Loading Please Wait !!!
બહાર ખાવાનું ઘટ્યું, ઘરે મંગાવવાનું વધ્યું: ‘હોમ ડિલિવરી’નો દબદબો !

સર્વે: દેશનું ફૂડ સર્વિસિસ બજાર 8.5 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું

  • 2021થી 2026 વચ્ચે શહેરોમાં ઓર્ડર્સ 30 કરોડથી વધીને 106 કરોડ થયા

  • ઓનલાઈન ડિલિવરીનો હિસ્સો 4% વધીને 11% થયો

    ફૂડ ડિલિવરી: નાના શહેરોમાં 3 ગણા વધ્યા ઓર્ડર્સ; ક્લાઉડ કિચનની 90% કમાણી ઓનલાઈનથી

સિટી ન્યૂઝ@ઉત્તરાખંડ

ભારતમાં બહાર ખાવા કરતાં વધુ હવે ઘરે મંગાવીને ખાવાનો ક્રેઝ વધી રહ્યો છે. રેડસીર સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ્સના તાજેતરના રિપોર્ટ અનુસાર, દેશનું ફૂડ સર્વિસિસ બજાર હાલમાં ૮.૫ લાખ કરોડ રૂપિયાનું છે, જે ૨૦૩૦ સુધીમાં વધીને લગભગ ૧૪.૩ લાખ કરોડ રૂપિયા થઈ જશે. આ સમગ્ર વૃદ્ધિની સૌથી રસપ્રદ વાત એ છે કે હવે નફો કમાવવા માટે આલીશાન રેસ્ટોરન્ટ ખોલવાની જરૂર રહી નથી. ઓનલાઈન ફૂડ ડિલિવરીની ગતિ ઓફલાઈન કરતાં લગભગ અઢી ગણી વધુ ઝડપી છે.

ક્લાઉડ કિચન મોડેલ (બેસવાની વ્યવસ્થા વિનાનું માત્ર ઓનલાઈન ડિલિવરી આધારિત કિચન) આ સમયે ફૂડ ઈન્ડસ્ટ્રી માટે સૌથી મોટો ગેમ ચેન્જર અને નફાનું મશીન સાબિત થઈ રહ્યું છે. કુલ માર્કેટમાં ઓનલાઈન ડિલિવરીનો હિસ્સો નાણાકીય વર્ષ ૨૦૨૧ના ૪% થી વધીને ૨૦૨૬માં ૧૧% થયો. ૨૦૩૧ સુધીમાં ૧૮% થવાનો અંદાજ છે. નવા ક્લાઉડ કિચન બ્રાન્ડ્સ ૯૦% આવક ઓનલાઈન ચેનલોથી કમાય છે, જ્યારે રેસ્ટોરન્ટ્સ ૫૦% પર જ છે. આ ટ્રેન્ડ નાના શહેરો સુધી પહોંચી ગયો છે. ૨૦૨૧-૨૬ વચ્ચે મેટ્રો શહેરોમાં ઓર્ડર્સ ૩૦ કરોડથી વધીને ૧૦૬ કરોડ થયા, તો વળી ટિયર-૨, નાના શહેરોમાં ૬ કરોડથી ૩ ગણા વધીને ૧૮ કરોડ પહોંચી ગયા છે.

મોટા ચા-કોફી બ્રાન્ડ્સનું ગ્રોસ માર્જિન તો ૬૨-૬૭% છે, પરંતુ મોટા સ્ટોર સાઈઝ અને ઊંચા ભાડાને કારણે તેમનો નફો (એબિટા) ૫-૯% પર સીમિત થઈ જાય છે. અહીં જ ક્લાઉડ કિચન મોડેલ બાજી મારી શકે છે, જો આ જ પ્રીમિયમ ચા-કોફી ક્લાઉડ કિચન મોડેલથી વેચવામાં આવે, તો રેન્ટ કોસ્ટ ઘટતા જ નફો બમણો થઈ શકે છે.

  • » સ્નેક્સ-ડેઝર્ટ: સ્નેક્સનું બજાર ૧.૯ લાખ કરોડ, ડેઝર્ટ/બેવરેજીસનું ૨.૩ લાખ કરોડનું થઈ ગયું છે. સ્નેક્સ, જ્યુસ ડિલિવરીની દ્રષ્ટિએ સાંજના લોકપ્રિય નાસ્તા બની રહ્યા છે.

  • » કોફીમાં પ્રીમિયમાઈઝેશન: આઉટ-ઓફ-હોમ કોફી માર્કેટ ૨૦૩૦ સુધીમાં ~૩૮ હજાર કરોડનું થશે. આમાં મિડ-સેગમેન્ટ (~૧૦૦-~૨૦૦)ની વૃદ્ધિ સૌથી ઝડપી ૩૫-૪૦% વાર્ષિક છે.

  • » પ્રીમિયમ ચા: ભલે ચામાં ૯૦% બજાર ~૨૦ થી ઓછી કિંમતવાળી ટપરીનું હોય, પરંતુ ૧૦૦ થી ઉપરની પ્રીમિયમ ચાનો સેગમેન્ટ ૨૦-૨૫% વાર્ષિક દરે વધી રહ્યો છે.

ઓછી કિંમતની રમત રેબેલ ફૂડ્સ અને બેકિંગો જેવા બ્રાન્ડ્સની 3 કડીઓ વાળી સિક્રેટ પ્લેબુક

  1. શેયર્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર: મોંઘા શોરૂમની જગ્યાએ નાની ગલીઓમાં શેયર્ડ કિચન ખોલવું, જેનાથી ફિક્સ્ડ કોસ્ટ ઘટે છે. જેમ કે રેબેલ ફૂડ્સ, બેકિંગો.

  2. ફોકસ્ડ મેન્યુ: મેન્યુમાં ૫૦ વસ્તુઓ રાખવાને બદલે માત્ર પસંદગીની વસ્તુઓ રાખવી. આનાથી કાચા માલનો બગાડ અટકે છે અને કિચનની સ્પીડ વધે છે. જેમ કે ધ બેલ્જિયન વેફલ.

  3. પ્રીમિયમ પોઝિશનિંગ: હેલ્થી અથવા પ્રીમિયમ કેટેગરીમાં પોતાને ઢાળવું, જેથી ગ્રાહક ઊંચી કિંમત ચૂકવવા તૈયાર થઈ જાય.