Loading Please Wait !!!
મોરબીમાં મની ટ્રાન્સફરના ચાર્જ મુદ્દે દુકાનદાર પર જીવલેણ હુમલો

છરીના આડેધડ ઘા ઝીંકી ગળા, માથા, પાંસળી અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચાડી; આરોપી સામે ગુનો નોંધાયો

સિટી ન્યૂઝ | મોરબી

મોરબીના લીલાપર-નવાગામ રોડ પર આવેલી મોબાઈલની દુકાને મની ટ્રાન્સફર માટે લેવાતા માત્ર ૧૦૦ના સર્વિસ ચાર્જ મુદ્દે ગ્રાહકે દુકાનદાર પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બનાવે વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

હુમલામાં દુકાનદારને ગળા, માથા, પાંસળી અને હાથના કાંડા સહિત શરીરના વિવિધ સંવેદનશીલ ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, મૂળ બિહારના અને હાલ મોરબીના ગાયત્રીનગરમાં રહેતા મુરારીકુમાર ભોગેન્દ્ર શર્મા લીલાપરથી નવાગામ રોડ પર આવેલા ગણેશ કોમ્પ્લેક્સમાં "ક્રિષ્ના મોબાઈલ એન્ડ ફેશન" નામની દુકાન ચલાવે છે. તેમની દુકાને લધધીરનગરનો વિશાલ બાબુભાઈ જોગડીયા રૂ. ૧૭ હજારનું મની ટ્રાન્સફર કરાવવા આવ્યો હતો. ટ્રાન્સફર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દુકાનદારે નિયમ મુજબ ૧૦૦નો સર્વિસ ચાર્જ માંગતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ મામલો હિંસક બની ગયો હતો.

આક્ષેપ મુજબ, ઉશ્કેરાયેલા વિશાલ જોગડીયાએ પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી કાઢી મુરારીકુમાર પર હુમલો કર્યો હતો. તેણે ગળા, પાંસળી, માથા, ખભા અને હાથના કાંડા જેવા મહત્વના ભાગો પર આડેધડ ઘા ઝીંકી દુકાનદારને લોહીલુહાણ કરી દીધો હતો. હુમલો કર્યા બાદ આરોપી દુકાનદારને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.