ગુજરાતમાં બાળકોનાં સોદાનો કાળો ખેલ
=> ગરીબ પરીવારના સગીરોને સુરત લાવી મજુરી કરાવતા
=> પગારમાંથી વચેટીયો મહીને બે હજારનું કમિશન લેતા !
=> અનાથ બાળકોને ખરીદીને આજીવન ગુલામ બનાવવાનું કારસ્તાન
=> બાળ તસ્કરીનું આંતરરાજય નેટવર્ક
=> પોલીસે 90થી વધુ માસુમ બાળકોને નર્કાગાર જેવી જિંદગીમાંથી મુકત કરાવ્યા
સિટી ન્યૂઝ@અમદાવાદ
સુરતના પૂણા વિસ્તારમાં ફરી એકવાર માનવ તસ્કરી અને બાળ મજૂરીનું નેટવર્ક સામે આવ્યું છે. રાજસ્થાન બાળ આયોગ અને સુરત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં પૂણાની અલગ-અલગ સોસાયટીઓમાંથી 90થી વધુ માસૂમ બાળકોને નરકાગાર જેવી સ્થિતિમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના 2019માં ડિસેમ્બર મહિનામાં પૂણાના સીતાનગર અને સીતારામ સોસાયટીમાંથી ઝડપાયેલા 134 બાળકોના રેસ્ક્યુ ઓપરેશનની યાદ અપાવે છે. આ બંને ઓપરેશન સાબિત કરે છે કે વર્ષો વીતી જવા છતાં બાળ મજૂરીની આ કાળી કમાણીની સપ્લાય ચેન હજુ પણ એટલી જ સક્રિય છે. આ નેટવર્કમાં અનાથ અને અત્યંત ગરીબ બાળકોને નિશાન બનાવીને 'કોન્ટ્રાક્ટ બેઝ' પર લાવવામાં આવતા હતા, જ્યાં વચેટિયાઓ માસૂમોના શોષણ પર પોતાનું કમિશન રળી રહ્યા હતા.
રાજસ્થાનથી બાળકોની તસ્કરી કરીને સુરતના પૂના વિસ્તારમાં કાપડના કારખાનાઓમાં કામ કરાવવાના કેસમાં એક સનસનાટીભર્યો ખુલાસો થયો છે. માનવ તસ્કરો મુખ્યત્વે બે પ્રકારના બાળકોને નિશાન બનાવતા હતાં. જેમાં પ્રથમ અનાથ બાળકોને મોટી રકમ માટે વેચી દેવામાં આવતા હતા અને બીજું જેઓ ગરીબ પરિવારોમાંથી આવતા હતા, તેને સુરત મજૂરી માટે લાવવામાં આવતા હતા. આ ગરીબ બાળકોનું શોષણ કરવાની પદ્ધતિ એવી હતી કે જો બાળકનો માસિક પગાર 10,000 નક્કી કરવામાં આવતો હતો, તો વચેટિયા (એજન્ટ) દર મહિને કમિશન તરીકે 2,000 ચાઉં કરતા હતાં.
=> 90થી વધુ માસૂમ બાળકો નરકાગાર જેવી જિંદગીમાંથી મુક્ત
તાજેતરમાં સુરત પોલીસ અને રાજસ્થાનની ઉદયપુર પોલીસના 20 સભ્યોની ટીમે પૂર્વ આયોજિત પ્લાનિંગ સાથે સુરતના પુણા વિસ્તારમાં ધામા નાખ્યા હતા. સીતારામ સોસાયટી અને મુક્તિધામ સોસાયટી સહિત કુલ 6 જેટલા સંવેદનશીલ સ્થળો પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. છેલ્લા એક મહિનાથી પોલીસ આ આખા નેટવર્ક પર વોચ રાખી રહી હતી. ઓપરેશન દરમિયાન પોલીસે આશરે 100 જેટલા મકાનો ફેંદી માર્યા હતા, જેમાંથી ચોંકાવનારી રીતે 27 મકાનોમાં માસૂમ બાળકો પાસે અત્યંત જોખમી પરિસ્થિતિમાં મજૂરી કરાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. આ સંયુક્ત ઓપરેશનમાં રાજસ્થાન, ઝારખંડ, બિહાર અને યુપીના 90થી વધુ માસૂમ બાળકોને નરકાગાર જેવી જિંદગીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે.
=> બાળકોને પૂરતું ખાવાનું ના આપતાં, ઓરડીઓમાં ગોંધી રાખતા
સુરતનું પુણા ગાર્મેન્ટ્સ અને ટેક્સટાઇલ હબ તરીકે જાણીતું છે, પણ તેની પાછળ આ માસૂમોની બરબાદ થતી જિંદગી છુપાયેલી છે. મુક્ત કરાયેલા બાળકો પાસે સાડી ફોલ્ડિંગ, ખાટલી વર્ક અને કપડાંના વ્યવસાય સાથે સંકળાયેલી અન્ય જોખમી પ્રક્રિયાઓ કરાવવામાં આવતી હતી. આ બાળકોને પૂરતું ખાવાનું પણ અપાતું નથી અને નાની, અંધારી ઓરડીઓમાં ગોંધી રાખવામાં આવે છે. સવારથી મોડી રાત સુધી તેમની પાસે ઢોર વૈતરું કરાવવામાં આવે છે. ફેક્ટરી માલિકો ખૂબ જ સસ્તા દરમાં અને કોઈ પણ કાનૂની ઝંઝટ વિના મજૂરો મેળવવા માટે આ બાળ તસ્કરીના નેટવર્કનો ઉપયોગ કરે છે.