રોકડમાં બિલ વિના માલ વેચાતા વેપારીઓની GSTની નોટિસ ફટકારાશે
માહિતી એકત્ર : વેપારીઓની યાદી તૈયાર કરાઈ
સિટી ન્યૂઝ@અમદાવાદ
સ્ટેટ જીએસટી વિભાગે કરચોરી સામે શરૂ કરેલી ગુપ્ત ઝુંબેશ હવે નવા તબક્કામાં પ્રવેશી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી શહેરના વિવિધ બજારોમાં સામાન્ય ગ્રાહક બનીને ફરેલા અધિકારીઓએ રોકડમાં બિલ વગર માલ વેચતા વેપારીઓ અંગે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આવા વેપારીઓનો પ્રાથમિક ડેટા હવે ડિજિટલ વિશ્લેષણ અને ઓનલાઈન ચકાસણીની પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂક્યો છે. ટૂંક સમયમાં મોટા પાયે નોટિસો ફટકારાશે. જીએસટી અધિકારીઓએ વિવિધ વિસ્તારોમાં ગ્રાહક તરીકે જઈ રોકડમાં ખરીદી કરી હતી અને વેપારીઓ બિલ આપે છે કે નહીં તેની ગુપ્ત નોંધ રાખી હતી. વિભાગીય સૂત્રો અનુસાર, ઘણા કેસોમાં વેપારીઓના જાહેર કરાયેલા વ્યવહારો અને વાસ્તવિક વેપાર વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે.
ખરીદ-વેચાણના આંકડા, સ્ટોકની તપાસ
-
અધિકારીઓએ ગ્રાહક બની બજારમાંથી માલ ખરીદ્યો અને બિલ ન આપનારા વેપારીઓની યાદી બનાવી
-
ગુપ્ત ખરીદી બાદ વેપારીઓના જીએસટી રિટર્ન, ખરીદી-વેચાણના આંકડા, ઈ-વે બિલ, સ્ટોકની ઓનલાઈન વિગતો સાથે તેની તપાસ કરાઈ
-
બિલ વગર વેચાણ અને હિસાબોમાં ગેરમેળ ધરાવતા વેપારીઓને પ્રથમ તબક્કામાં કારણ દર્શક નોટિસો અપાશે.