રામ મંદિર દાન વિવાદ: ટ્રસ્ટે નાણાકીય માહિતી આપવાનો કર્યો ઇનકાર
- SIT તપાસનો હવાલો આપી ટ્રસ્ટે PMO ની માગણી ફગાવી દીધી
- ભાજપ નેતાની ફરિયાદ બાદ PMO ની માગણી પર ટ્રસ્ટનો સ્પષ્ટ ઈનકાર
- તપાસ પેનલ કામ કરી રહી હોવાનું જણાવી ચંપત રાયની સ્પષ્ટતા
સિટી ન્યુઝ @ અયોધ્યા
શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવેલ કરોડોના રોકડ દાન અને કિંમતી દાગીનામાં કથિત હેરાફેરીનો મામલો દેશના સૌથી મોટા નાણાકીય વિવાદો પૈકીનો એક બની રહ્યો છે. સ્થાનિક ભાજપ નેતા ડૉ. રજનીશ સિંહે આ ગેરરીતિઓ અંગે વડાપ્રધાન કાર્યાલય (PMO) ને પત્ર લખી તપાસની માગણી કરી હતી. જેના પગલે PMO એ આ ફરિયાદ જિલ્લા વહીવટીતંત્રને મોકલી હતી અને મંદિર ટ્રસ્ટ પાસે આવક-ખર્ચ, દાન, બેંક ખાતાઓ અને જમીનની લેણદેણ અંગે વિગતવાર અહેવાલ માગ્યો હતો.
અયોધ્યાના એડીએમ (કાયદો-વ્યવસ્થા) ઈન્દ્રકાંત દ્વિવેદીએ જ્યારે મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનો સંપર્ક કર્યો, ત્યારે ટ્રસ્ટે આ માહિતી આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. ચંપત રાયે એવી દલીલ કરી હતી કે હાલમાં આ મામલે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની તપાસ ચાલી રહી છે અને પેનલ તમામ જરૂરી રેકોર્ડ એકત્રિત કરી રહી છે, તેથી હાલના તબક્કે કોઈ પણ નાણાકીય વિગતો જાહેર કરી શકાય તેમ નથી.
ભાજપના નેતા રજનીશ સિંહ દ્વારા PMO ને કરવામાં આવેલી ફરિયાદમાં "સમર્પણ નિધિ" થી લઈને સોના-ચાંદીના દાગીના અને જમીનની ખરીદ-વેચાણ સુધીની પારદર્શિતાની માગ કરવામાં આવી છે. 13 જૂનના રોજ SIT ની રચના થયા બાદ હવે લોકોની નજર તપાસના પરિણામો પર ટકેલી છે. એક તરફ મંદિર નિર્માણની પવિત્રતાનો મુદ્દો છે, તો બીજી તરફ નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા જાળવવાની માગ ઉગ્ર બની છે, જેનાથી આગામી દિવસોમાં આ મામલો વધુ ગંભીર બનવાની સંભાવના છે.
પારદર્શિતાનો જટિલ પ્રશ્ન
ભગવાન રામના મંદિરના નિર્માણ સાથે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. જ્યારે દાનના હિસાબ અને સંપત્તિની વિગતો જાહેર કરવાની વાત આવે છે, ત્યારે ટ્રસ્ટની જવાબદારી અનેકગણી વધી જાય છે. તપાસ પ્રક્રિયા ચાલી રહી હોવા છતાં, પારદર્શિતાના અભાવે ટ્રસ્ટ પર લાગતા આક્ષેપો ટ્રસ્ટની છબી માટે ચિંતાજનક છે. સાચી તપાસ અને હિસાબની જાહેરતા જ આસ્થાને અકબંધ રાખી શકશે.