ગુજરાતમાં જજ સામે વિરોધ
- જજ પાસેથી ચાર્જ પાછો ન ખેંચાતા કોર્ટમાં સોમવારે વકીલોની હડતાળ
- રાજકોટ બાર એસો. અને જ્યુડિશિયરી વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ
રાજકોટ બાર એસોસિએશન અને જ્યુડિશિયરી વચ્ચેનો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો કોઈ યોગ્ય ઉકેલ ન આવતા આખરે રાજકોટ બાર એસોસિએશને તા.૨૯ને સોમવારે રાજકોટની તમામ અદાલતોમાં વ્યાપક હડતાળ અને કામકાજથી અલિપ્ત રહેવાનું સત્તાવાર એલાન કર્યું છે.
જેમાં મુખ્ય સેશન્સ કોર્ટ, ફેમિલી કોર્ટ અને બાળ અદાલતની કામગીરીથી વકીલો અળગા રહેશે.
રાજકોટ બાર એસોસિએશનની કારોબારી સમિતિની મળેલી તાકીદની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર, અગાઉ તારીખ ૧૮ના રોજ જનરલ બોર્ડની મિટિંગમાં મેજિસ્ટ્રેટ ડી. ડી. શાહ તથા એચ.વાય. ગુપ્તાની કોર્ટનો બહિષ્કાર કરવાનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.
વકીલોની માંગ હતી કે આ બંને કોર્ટ સમક્ષ ચાલતા પ્રોડક્શન તેમજ અન્ય તમામ ચાર્જ અન્ય કોઈ કોર્ટને સોંપી દેવામાં આવે.
આ અંગે રાજકોટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને આ ઠરાવની જાણ ગુજરાત હાઈકોર્ટના માનનીય ચીફ જસ્ટિસ તથા અદાલતના વહીવટી જજને પણ કરવામાં આવી હતી. જોકે, આજ દિવસ સુધી વકીલોના આ મહત્ત્વના પ્રશ્નોનું કોઈ વાજબી નિરાકરણ આવ્યું નથી અને જે-તે કોર્ટનો ચાર્જ પણ અન્ય ન્યાયાધીશને સોંપવામાં આવ્યો નથી, બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા અને સેક્રેટરી નિલેશ પટેલ દ્વારા સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે, વકીલોની આ હડતાલના કારણે નિર્દોષ પક્ષકારોને કોઈ કાનૂની નુકસાન ન થાય તે માટે તમામ ન્યાયાધીશને અપીલ કરવામાં આવી છે કે, સોમવારે વકીલોની ગેરહાજરીના કારણે કોઈપણ કેસમાં વકીલ કે પક્ષકાર વિરુદ્ધના આકરા હુકમો (જેવા કે વોરંટ, સ્ટે નકારવા કે કેસ ડિસમિસ કરવા) ન ફરમાવવામાં આવે અને કેસોમાં યથાવત્ પરિસ્થિતિ જાળવી રાખવામાં આવે.
વકીલોના પડતર પ્રશ્નો અને આ ચાર્જ સોંપવા અંગેની માગણીઓનો સંતોષકારક ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી તારીખ ૧૧ જુલાઈના રોજ યોજાનારી રાષ્ટ્રીય લોકઅદાલતનો પણ બાર એસોસિએશન બહિષ્કાર કરશે. જો આમ થશે તો હજારો કેસોના સમાધાનની પ્રક્રિયા અટકી જશે.
- જજ જમીન અરજીઓ સમયસર ન ચલાવતા હોવાનો વકીલોનો આરોપ
- અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસો. સેશન્સ જજ એમ.કે. ઉપાધ્યાયનો વિરોધ કર્યો
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એમ. કે. ઉપાધ્યાયનો વિરોધ કર્યો છે. તેઓ વકીલો અને પક્ષકારો સાથે કથિત તોછડું વર્તન કરતા હોવાના, જુનિયર વકીલોને કોર્ટરૂમમાંથી બહાર કાઢી મૂકવાના અને જામીન અરજીઓના ચુકાદામાં વિલંબ કરવાના ગંભીર આક્ષેપો સાથે મુખ્ય ડિસ્ટ્રિક્ટ જજ કે. જી. સોજિત્રાને લેખિત ફરિયાદ કરાઈ છે.
બાર એસો.એ ચીમકી આપી છે કે, 'જો જજ પોતાનું મનસ્વી વલણ નહીં બદલે તો વકીલો નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. આ મામલે હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને યુનિટ જજ સંગીતા વિસેનને પણ ફરિયાદ કરાઈ છે.
ગાંધીનગર અને રાજકોટ બાદ હવે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસો. દ્વારા પણ જજનો વિરોધ કરાઈ રહ્યો છે. બારના વિવિધ વકીલો દ્વારા કરાયેલી ફરિયાદ અનુસાર, જજ બોર્ડની શરૂઆતથી જ સેશન્સ કેસો ચલાવે છે અને જામીન કે પરચૂરણ અરજીઓ બાજુ પર રાખી મૂકે છે, જેના કારણે વકીલોને આખો દિવસ એક જ કોર્ટમાં બેસી રહેવું પડે છે અને બીજી કોર્ટમાં કામ ખોરવાય છે.
સિનિયર અને જુનિયર વકીલો સાથે કોર્ટરૂમમાં તોછડી બોલીમાં વર્તન કરીને વારંવાર પક્ષકારોની હાજરીમાં અપમાનિત કરાતા હોવાની વકીલોની વ્યાપક ફરિયાદ છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જુનિયર વકીલોને પ્રોત્સાહન આપવાની વાત કરે છે, જ્યારે આ કોર્ટમાં ફક્ત એક જ વકીલ હાજર રહે તેમ કહીને કેસ શીખવા બેઠેલા જુનિયરોને બહાર કાઢી મૂકે છે.
બાર એસોસિએશનના પત્ર મુજબ, જજના શંકાશીલ અને ગુસ્સાવાળા સ્વભાવના કારણે સ્ટાફ અને વકીલો સતત ભયના ઓથાર હેઠળ છે. જો કોઈ વકીલ પોતાનું નામ જાહેર કરે તો તેમના કેસમાં નુકસાન થઈ શકે તેવી ભીતિ હોવાથી અમદાવાદના અનેક વકીલોએ રૂબરૂ મળી ગુપ્ત રીતે બાર એસો.ને આ મૌખિક ફરિયાદો કરી હતી. આથી એસો.એ લેખિતમાં ફરિયાદ આપીને રજૂઆત કરી છે.