Loading Please Wait !!!
એક વ્યક્તિને બે આવાસ યોજનામાં ફ્લેટ !

જરૂરિયાતમંદ વેઈટિંગમાંઃ રાજકોટ મનપાની આવાસ યોજનામાં કૌભાંડ ?
2023માં મવડીની કૃષ્ણ ટાઉનશીપમાં અને 2025માં રૈયા રોડની જીજાબાઈ ટાઉનશીપમાં એક જ લાભાર્થીને ફ્લેટ ફાળવાતા ખળભળાટ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનામાં ચાલતી લાલિયાવાડી અને વ્યાપક ભ્રષ્ટાચારનો સનસનીખેજ પર્દાફાશ થયો છે. એક તરફ જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારો પોતાના હકના ઘર માટે વલખાં મારી રહ્યા છે, તો બીજી તરફ મનપાના બાબુઓની રહેમનજર હેઠળ એક જ પરિવારને બે-બે સરકારી આવાસ ફાળવી દેવામાં આવ્યા છે. આ ગંભીર ગેરરીતિએ મનપાની આવાસ ફાળવણીની કહેવાતી પારદર્શક પ્રક્રિયાના લીરેલીરા ઉડાડી દીધી છે. આ સમગ્ર કૌભાંડની સામે આવેલી વિગતો અને દસ્તાવેજો મુજબ, હાર્દિક અશોકભાઈ જોશી અને તેમના પરિવારના નામે બે અલગ-અલગ આવાસ યોજનામાં ફ્લેટ નોંધાયેલા છે. દસ્તાવેજો દર્શાવે છે કે, વર્ષ ૨૦૨૩માં તેઓને મવડી વિસ્તારની કૃષ્ણ ટાઉનશીપમાં એક ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, અગાઉ સરકારી આવાસોનો લાભ લઈ ચૂક્યા હોવા છતાં, નિયમોને નેવે મૂકીને વર્ષ ૨૦૨૫માં રૈયા રોડ પર આવેલી અત્યાધુનિક ‘લાઈટ હાઉસ જીજાબાઈ ટાઉનશીપ’માં પણ તેમને બીજો ફ્લેટ ફાળવી દેવાયો. એવી પણ ચર્ચા છે કે જીજાબાઈ ટાઉનશીપમાં આ ફાળવણી કોઈના ઈશારે ‘સ્પેશિયલ કેસ’ હેઠળ કરવામાં આવી છે.

આ ગંભીર બેદરકારીથી આવાસ વિભાગની કામગીરી સીધી શંકાના ઘેરામાં આવી છે. મોટો સવાલ એ ઊભે છે કે, વેઈટિંગ લિસ્ટમાં રહેલું નામ રાતોરાત ફાઇનલ લિસ્ટમાં કેવી રીતે પહોંચી ગયું? અરજદારે રજૂ કરેલા સોગંદનામાની ખરાઈ કરવામાં અધિકારીઓએ જાણીજોઈને આંખ આડા કાન કર્યા કે પછી આ એક સુનિયોજિત કૌભાંડ છે? આ સમગ્ર પ્રકરણમાં આવાસ વિભાગના મેનેજર સૂર્ય પ્રતાપની કામગીરી અને પાત્રતા ચકાસણીની પ્રક્રિયા સામે શંકાની સોય તાકવામાં આવી છે.

એક જ વ્યક્તિને બે આવાસ મળવાથી અન્ય વાસ્તવિક હકદાર લાભાર્થીઓને મોટો અન્યાય થયો છે. હવે આ મામલે મ્યુનિસિપલ કમિશનર અને મેયર દ્વારા તટસ્થ અને નિષ્पक्ष તપાસ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. અરજદારની અરજી, સોગંદનામું, વેઈટિંગ અને ફાઇનલ લિસ્ટ સહિતના તમામ દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે. જો ઊંડાણપૂર્વક તપાસ થાય તો, શહેરમાં અન્ય કેટલા લોકોને એક કરતાં વધુ આવાસોની ફાળવણી કરવામાં આવી છે તેવા મનપાના વધુ મોટા કૌભાંડ બહાર આવી શકે તેમ છે.

‘સ્પેશિયલ કેસ’ના નામે થયેલી ફાળવણીમાં ખોટા સોગંદનામા અને આવાસ વિભાગના મેનેજરની ભૂમિકા સામે ઉઠ્યા ગંભીર સવાલો