Loading Please Wait !!!
રક્ષાબંધન-જન્માષ્ટમીમાં 66 એક્સ્ટ્રા બસો દોડશે

ભુજ જવા સવા ગણા ભાડા સાથે વધારાની બસો મૂકાશે

સિટી ન્યૂઝ@રાજકોટ

રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. જેમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધારાની ૬૬ બસો દોડાવવામાં આવશે. હાલ રાજકોટ એસટી વિભાગ દ્વારા ૪૮૫ જેટલી બસોનું સંચાલન કરવામાં આવે છે. રાજકોટ એસટીના વિભાગીય નિયંત્રક મનીષ રાજાએ જણાવ્યું હતું કે, રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રાજકોટ એસટી વિભાગ દ્વારા ૬૬ જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે. જેમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમદાવાદ, સુરત, ભાવનગર, ભુજ અને દાહોદ સહિતના સ્થળોએ બસો દોડાવવામાં આવશે અને જે રૂટ ઉપર ટ્રાફિક વધારે હશે ત્યાં વધારાની બસો પણ ફાળવવામાં આવનાર છે.રાજકોટમાં રક્ષાબંધનના તહેવાર દરમિયાન તા.૨૬ થી ૩૦ ઓગસ્ટ તો જન્માષ્ટમીમાં તા.૨ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં રાજકોટ ડેપોમાં ૧૬, ગોંડલમાં ૧૦ અને જસદણ ડેપોમાં ૫ એક્સ્ટ્રા બસો દોડશે.

આ ઉપરાંત મોરબી જિલ્લામાં મોરબી ડેપોમાં ૧૦ અને વાંકાનેરમાં ૫ બસો મૂકવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગરડેપોમાં ૧૦, ધ્રાંગધ્રામાં ૫ તો ચોટીલામાં ૩ એક્સ્ટ્રા બસ લોકોની સુવિધા માટે મૂકવામાં આવી છે.રાજકોટથી અમદાવાદ જવા માટે સૌથી વધુ એક્સ્ટ્રા બસો નું સંચાલન કરવામાં આવશે. આ ઉપરાંત ભાવનગર, સુરત, જામનગર, ભુજ, સુરત અને દાહોદ સહિતના ૩૮ પર વધારાની બસોની ફાળવણી કરવામાં આવી છે. તહેવારો દરમિયાન એસટી વિભાગમાં મુસાફરોની ભારે ભીડ રહેતી હોય છે ત્યારે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે જેથી મુસાફરો એસટી બસની સલામત સફરનો લાભ લઈ શકે અને ખાનગી બસોમાં ઊંચું ભાડું ના આપવું પડે.ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વર્ષ દરમિયાન તહેવારોની સિઝનમાં એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે રાજકોટ એસટી વિભાગ દ્વારા પણ વધારાની બસો દોડાવવામાં આવે છે. જોકે તેનું મુસાફરો પાસેથી સવા ગણું ભાડું વસૂલવામાં આવશે.