દાળ-કઠોળ વિના 38 લાખ બાળકોનું ભોજન ફિક્કું !
- મધ્યાહન ભોજન યોજનામાં વિલંબ : સરકારી તંત્રની ખામીઓ ખૂલ્લી
-
બે મહિનાથી જથ્થો નહીં રાજ્યના બાળકોના પોષણ પર સંકટ
-
કઠોળ, દાળનો જથ્થો અને ગ્રાન્ટ ન મળતા ભોજનમાં ઘટાડો
- સરકારી વિભાગો વચ્ચે જવાબદારીની ફેંકા-ફેંકી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજ્યની સરકારી શાળાઓમાં અપાતા મધ્યાહન ભોજન યોજનામાં છેલ્લા બે મહિનાથી કઠોળ-દાળનો જથ્થો મળવાનો બંધ થતા વિદ્યાર્થીઓની થાળી ફિક્કી પડી છે. સરકાર દ્વારા મધ્યાહન ભોજનના સંચાલકને જે ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે તે પણ ન ચૂકવાતા વિદ્યાર્થીઓને ભોજન પૂરું પાડવું મુશ્કેલ બન્યું છે. PM પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખે કહ્યું હતું કે, સરકાર તાત્કાલીક બાકીની ગ્રાન્ટ અને કઠોળ-દાળનો પુરવઠો શરૂ નહીં કરે તો યોજનાના સંચાલકોએ ભોજન અને નાસ્તાની સેવા બંધ કરવાની ફરજ પડશે.
છેલ્લા બે મહિનાથી સર્જાયેલી આ સ્થિતિ વચ્ચે જ્યારે પુરવઠા વિભાગ અને શિક્ષણ વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે બંને વિભાગો દ્વારા આ મામલે જવાબદારીની ફેંકાફેંકી કરી હતી.
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારા ગામમાં મધ્યાહન ભોજન કેન્દ્ર છે. તેનો હું સંચાલક છું. ગુજરાત રાજ્યમાં અંદાજે ૩૩,૦૦૦ જેટલા મધ્યાહન ભોજન કેન્દ્રો ચાલુ છે પરંતુ આ વખતે માલનો જથ્થો અને ગ્રાન્ટમાં જે ઈશ્યુ ઊભો થયો છે તેમાં સરકારે ધ્યાન આપવાની જરૂર છે. કઠોળ, તેલ અને વિદ્યાર્થી દીઠ મળતી ગ્રાન્ટ મળી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો પરિપત્ર છે કે પેશગી (મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલકોને વિદ્યાર્થી દીઠ આપવામાં આવતી ગ્રાન્ટ) એડવાન્સમાં આપવી પરંતુ કેન્દ્ર સંચાલકોને કોઈ દિવસ એડવાન્સમાં પેશગી આપવામાં આવતી નથી.
સરકાર દ્વારા નવું મેનુ આપવામાં આવ્યું છે પરંતુ તેની અમલવારી અમારે કરવી કઈ રીતે? વિદ્યાર્થી દીઠ રૂ.૫ માં આ મેનુ અમને પોષાય તેમ નથી. તેમણે જણાવ્યું કે સામાન્ય માણસ મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલક તરીકે કામ કરતો હોય છે. જે નાનો પગારદાર હોય છે પરંતુ સરકાર દ્વારા આપવામાં આવતો ખર્ચ કઈ રીતે પોસાય તેમ નથી. જેને લીધે સંચાલકોને તકલીફ છે જેથી સરકારે આમાં ધ્યાન આપવાની જરૂર છે. જેથી બાળકોને પૂરું પોષણ મળી રહે. અમારી રજૂઆત સરકાર સાંભળે તો સારું છે. છેલ્લા બે મહિનાથી એટલે કે એપ્રિલ અને મે માસની પેશગીની ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવી નથી. જોકે અમે અમારા ખર્ચે મધ્યાહન ભોજન કેન્દ્ર ચલાવીએ છીએ. મામલતદાર કચેરીમાં સ્થિત મધ્યાહન ભોજન શાખામાં પૂછવામાં આવે તો જવાબ મળે છે કે ઉપરથી ગ્રાન્ટ આવી નથી.
ગ્રાન્ટ અટકી, સંચાલકો પર બોજ
એપ્રિલ-મે મહિનાની ગ્રાન્ટ હજુ સુધી ચૂકવાઈ નથી. અનેક મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકો પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરીને બાળકોને ભોજન કરાવી રહ્યા છે. સંચાલકોની ચેતવણી છે કે બાકી રકમ અને કઠોળનો પુરવઠો તાત્કાલિક શરૂ નહીં થાય તો ભોજન સેવા બંધ કરવાની ફરજ પડી શકે છે. દાળનો જથ્થો મળ્યો નથી. પરિણામે લાખો વિદ્યાર્થીઓને પ્રોટીનયુક્ત આહાર મળતો નથી અને અનેક શાળાઓમાં માત્ર ભાત અથવા મર્યાદિત મેનૂ પીરસવાની ફરજ પડી રહી છે.
કઠોળની ખરીદીનું ટેન્ડર 3 મહિનાથી બહાર ન પડાતા સમસ્યા
સંઘે આક્ષેપ કર્યો છે કે અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી કઠોળ ખરીદી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી. જેના કારણે શાળાઓમાં કઠોળનો જથ્થો ખૂટી ગયો છે અને બાળકોના પોષણ પર સીધી અસર પડી રહી છે. રાજ્યની આશરે ૩૨ હજાર શાળાઓમાં આ યોજનાઓ અમલમાં છે, પરંતુ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં પૂરતું કઠોળ ઉપલબ્ધ હોવાનું અને અન્ય શાળાઓમાં અછત હોવાનું પણ સંઘે જણાવ્યું છે.