લોકમેળો તૈયાર; બુધવારથી ‘જમાવટ’ !
‘વિરાસતથી વિકાસ’ લોકમેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ
14 સ્થળે ફ્રી પાર્કિંગ, ડ્રોન કેમેરા, 5 વોચ ટાવર ઉપરથી પોલીસ વોચ, NDRF અને SDRF જવાનો પણ સ્ટેન્ડબાય
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ભાતીગળ લોકમેળાનો આગામી ૨ સપ્ટેમ્બરથી રેસકોર્સ મેદાન ખાતે ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ૫ દિવસીય લોકમેળા માટે વહીવટી તંત્ર અને શહેર પોલીસ સજ્જ બન્યું છે. ૧૫ લાખથી વધુ મુલાકાતીઓની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે ૧૫૦૦થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો, ૧૦ માર્ગો પર નો-એન્ટ્રી, ૧૪ ફ્રી પાર્કિંગ પ્લોટ્સ તેમજ ૧૦ કરોડના વીમા કવચ સહિતનું અભેદ
આયોજન
કરવામાં આવ્યું છે. લોકમેળામાં યોજાતા ૫ દિવસીય લોકમેળામાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાંથી લાખો મુલાકાતીઓ આવવાની શક્યતા છે ત્યારે બહારગામથી આવતા લોકો કોઈપણ મુશ્કેલી વગર રેસકોર્સ મેદાન પહોંચી શકે તે માટે સરળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો મુલાકાતીઓ રાજકોટ રેલવે જંકશન ખાતે ટ્રેન મારફતે આવે, તો તેઓ ત્યાંથી રિક્ષા દ્વારા અથવા ચાલીને રૂડા બિલ્ડિંગવાળા માર્ગથી પ્રવેશી મેળા પરિસરમાં પ્રવેશી શકે છે. જ્યારે સેન્ટ્રલ બસપોર્ટ ખાતે ઉતરતા મુસાફરો
ઓટોરિક્ષા અથવા સીટીબસની મદદથી જિલ્લા પંચાયત ચોક સુધી પહોંચી શકે છે અને ત્યાંથી થોડા અંતરે ચાલીને લોકમેળાના મુખ્ય પ્રવેશદ્વાર સુધી સરતાથી પહોંચી શકશે. લોકમેળા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહારનું સુચારુ સંચાલન જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ૨ સપ્ટેમ્બરથી ૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી ૫ દિવસ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત રેસકોર્સ વિસ્તારને જોડાતા ૧૦ જેટલા રસ્તાઓ પર નો-એન્ટ્રી અને નો-પાર્કિંગ ઝોન લાગુ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે જિલ્લા પંચાયત ચોકથી જુના NCC ચોક, ટ્રાફિક શાખાથી હેડ ક્વાર્ટર, IB ઓફિસથી રૂલ SP બંગલા, સુરજ-૧ એપાર્ટમેન્ટથી મેળાના મુખ્ય ગેટ તેમજ ચાણક્ય બિલ્ડિંગ ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધીના તમામ રસ્તાઓ પર વાહનોની અવરજવર અને પાર્કિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજકોટ લોકમેળામાં મનોરંજક રાઈડ્સ અને ખાણીપીણીની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. મેળાના પાંચ દિવસ દરમિયાન દરરોજ સાંજે ૪:૦૦થી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી ૬ ખ્યાતનામ અને ૪૦ સ્થાનિક કલાકારો દ્વારા લોકડાયરા, ગાયન અને નૃત્યની રમઝટ બોલાવાશે.
ફ્રી પાર્કિંગ સ્થળ
-
કિશાનપરા ચોક સાયકલ શેરિંગવાળી જગ્યા
-
નહેરુ ઉદ્યાન, બહુમાળી ભવન સામે પ્રવેશ બહુમાળી ચોક
-
બાલાભવન મેઈન ગેઇટથી આર્ટ ગેલેરી સુધીના રોડ ઉપર
-
ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ
-
નવી કલેક્ટર કચેરી સામે આવેલ ગ્રાઉન્ડ
-
નગર રચના અધિકારીની કચેરીનું ગ્રાઉન્ડ શ્રોફ રોડ
-
ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકનું ગ્રાઉન્ડ
-
આવકર વાટીકા પાછળ રીલાયન્સનું ગ્રાઉન્ડ
-
એસ.સી.આઈ. બેડ સામે ધારાસાહદનું ગ્રાઉન્ડ
-
સરકીટ હાઉસ સામે મેમણ બોડીંગનું ગ્રાઉન્ડ
-
કિશાનપરા ચોક કેપિટલ હોટલ પાછળનું ગ્રાઉન્ડ
-
ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ
-
સર્કિટ હાઉસ સામે આકાશવાણીની દિવાલ
-
હોમગાર્ડ ઓફિસર કોલોની બહુમાળી ભવન સામે
પ્રતિબંધિત માર્ગ
-
રેસકોર્ષ રીંગરોડ જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ, જૂની એન.સી.સી. ચોક, આશ્રમપાતી અંકર બ્રીજ સુધી તમામ વાહનો માટે પ્રવેશ-બંધ અને બંને બાજુ "નો-પાર્કિંગ" જાહેર કરવામાં આવે છે.
-
ટ્રાફિક શાખાથી પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ જાહેર કરવામાં આવે છે.
-
આઈ.બી. ઓફિસથી રૂલ એસ.પી.ના બંગલા સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ જાહેર કરવામાં આવે છે.
-
સુરજ-૧ એપાર્ટમેન્ટથી લોકમેળાના મુખ્ય ગેઇટ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ જાહેર કરવામાં આવે છે.
-
ચાણક્ય બિલ્ડીંગ ચોકથી કુલભાણ ચોક, જિલ્લા પંચાયત ચોક સુધી તમામ પ્રકારના વાહનો માટે 'નો-પાર્કિંગ ઝોન' જાહેર કરવામાં આવે છે.
-
રેસકોર્ષ રીંગરોડ ફરતે લારી, ગલ્લા, પાથરણા, રેકડી રાજવાની મનાઈ જાહેર કરવામાં આવે છે.
-
વિજા ચોકથી જૂની એન.સી.સી. ચોક સુધી તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશ બંધ અને બંને બાજુ "નો-પાર્કિંગ" જાહેર કરવામાં આવે છે.
-
તમામ પ્રકારના ભારે વાહનો માટે લોકમેળા દરમ્યાન રેસકોર્ષ રીંગરોડ ઉપર "પ્રવેશ-બંધ" જાહેર કરવામાં આવે છે.
-
તમામ પ્રકારના પ્રાઈવેટ લક્ઝરી બસોને લોકમેળા દરમ્યાન રેસકોર્ષ રીંગરોડ ઉપર "પ્રવેશ-બંધ" જાહેર કરવામાં આવે છે.
-
તમામ દિશાઓ અને પેસેન્જર ભરી મેળામાં આવતા વાહનો માટે ચૌધરી હાઈસ્કૂલ ચોક, ભીલવાસ ચોક, મહિલા અંકર બ્રીજ, આશ્રમપાલી અંકર બ્રીજ, ધ-સીટી સેન્ટ્રલ, એરપોર્ટ સર્કલ, જામનગર રોડ, રૂડા બિલ્ડીંગ, જામસાવ ચોકથી "પ્રવેશ-બંધ" જાહેર કરવામાં આવે છે.