સગીર યુવતિને જાહેરમાં કિસ કરનાર આરોપીઓને 6 વર્ષની કેદ
અમદાવાદ સીટી સેશન્સ કોર્ટનો ચુકાદો
સિટી ન્યૂઝ@અમદાવાદ
અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતે ૨૬ વર્ષીય આરોપી આકાશ પરમાર અને ૨૦ વર્ષીય આરોપી મોહિત નાડિયાને ૬ વર્ષ કેદની સજા ફટકારી છે. સગીરાને ૨૫ હજાર વળતર ચૂકવવા ઓથોરિટીને હુકમ કરાયો છે. બંને આરોપીઓ સામે અમદાવાદના ઓઢવ પોલીસ મથકે વર્ષ ૨૦૨૪ માં BNS અને પોક્સો એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ અમદાવાદમાં સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ એ.બી ભટ્ટે સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોર અને કે.જી.જૈનની દલીલો તેમજ ૦૭ સાહેદ અને ૧૦ પુરાવા તપાસીને આરોપીઓને ઉપરોક્ત સજા ફટકારી છે.ભોગ બનનાર સગીરાની ઉંમર ૧૫ વર્ષની હતી. સાંજના સમયે તે જ્યારે દૂધ લઈને ઘરે પરત જઈ રહી હતી, ત્યારે આરોપીઓએ તેને રસ્તામાં રોકી હતી. તે પૈકી આરોપી આકાશે તેની પાસેથી બીભત્સ માંગણી કરીને ગાળો આપી હતી. તેના વાળ પકડીને જબરદસ્તી હોઠ ઉપર કિસ કરી હતી. સગીરાએ તેને ધક્કો માર્યો હતો. આ દરમિયાન સગીરાને હોઠ ઉપર ઈજા પણ થઈ હતી.