ગુજરાત ભાજપ નેતાઓના ‘ડિજિટલ સિંહાસન’ ડગમગ્યું; ફોલોઅર્સ ઘટતા ખળભળાટ
જન-ઝી અસર: ફેસબુક અને ટ્વિટર પર મંત્રીઓની લોકપ્રિયતા ઘટી
કોંગ્રેસ અને આપ નેતાઓએ કહ્યું રાજ્યમાં બેરોજગારી, સરકારી ભરતીના કૌભાંડો અને મોંઘવારીની અસલી રીલ્સ રોજ બની રહી છે પણ મંત્રીઓ પોતાના ચહેરા પર ‘બ્યૂટી ફિલ્ટર’ લગાવીને બધુ સલામત હોવાનો ભ્રમ પેદા કરી રહ્યા છે
સિટી ન્યૂઝ@અમદાવાદ
જનતાના પ્રશ્નો હલ કરવાને બદલે સોશિયલ મીડિયા પર ‘રીલ્સના રાજા’ બનવા નીકળેલા મંત્રીઓની ગુજરાતની જનતાએ અસલી અરીસો બતાવી દીધો છે. સચિવાલયની એસી કેબિનોમાં બેસીને મોંઘા કેમેરા અને પ્રોફેશનલ પીઆર એજન્સીઓ પાછળ લાખો રૂપિયા ખર્ચનારા મંત્રીઓની ડિજિટલ લોકપ્રિયતાનો ફિલ્લો ફડફૂસ થઈ ગયો છે. એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, કુંવરજી બાવળિયા, જીતુ વાઘાણી, રિવાબા જાડેજા, ઈશ્વરસિંહ પટેલ, સંજય
મહિયા, મોઢવાડિયા, કમલેશ પટેલ સહિત અન્ય મંત્રીના ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પરથી ફોલોઅર્સ રોકેટની ગતિએ ઘટી રહ્યા છે. જેને પગલે હવે સચિવાલયના ગલિયારા ઉપરાંત કમલમાં ફફડાટ ફેલાયો છે. એક તરફ દિલ્હીમાં ભાજપ હાઈકમાન્ડ મુંઝવણમાં છે કે દેશની નવી પેઢી એટલે કે 'જન-ઝી' મતદારો કેમ નારાજ છે? યુવા મતદારોને કેવી રીતે રીઝવવા તે મુદ્દે ભાજપ હેડક્વાર્ટર પર બેઠકોનો દોર ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં મંત્રીઓ અને ડિજિટલ દુનિયામાંથી જાકારો મળી રહ્યો છે તેવું ચિત્ર ઉપસ્યું છે. એપ્રિલ ર્કથી માંડીને
ઓગસ્ટ-૨૬ સુધીમાં જ ઇન્સ્ટાગ્રામ પર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના દોઢેક લાખ ફોલોઅર્સ ઘટ્યાં છે. મહેસૂલ મંત્રી સંજય મહિડાના ફોલોઅર્સ પણ ઘટ્યા છે. જ્યારે મંત્રી મનિષા વકીલના પંદરેક હજાર ફોલોઅર્સ ઘટ્યાં છે.ડિજિટલ દુકાન પર રિવાબા જાડેજાના સમર્થકોની સંખ્યા સૌથી વધુ ઘટી છે. પાંચેક લાખ ફોલોઅર્સ ઘટ્યાં છે. ટ્વિટર પર કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના ફાલોઅર્સ સંખ્યા ઘટી છે. ફેસબુક પર મંત્રી કુંવરજી બાવળિયાના ૨૧ હજાર જ્યારે મંત્રી ઈશ્વરસિંહ પટેલના ૨૦ હજારથી વધુ ફોલોઅર્સ ઘટ્યાં છે.
અમે તમને વોટ આપ્યા હતા કે સબસ્કાઈબ કર્યા હતા: જનતાનો સવાલ
ચૂંટણી ટાણે ગરીબોના પગે પડતા મંત્રીઓ સત્તા મળતા જ ફેગ્રેગેટરોના કાફલા સાથે કરતા થઈ ગયા છે. સચિવાલયમાં ફાઇલોના નિકાલની જગ્યાએ હવે ‘વ્યૂઝ’ અને ‘રીથ’ની ચર્ચા થઈ રહી છે. આ જોઈ જનતા હવે સવાલ પૂછી રહી છે, અમે તમને વોટ આપ્યા હતા કે તમારી રીલ્સ જોવા સબસ્કાઈબ કર્યા હતા? મંત્રી હજુ પણ ડિજિટલ મોહમાયામાંથી બહાર આવીને જમીનની હકીકત નહીં સ્વીકારે, તો જે જનતા આજે સોશિયલ મીડિયા પરથી ‘અનફોલો’ કરી રહી છે, તે જ જનતા આગામી ચૂંટણીમાં ઈવીએમ મશીન પરથી પણ કામ માટે ‘ડિલીટ’ કરતા અચકાશે નહીં.
વિપક્ષનો તીખો કટાક્ષ: આખી સરકાર જ ‘વર્ચ્યુઅલ’ છે
ઘટતા ફોલોઅર્સ મુદ્દે કોંગ્રેસ અને આપ નેતાઓએ કટાક્ષ કર્યો કે, રાજ્યમાં બેરોજગારી, સરકારી ભરતીના કૌભાંડો અને મોંઘવારીની અસલી રીલ્સ રોજ બની રહી છે, પણ મંત્રીઓ પોતાના ચહેરા પર ‘બ્યૂટી ફિલ્ટર’ લગાવીને બધું સલામત હોવાનો ભ્રમ પેદા કરી રહ્યા છે. મંત્રીઓ પીઆર એજન્સીઓ પાછળ જનતાના ટેક્સના રૂપિયા ઉડાવી રહ્યા છે. મંત્રીઓ રીલ્સ જ બનાવવાના બદલે પ્રજાના વણઉકેલાયેલા પ્રશ્નોનો ઉકેલ લાવે. હાલ તો આખી સરકાર જ ‘વર્ચ્યુઅલ’ છે તેવું લાગી રહ્યું છે.