મહિલા રેસિડેન્ટ ડૉક્ટરને લાફા મારનાર સિનિયર ડૉ.રામાણી સામે FIR સાથે ધરપકડ
- રાજકોટ સિવિલ હોસ્પિટલ ફડાકાકાંડના ગાંધીનગર સુધી પડઘા
- જુનિયર તબીબને સુરક્ષાની ખાતરી મળતા પોતાની હડતાળ સમેટી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટની PDU સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડૉક્ટર પર હુમલો, ગાળાાગાની અને ધમકી આપવાના ૨૦ ઓગતના બનાવમાં પોલીસે આરોપી સિનિયર ડોક્ટર અશ્વિન વિઠ્ઠલભાઈ રામાણીની અટકાયત કરી છે. પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાતા અને તબીબોની સુરક્ષા ખાતરી મળતા જુનિયર તબીબોએ પોતાની હડતાળ સમેટી લીધી છે.બીજી તરફ, વિવાદ વચ્ચે જ આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ સિવિલ અધિક્ષક ડૉ. મોનાલી માંકડિયાને હટાવી તેના સ્થાને નેફોલોજી વિભાગના ડૉ. કમલ ડોડિયાની નવા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમણૂક કરી છે. સિનિયર અધિકારીઓ દ્વારા આરોપી ડૉક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ ગાંધીનગર વડી કચેરીએ રિપોર્ટ સોંપ્યો છે અને તેમને હાલ ફરજ પરથી દૂર રહેવાની લેખિત સૂચના આપી છે. પીડિત ડૉ. કિશા શિંગાળાએ કહ્યું કે, દર્દીના ઇલાજને લઈ થોડી મગજમારી અને ગેરસમજ થઈ હતી. દરમિયાન મેડિકલ ઓફિસર અશ્વિન રામાણી ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે અશોભનીય શબ્દોનો પ્રયોગ કરીને તેમણે મારા પર હાથ ઉપાડ્યો હતો. સાથે આવા અધિકારીઓ તેમની આસપાસ કે હોસ્પિટલમાં ન દેખાવા જોઈએ તેવી માગ કરી છે. સિવિલ હોસ્પિટલના RMO ડૉ. હર્ષ દૂસરાએ જણાવ્યું કે, ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટની અધ્યક્ષતામાં રેસિડેન્ટ અને તબીબી અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જે બનાવ બન્યો છે તેના વિશે ગહન ચર્ચા કરવામાં આવી છે અને તેનો રિપોર્ટ હાલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યો છે. ત્યાંથી આગળની કાર્યવાહી માટે ભલામણ પણ કરવામાં આવી છે. ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ આગળની જાણ કરવામાં આવશે.
મહિલા ડૉક્ટરના પિતાએ ઉઠાવ્યા સવાલ
મારી દીકરી સાથે સુરત જેવી ઘટના બની હોત તો જવાબદાર કોણ ?
સિવિલ ફડાકાકાંડનો ભોગ બનનાર ડૉ.કિશા શિંગાળાના પિતા નિલેશભાઈએ જણાવ્યું કે, હોસ્પિટલના ડોક્ટરો અને સત્તાવાળાઓએ ન્યાયની ખાતરી આપી હતી. ખુદ આરોગ્ય મંત્રીએ પણ દીકરી સાથે ટેલિફોનિક વાતચીત કરી આજરોજ સાંજે ૬ વાગ્યા પહેલાં ન્યાય આપવાની ખાતરી આપી હતી. બીજી તરફ કિશાના માતા ભારતીબેને જણાવ્યું કે, મારી દીકરી કિશા PDU હોસ્પિટલમાં R1 રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે. અશ્વિન રામાણીએ ગાળાાગાની કરી સાથે ઉપાધવાનો પ્રયાસ કર્યો, જે અયોગ્ય છે. ત્યારે ગઈકાલે મારી દીકરી સાથે થયેલા આ ગેરવર્તન સામે તંત્ર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી સ્પષ્ટ માગ છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું
તબીબોના સન્માન સાથે કોઈ સમાધાન નહીં
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે મારપીટ અને ગેરવર્તણૂકના મામને આરોગ્ય વિભાગે ગંભીર નોંધ લીધી છે. ઘટના અંગે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. મંત્રીએ સમગ્ર ઘટનાની માહિતી મેળવી તાત્કાલિક કાર્યવાહી અને પીડિતાને સુરક્ષાની ખાતરી આપી છે.આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું કે મહિલા કર્મચારીઓ અને તબીબોના સન્માન સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે. તેમણે પીડિત મહિલા તબીબને સાંજ સુધીમાં ત્વરિત ન્યાય અપાવવાની તથા સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવાની ખાતરી આપી.મંત્રીએ સ્પષ્ટ કર્યું કે હોસ્પિટલમાં મહિલા કર્મચારીઓ અને તબીબો સાથે ગેરવર્તણૂકના કોઈપણ કિસ્સાને ગંભીરતાથી લેવામાં આવશે.