Loading Please Wait !!!
મુંબઈની લોકલ ટ્રેનમાં સેલ્સમેનની હત્યા

AC કોચનો દરવાજો બંધ કરવા જેવી બાબત

આરોપીએ જાહેરમાં છરી કાઢી યુવાનને મારી નાંખી ચાલુ ટ્રેનમાંથી કૂદી ફરાર

સિટી ન્યૂઝ@મુંબઈ

મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં સુરક્ષા વ્યવસ્થાને પડકારતી એક અત્યંત ચોંકાવનારી ઘટના બની છે. મંગળવારે રાત્રે ચર્ચગેટ-નાલાસોપારા ફાસ્ટ લોકલ ટ્રેન (નંબર ૯૦૬૬૩) માં મુસાફરી કરી રહેલા ૨૨ વર્ષીય મયંક રમેશ લોહારની એક અજ્ઞાત મુસાફરે નિર્મમ હત્યા કરી દીધી હતી. વિરારનો રહેવાસી અને અંધેરીમાં સેલ્સમેન તરીકે કામ કરતો મયંક રાત્રે ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન અંધેરી અને બોરીવલી સ્ટેશન વચ્ચે ભારે વરસાદના કારણે ફર્સ્ટ ક્લાસ એસી કોચનો દરવાજો બંધ કરવા બાબતે બંને વચ્ચે સામાન્ય દલીલ થઈ હતી. આ વિવાદ વધતા આરોપીએ ચપ્પુ કાઢીને મયંકના પેટમાં ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે ટ્રેનનો ફ્લોર લોહીલુહાણ થઈ ગયો અને મયંકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

હત્યા કર્યા બાદ જ્યારે ટ્રેનમાં હાજર અન્ય મુસાફરોએ આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે મુસાફરો તરફ ચપ્પુ ઉગામીને ડરાવી દીધા હતા. રાત્રે ૧૧:૦૪ વાગ્યે ટ્રેન બોરીવલી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૬ પર પહોંચી અને ધીમી પડી કે તરત જ આરોપી નીચે કૂદી પડ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બ્લેક ટી-શર્ટ પહેરેલો આરોપી હત્યા કર્યા પછી પણ કોઈપણ ભય કે અફસોસ વિના, અત્યંત આરામથી વાળ સરખા કરતો સ્ટેશનની બહાર નીકળી ગયો હતો. બોરીવલી જીઆરપી પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર આરોપીની સઘન શોધખોળ શરૂ કરી છે.

પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, ૧૧:૦૪ વાગ્યે ટ્રેન પ્લેટફોર્મ પર આવતા જ માત્ર ત્રણ મિનિટમાં એટલે કે ૧૧:૦૭ વાગ્યે સુરક્ષા જવાનો કોચમાં પહોંચી ગયા હતા. ૧૧:૨૨ વાગ્યે સ્ટેશનના મેડિકલ રૂમમાં પ્રાથમિક સારવાર આપી ૧૧:૪૨ વાગ્યે એમ્બ્યુલન્સ મારફતે પોલીસ પ્રોટેક્શન સાથે તેને હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. જોકે, ટ્રેનની અંદર બનેલી આ ઘટનાએ લાખો મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. બીજી તરફ, મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭.૮ ઈંચથી વધુ મૂશળધાર વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સવારના સમયે લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ હતી અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.