ઠાકોર સમાજની ગુજરાત બંધની ચીમકી
- ગેનીબેન ઠાકોરના અપમાન મુદ્દે ઠાકોર સમાજનો વિરોધ: જગદીશ વિશ્વકર્મા માફી માંગે-કાયદેસર કાર્યવાહીની માગ
સિટી ન્યૂઝ@વિરમગામ : વિરમગામ ખાતે ઠાકોર સમાજ અને કોળી પટેલ સમાજ દ્વારા ગેનીબેન ઠાકોરના અપમાન મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બંને સમાજના આગેવાનો અને સભ્યોએ એકત્ર થઈ સંયુક્ત રીતે આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે જગદીશ વિશ્વકર્મા જાહેરમાં માફી માંગે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. માંગણીઓ ન સ્વીકારાય તો ગુજરાત બંધની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.આવેદનપત્રમાં જણાવાયું હતું કે ગેનીબેન ઠાકોર અંગે કરવામાં આવેલ અપમાનજનક નિવેદનથી સમગ્ર સમાજની લાગણીઓને ઠેસ પહોંચી છે.
આ મામલે જવાબદાર ગણાતા જગદીશ વિશ્વકર્મા સામે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરવામાં આવી હતી.સમાજના આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ તાત્કાલિક સ્વીકારવામાં નહીં આવે, તો સમગ્ર ગુજરાતમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આ ઉપરાંત, ગુજરાત બંધનું એલાન પણ આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.આ પ્રસંગે ઠાકોર સમાજના આગેવાન ઠાકોર સકરાજીએ જણાવ્યું હતું કે, સમાજના સન્માન સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકાર્ય બનશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે સમાજ એકતાબદ્ધ છે અને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખશે.