કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: 16 જોખમી દવાઓના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ
- આરોગ્ય મંત્રાલય દ્વારા તાત્કાલિક અસરથી રોક, દર્દીઓની સુરક્ષા માટે લેવાયો નિર્ણય
- પેઈનકીલર્સ, ડાયાબિટીસ અને એન્ટિબાયોટિક્સ સહિતની દવાઓ પ્રતિબંધિત યાદીમાં
- ડ્રગ્સ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડના અહેવાલ બાદ લેવાયો કડક પગલું
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દેશભરમાં 16 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન્સ (FDC) એટલે કે બે કે તેથી વધુ દવાના ઘટકો મિક્સ કરીને બનાવવામાં આવતી દવાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ લેવામાં આવેલા આ મહત્વના નિર્ણય અંતર્ગત, આ પ્રતિબંધિત દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર કાયમી રોક લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ યાદીમાં મુખ્યત્વે દુખાવાની દવાઓ, તાવ, સોજા, ત્વચાની સંભાળ, ડાયાબિટીસ અને એન્ટિબાયોટિક્સનો સમાવેશ થાય છે.
'ડ્રગ્સ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ' (DTAB) દ્વારા ગઠિત નિષ્ણાતોની સમિતિએ પોતાની તપાસમાં શોધી કાઢ્યું છે કે આ દવાઓમાં રહેલાં કેટલાંક કોમ્બિનેશન્સ દર્દીઓ માટે તબીબી રીતે બિનઅસરકારક અને સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. ખાસ કરીને એસેકલોફેનિક, પેરાસિટામોલ અને સરેટિયાપેપ્ટાડેઝ જેવા ઘટકોના બિનજરૂરી મિશ્રણો પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ ઉપરાંત, ડાયાબિટીસની દવા ગ્લિકાઝાઈડ સાથે ક્રોમિયમ પિકોલીનેટનું મિશ્રણ પણ આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજબ બિનજરૂરી હોવાનું સાબિત થયું છે, કારણ કે તેનાથી કોઈ વધારાનો તબીબી ફાયદો થતો નથી.
આ નિર્ણયનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે દર્દીઓને માત્ર વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી, અસરકારક અને સંપૂર્ણ સુરક્ષિત દવાઓ જ મળે. વર્ષોથી પૂરતા વૈજ્ઞાનિક પુરાવા વગર બજારમાં વેચાતી આવી કોમ્બિનેશન દવાઓને કારણે દર્દીઓને આડઅસરોનો સામનો કરવો પડતો હતો અને સારવારનો ખર્ચ પણ વધતો હતો. આરોગ્ય મંત્રાલયનો આ નિર્ણય તબીબી જગતમાં પારદર્શિતા લાવવા અને પ્રિસ્ક્રિપ્શનમાં યોગ્ય દવાઓના ઉપયોગ પર ભાર મૂકવા માટે એક પ્રશંસનીય કદમ માનવામાં આવે છે.
સ્વાસ્થ્ય અને સુરક્ષા
તબીબી વિજ્ઞાનનો મુખ્ય સિદ્ધાંત છે કે દરેક દવા સુરક્ષિત હોવી જોઈએ અને તેનો ઉપયોગ ચોક્કસ હેતુ માટે થવો જોઈએ. ઘણી વખત બિનજરૂરી કોમ્બિનેશન લેવાથી દર્દીઓને ફાયદાને બદલે નુકસાન થાય છે. આ પ્રતિબંધ દર્શાવે છે કે સરકાર સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય બાબતે સભાન છે. નાગરિકોને અપીલ છે કે તેઓ હવે પછી દવાઓ લેતી વખતે ડૉક્ટરની સલાહ મુજબ માત્ર માન્ય અને સુરક્ષિત દવાઓનો જ ઉપયોગ કરે.