Loading Please Wait !!!
1,500થી વધુ ભક્તોની ઉપસ્થિતિમાં ૐદાદાનો ગુરુપૂર્ણિમા મહોત્સવ

ગુરુપૂજન, ભાવાંજલિ, શક્તિપાત અને દિવ્ય દર્શન સાથે ભક્તિમય માહોલ; પ્રેમ, કરુણા, સેવા અને સર્વજીવ કલ્યાણનો સંદેશ

સિટી ન્યૂઝ@રાજકોટ

પરમ પૂજ્ય ૐદાદાના દિવ્ય સાનિધ્યમાં ૐદાદા ફાઉન્ડેશન, ૐકારા ફાઉન્ડેશન તથા ૐકારા આર્મીના સંયુક્ત ઉપક્રમે ગુરુપૂર્ણિમા મહોત્સવ-૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિ, સમર્પણ અને આધ્યાત્મિક ચૈતન્યથી છલકાયેલા આ મહોત્સવમાં ૧,૫૦૦થી વધુ ૐભક્તોએ ઉપસ્થિત રહી ગુરુપૂજન અને આશીર્વાદનો લાભ લીધો હતો.

કાર્યક્રમનો પ્રારંભ મંગલવિધિથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુરુપૂજન, ભાવાંજલિ, દિવ્ય આશીર્વચન, શક્તિપાત, દિવ્ય દર્શન અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પરમ પૂજ્ય ૐદાદાએ ઉપસ્થિત ભક્તોને શક્તિપાતના આશીર્વાદ આપ્યા હતા.

પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં ૐદાદાએ જણાવ્યું હતું કે ગુરુનો સાચો હેતુ મનુષ્યને આત્મસાક્ષાત્કાર તરફ દોરી જવાનો છે. સાચી ગુરુભક્તિ અહંકારના સમર્પણ સાથે સેવા, પ્રેમ, કરુણા અને સર્વજીવ કલ્યાણના ભાવને જીવનમાં ઉતારવામાં રહેલી છે. તેમણે ભક્તોને આગામી એક વર્ષ સુધી ઓછામાં ઓછું એક સતકર્મ અને જીવકલ્યાણનો સંકલ્પ ધારણ કરવા પ્રેરણા આપી હતી. આ સાથે ટૂંક સમયમાં શરૂ થનારા વૈશ્વિક પ્રકલ્પ અંગે પણ જાહેરાત કરવામાં આવી હતી.

ૐદાદાએ જણાવ્યું હતું કે, “ૐ સર્વનો સાર છે. ૐ કોઈ એક ધર્મ, સંપ્રદાય કે સંસ્કૃતિ પૂરતું મર્યાદિત નથી. તે સમગ્ર સૃષ્ટિના મૂળ તત્ત્વનું પ્રતીક છે અને તેને પોતાના અસ્તિત્વ સાથે જોડીને અનુભવવાનો વિષય છે.”

આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ, શહેર ભાજપ મહામંત્રી યોગેન્દ્રસિંહ જાડેજા, શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન દર્શન ભીલ, કોર્પોરેટર અરુણા આડેસરા, રાજ જાડેજા, વિશ્વ હિંદુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ કૌશિક સરધારા, કોંગ્રેસ અગ્રણી જીગ્નેશ વાગડિયા, આમ આદમી પાર્ટીના અગ્રણી પરેશ શિંગાળા, એડવોકેટ અને JBOના સ્થાપક હર્ષિલ શાહ, બોલબાલા ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાય સહિત રાજકીય, સામાજિક, ધાર્મિક, ઔદ્યોગિક અને મીડિયા ક્ષેત્રના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત પદ્મુભા વાઘેલા, દીપકસિંહ વાઘેલા, દિગુભા ઝાલા, રાજુ બગડાઈ, અમિત ધામેલિયા, નવનાત વણિક સમાજના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રશાંત શાહ, જૈન સમાજના અગ્રણી રાકેશ ડેલીવાલા, સમાજસેવ મુરલી દવે તેમજ નવજીવન વિકલાંગ સેવાશ્રય-ભચાઉના સંસ્થાપક જીતેન્દ્ર જોષીએ પણ ઉપસ્થિત રહી આશીર્વાદ મેળવ્યા હતા. ડૉ. માધવ દવે અને ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહે ૐદાદાના સેવાયજ્ઞ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. તેમના સંબોધનને ઉપસ્થિત ભક્તોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. અજય દવેએ કર્યું હતું. આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટી મિતેશ દોશી અને અમિત લોકવાણી સાથે દર્શન ભીલ, નયન કોઠારી, વિરાજ લાઠીયા, હર્ષિલ શાહ, અમિત બોસામિયા, ભાવેશ સાબરીયા, હરેશ અધારા, હેમાંગ દસાડિયા, રવિ શુક્લા, રાજેશ વાઘેલા, કમલ ધોરેચા સહિત શિષ્યમંડળ અને સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે ૐદાદાના હસ્તે પ્રસાદી અર્પણ કરવામાં આવી હતી અને ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ૐદાદાએ સૌને પ્રેમ, કરુણા, સેવા અને સર્વજીવ કલ્યાણના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી હતી. આયોજક સંસ્થાઓએ સહયોગીઓ, દાતાઓ, મીડિયા પ્રતિનિધિઓ, સ્વયંસેવકો અને ભક્તજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.