રામમંદિર ચોરી કાંડ ; ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું રાજીનામું : 8ની ધરપકડ
ચંપત રાયના ડ્રાઈવર ટીન્નુની ધરપકડ કરી
સિટી ન્યૂઝ@અયોધ્યા
અયોધ્યા રામ મંદિરમાં ચોરીના કેસના સંદર્ભમાં મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રાજીનામું આપી દીધું છે. તેમણે ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. ટ્રસ્ટી ડૉ.અનિલ મિશ્રાએ પણ રાજીનામું આપી દીધું છે. ટ્રસ્ટી નૃપેન્દ્ર મિશ્રાએ ભાસ્કરને જણાવ્યું હતું કે, મને ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે માહિતી મળી છે.
સૂત્રો મુજબ, મંદિર નિર્માણના પ્રભારી ગોપાલ રાવને પણ મંદિરની વ્યવસ્થામાંથી હટાવી દેવામાં આવ્યા છે. અગાઉ, ગુરુવારે મોડી રાત્રે ચંપત રાયના નજીકના રામાશંકર યાદવ (ઉર્ફે ટીન્નુ) સહીત ૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ આજે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે અને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરશે.
ખરેખરમાં, ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહનની ફરિયાદના આધારે ગુરુવારે મોડી સાંજે પહેલી FIR નોંધવામાં આવી હતી. જોકે, ચંપત રાય, ડૉ. અનિલ મિશ્રા અને અન્ય વરિષ્ઠ પદાધિકારીઓના નામ FIRમાં નથી. ચોરીનો મામલો સૌપ્રથમ ૭ જૂને પ્રકાશમાં આવ્યો હતો. યુપી સરકારે ૧૩ જૂને SITની રચના કરી હતી. SITએ ૨૩ જૂને અધિક મુખ્ય સચિવ (ગૃહ) સંજય પ્રસાદને તેનો પ્રારંભિક રિપોર્ટ સુપરત કર્યો હતો.
રામ મંદિરમાં ચઢાવામાંથી ચોરી અંગે ચાલી રહેલા હોબાળા વચ્ચે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે રામલલ્લાના દર્શન કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જેમણે આ મહાપાપ કર્યું છે તેમને કડક સજા મળવી જોઈએ, તેમણે વધુમાં કહ્યું હતું કે FIR ફક્ત એક દેખાડો છે. મોટા માથાઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.