પેટ્રોલ-ડીઝલની હૈયાહોળી યથાવત: ઝાલમૂરી નહીં ડીઝલ આપો
=> હળવદમાં સોશિયલ મીડિયામાં ભાજપ આગેવાનોએ પોસ્ટ મૂકતા લોકોમાં રોષ
સિટી ન્યૂઝ@હળવદ
હળવદમાં એક સામાજિક સંસ્થા દ્રારા યોજાયેલા ઝાલમુરી વિતરણ કાર્યક્રમને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા અને વિરોધનો માહોલ સર્જાયો છે. કાર્યક્રમના પોસ્ટરમાં સાંસદ ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિત ભાજપના આગેવાનોના ફોટા સાથે પોસ્ટ મૂકાતા લોકોમાં ભારે નારાજગી ફાટી નીકળી હતી.પોસ્ટ વાયરલ થતા જ સોશિયલ મીડિયા યુઝરોએ આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો.
ડીઝલની અછત વચ્ચે ખેડૂતો કલાકો સુધી પેટ્રોલ પપં ઉપર લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે ત્યારે આવા કાર્યક્રમોને લઈને લોકોએ સવાલો ઉઠાવ્યા હતા. યુઝરોએ કોમેન્ટમાં લખ્યું કે, જાલમુરીની જરૂર નથી, અત્યારે ખેડૂતને ડીઝલની જર છે. જો સેવા કરવી હોય તો ડીઝલ વિતરણનો કાર્યક્રમ ગોઠવો. કેટલાક લોકોએ કટાક્ષ કરતા લખ્યું કે, દરેક પેટ્રોલ પપં ઉપર ઝાલમુરી ખવડાવવાનો કાર્યક્રમ રાખો, કારણ કે દરેક ખેડૂત હાલ ત્યાં જ લાઈનમાં જોવા મળે છે.
બીજી તરફ લોકોએ રોડની ખરાબ હાલત અને ડીઝલની સમસ્યા મુદ્દે પણ નેતાઓ સામે આક્રોશ વ્યકત કર્યેા હતો. હળવદની પ્રજા હેરાન થાય છે, પહેલા રોડનું કામ કરો પછી આવા કાર્યક્રમો કરો જેવી ટિપ્પણીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. કેટલાક જાગૃત નાગરિકોએ સીધો સવાલ ઉઠાવ્યો કે, પ્રજા તમને ચૂંટીને તેમની સમસ્યાઓનું સમાધાન કરવા મોકલે છે, ત્યારે લોકો મુશ્કેલીમાં હોય અને નેતાઓ કાર્યક્રમોમાં વ્યસ્ત રહે તે યોગ્ય નથી.
હાલ વાવણીનો સમય નજીક આવી રહ્યો છે અને ડીઝલ ન મળવાથી ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવા સમયમાં જાહેરખબરવાળા કાર્યક્રમોને લઈને લોકોમાં અસંતોષ વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે.
=> સૌરાષ્ટ્રમાં અનેક પેટ્રોલ પંપો બંધ!
=> સૂરેન્દ્રનગર જિલ્લામાં જથ્થો ખૂટી જતા મધ્યરાત્રિએ જ તાળા લાગી ગયા
સુરેન્દ્રનગરમાં તંત્રના પૂરતા જથ્થાના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા અત્યંત કપરી બની છે. જિલ્લાના 70 ટકાથી વધુ પેટ્રોલપંપો પર પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી જતાં મધ્યરાત્રિએ જ તાળા લાગી ગયા છે. પંપ પર ઇંધણ મેળવવા માટે લાઈનો લગાવતા વાહનચાલકો હવે ખાલી હાથે પરત ફરી રહ્યા છે.
આ અછતને કારણે ટ્રાન્સપોર્ટ, ખેતી અને સ્થાનિક ઉદ્યોગો ઠપ્પ થવાના આરે છે, જેનાથી ભવિષ્યમાં મોંઘવારી ભડકે બળવાની આશંકા સેવાઈ રહી છે. તંત્રના પોકળ દાવાઓ વચ્ચે સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે આ સ્થિતિ વહેલી તકે સુધરે તે અનિવાર્ય છે.