમ, એજન્સીની કરાર મુદત તથા વિવિધ વિભાગોમાં છેલ્લા ૩ વર્ષમાં થયેલા ઝેરોક્ષના ખર્ચનો હિસાબ માંગશે. સાથે હાલ કેટલી સિટી બસ કાર્યરત છે, કેટલા ડ્રાઈવર છે તથા બસોના વીમા, લાઈસન્સ અને PUC સહિતની વિગતો જાહેર કરવાની માંગ કરવામાં આવશે.
અર્જુનભાઈ ચૌહાણ દ્વારા ડોર-ટુ-ડોર કચરો ઉઠાવતા કર્મચારીઓને સમયસર પગાર છતાં સરકારના ધોરણ મુજબ લઘુત્તમ વેતન મળે છે કે નહીં તેની વિગતો માંગવામાં આવશે. RMCની જનકલ્યાણ યોજનાઓમાં કેટલા લાભાર્થી નક્કી કરાયા, કેટલી અરજીઓ આવી, કેટલાને લાભ મળ્યો અને કેટલી રકમ ફાળવાઈ તથા વપરાઈ તેની માહિતી પણ પૂછાશે. સ્વચ્છતા અભિયાન હેઠળ વૉર્ડવાર વિતરણ કરાયેલા ડસ્ટબીનની વિગતો પણ માંગવામાં આવશે.
દિપ્તીબેન સોલંકી દ્વારા તા. ૧ એપ્રિલ ૨૦૨૬થી વોર્ડ ૧થી ૧૮માં લેવાયેલા પાણીના નમૂનાઓ અને કરાયેલા ટેસ્ટના રિપોર્ટ અંગે માહિતી માંગવામાં આવશે. પાણીના નમૂના નિષ્ફળ ગયેલા વિસ્તારો, ગંદા પાણીના કારણો અને સરસરા દૂર કરવા કરાયેલા પગલાં અંગે પણ જવાબ માંગવામાં આવશે, વરસાદ બાદ શહેરમાં પડેલા મોટા ખાડાઓ ક્યારે રિપેર થશે અને અકસ્માતની સ્થિતિમાં જવાબદારી કોની રહેશે તે અંગે પણ પ્રશ્ન ઉઠશે.
અટલ સરોવર અંગે અત્યાર સુધી થયેલો ખર્ચ, કામ ક્યારે પૂર્ણ થશે તથા રાજ્ય સરકાર, મહાનગરપાલિકા અને અન્ય સ્રોતોમાંથી મળતી ગ્રાન્ટની સંપૂર્ણ વિગતો પણ માંગવામાં આવશે.
ઈબ્રાહીમભાઈ સોરા દ્વારા વોર્ડ ૧૬માં રિવરફન્ટ માટે થયેલા કિમોટરનના કાટમાળના કોન્ટ્રાક્ટ, ટેન્ડર પ્રક્રિયા અને ફોટોગ્રાફીના કોન્ટ્રાક્ટ અંગે માહિતી માંગવામાં આવશે. કાવેરી એપાર્ટમેન્ટથી શરૂ થતો ૮૦ ફૂટ TP રોડ રિંગ રોડ સાથે જોડાય છે છતાં બંધ કેમ રાખવામાં આવ્યો છે તે અંગે પણ સવાલ કરવામાં આવશે.
રસીલાબેન ગરૈયા દ્વારા આજી નદીની વર્ષમાં કેટલી વખત સફાઈ થાય છે અને તેના પાછળ કેટલો ખર્ચ થાય છે તેની વિગતો માંગવામાં આવશે. રામવનમાં મહિલાઓ અને બાળકો માટે સુવિધાઓ, લાઈટીંગ, કેન્ટીન અને નાસ્તાની વ્યવસ્થા તેમજ રામવન સુધી સિટી બસ પહોંચે છે કે નહીં તે અંગે પણ પ્રશ્નો પૂછાશે.