મેયરની ‘બે વાત’ : 3 જૂને મેયરે શું કહ્યું
ચોમાસું માથે હોવાથી વરસાદી પાણી માટે કંઈ કરી શકાય નહીં આવતા વર્ષે ઉકેલ લાવશું !
ચોમાસા પહેલાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા અંગે મેયર દ્વારા આપવામાં આવેલ નિવેદન હવે ચર્ચાનો વિષય બન્યો છે. બે દિવસ પહેલાં આપેલી બાઈટમાં મેયરે સ્વીકાર્યું હતું કે, હાલ ચોમાસું માથે હોવાથી તાત્કાલિક મોટા ફેરફાર શક્ય નથી. મેયર જણાવ્યું હતું કે, “હવે વરસાદ નજીક છે, આ વર્ષે બહુ કંઈ કરી શકાય તેમ નથી. પરંતુ આવનારા વર્ષે પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે આયોજન કરવામાં આવશે. આ નિવેદન સામે શહેરમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એક તરફ તંત્ર દ્વારા આગોતરા આયોજનના દાવા કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ મેયરના આ નિવેદનથી વર્તમાન ચોમાસામાં રાહત મળશે કે નહીં તે અંગે સવાલો ઉભા થયા છે. શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ, પોપટપરા, મહિલા કોલેજ અંડરબ્રિજ અને માધાપર ચોકડી જેવા વિસ્તારોમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. દર વર્ષે નજીવા વરસાદમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
6 જૂને મેયરે શું કહ્યું
શહેરમાં પાણી ભરાવાની સમસ્યા મોટા પ્રમાણમાં અટકાવી શકાશે
શું કર્યું : મેયરે સીટી એન્જિનિયરો સાથે બેઠક યોજી પાણી ભરાતી જગ્યાએ નિયમિત પેટ્રોલિંગ કરવાની જવાબદારી સોંપી કોર્પોરેટરો મેદાનમાં ઉતરી સ્થિતિ પર નજર રાખશે
ગુડ વર્ક મેયર : આવી રીતે જ બસ અધિકારીઓને દોડાવતા રહો એટલે રાજકોટની શકલ બદલાશે
નવ નિયુક્ત મેયર નેહલ શુક્લાની આગેવાની હેઠળ આગોતરા આયોજન હાથ ધરાયું છે. મેયરે સીટી એન્જિનિયરો અને સંબંધિત અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી શહેરના સંવેદનશીલ વિસ્તારોની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન જ્યાં વારંવાર પાણી ભરાય છે એવા વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હવે નિયમિત પેટ્રોલિંગ કરવાની જવાબદારી સીટી એન્જિનિયર અને અધિકારીઓને સોંપવામાં આવશે. માત્ર અધિકારીઓ જ નહીં, પરંતુ ચૂંટાયેલા પદાધિકારીઓ પણ મેદાનમાં ઉતરી પરિસ્થિતિ પર નજર રાખશે. મેયર નેહલ શુક્લાએ દાવો કર્યો છે કે અતિવૃષ્ટિ જેવી અસાધારણ પરિસ્થિતિ ન સર્જાય તો શહેરમાં પાણી ભરાવાની સમસ્યા મોટા પ્રમાણમાં અટકાવી શકાય છે.
વર્ષોથી યથાવત સમસ્યા
રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ, પોપટપરા વિસ્તાર, એસ્ટ્રોન ચોક નજીકના નાળા, મહિલા કોલેજ અંડરબ્રિજ અને માધાપર ચોકડી જેવા વિસ્તારોમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. ઘણીવાર નજીવા વરસાદમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
હવે મળશે રાહત ?
ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે મનપા તંત્ર માટે આ વિસ્તારોમાં અસરકારક કામગીરી કરવી મોટો પડકાર છે. હવે મેયરની આગેવાની હેઠળ હાથ ધરાયેલા આ આયોજનથી શહેરીજનોને ખરેખર રાહત મળે છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.