મુખ્ય આરોપી સહિત 3ની ધરપકડ
બંગાળમાં ગેંગરેપ : જીવતી બાળકીને તળાવમાં ફેંકી હતી
સિટી ન્યૂઝ@કોલકાતા
બંગાળ પોલીસે સોમવારે દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના બારુઈપુરમાં ૧૨ વર્ષની બાળકીના બળાત્કાર અને હત્યાના કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ આનંદ સરદાર તરીકે થઈ છે. પોલીસે સર્ચ ઓપરેશન ચલાવીને તેને શહેરના બજાર વિસ્તારમાંથી પકડ્યો. આ સાથે જ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા ત્રણ થઈ ગઈ છે. કેસની તપાસ માટે ૬ લોકોની SIT બનાવવામાં આવી છે. માસૂમ ૪ જુલાઈએ ગુમ થઈ હતી.
પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે માસૂમ તેની મિત્ર માટે ગિફ્ટ લેવા નીકળી હતી. જ્યારે બાળકી ઘરે પરત ન ફરી, ત્યારે પરિવારે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. બાદમાં રવિવારે તેની લાશ સૂર્યપુર હાટ વિસ્તારના તળાવમાંથી મળી હતી. તેના માથા પર ઈજાના નિશાન હતા. પોસ્ટમોર્ટમમાં પણ આ વાતનો ખુલાસો થયો છે કે આરોપીઓએ બળાત્કાર કર્યા બાદ તેને જીવતી જ તળાવમાં ફેંકી દીધી હતી. તેના ફેફસાં અને પેટમાં પાણી મળ્યું. ડૂબી જવા અને વધુ પડતા રક્તસ્રાવને કારણે તેનું મૃત્યુ થયું.
આ પહેલા રવિવારે છોકરીનો મૃતદેહ મળ્યાના તરત જ બાદ, ભીડે એક વ્યક્તિને માર મારીને હત્યા કરી દીધી, જેના પર છોકરીના રેપ અને મર્ડરમાં સામેલ હોવાની શંકા હતી. તેની ઓળખ ઈન્દ્રજીત તાંતી તરીકે થઈ હતી. પોલીસે વિસ્તારના CCTV ફૂટેજની પણ તપાસ કરી, જેમાં છોકરીને ચાર લોકો લઈ જતા દેખાયા છે. પોલીસ આ ચારેયની ઓળખ પાકી કરવામાં લાગી ગઈ છે. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક પોસ્ટમોર્ટમમાં છોકરીના પ્રાઈવેટ પાર્ટ્સ પર ઈજાના નિશાન અને શરીરના અલગ-અલગ ભાગો પર ઉઝરડા અને કરડવાના નિશાન મળ્યા છે