Loading Please Wait !!!
8 વર્ષની બાળકીને દીપડાએ જીવતી જ ફાડી ખાધી

=> કોડીનાર તાલુકાના અરણોજ ગામનો બનાવ

સિટી ન્યૂઝ@કોડીનાર
કોડીનાર તાલુકાના અરણોજ ગામે દીપડાના હુમલામાં આઠ વર્ષની બાળકીનું કરુણ મોત થયું છે. બાળકી પોતાના વાડી વિસ્તારના મકાનથી મોટા બાપાના ઘરે જઈ રહી હતી ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો. ત્રણ કલાકની શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ બાજરીના ખેતરમાંથી મળી આવ્યો હતો.

આ ઘટના રાત્રે આશરે ૮:૩૦ વાગ્યાની આસપાસ બની હતી. અરણોજ ગામના ભીડીના પા વિસ્તારમાં રહેતા ખેડૂત મહેશભાઈ રામભાઈ ગોહિલની આઠ વર્ષની દીકરી કોમલ અને તેની ૧૨ વર્ષની મોટી બહેન વિશ્વા, બંને પોતાના વાડી વિસ્તારના મકાનથી આશરે ૨૦૦ મીટર દૂર આવેલા મોટા બાપાના મકાને એક પ્રસંગમાં જઈ રહી હતી. મોટી બહેન વિશ્વા આગળ હતી અને કોમલ પાછળ ચાલી રહી હતી. તે સમયે અચાનક દીપડાએ કોમલ પર હુમલો કર્યો અને તેને પોતાના જડબામાં ફસાવી મકાન પાસેના બાજરીના ખેતરમાં નાસી ગયો. વિશ્વાએ દેકારો મચાવતા ઘરના લોકો અને ગામના યુવાનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વન વિભાગને જાણ કરાતા જામવાળા વન વિભાગની ટીમો પણ પહોંચી હતી. આશરે ત્રણ કલાકની જહેમત બાદ બાળકીનો મૃતદેહ ઘર નજીકના બાજરીના ખેતરમાંથી મળી આવ્યો હતો. વન વિભાગ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આદમખોર બનેલા દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરા ગોઠવ્યા છે અને દીપડાનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે.

=> કેશોદમાં વાછરડાનું મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો

કેશોદ તાલુકાના માણેકવાડા ગામના સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો ભારે આતંક જોવા મળી રહ્યો હતો. વાડી અને ખેતર વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાં દીપડાના ભયને કારણે ફફડાટ વ્યાપેલો હતો. આ દરમિયાન ગામની સીમમાં શક્તિદાનભાઈ ગઢવીની વાડીમાં દીપડો ત્રાટક્યો હોવાની વિગતો સામે આવી હતી. દીપડાએ આ વિસ્તારમાં એક વાછરડાનું મારણ કરતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા હતા.
જો કે આ જે દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળી હતી. વાછરડાના મારણની ઘટના બાદ તાત્કાલિક ધોરણે વનવિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને વનતંત્રની ટીમ તુરંત એક્શન મોડમાં આવી ગઈ હતી અને દીપડાને પકડવા માટે વ્યૂહરચના તૈયાર કરી હતી. જે સ્થળે મારણ થયું હતું તેની આસપાસના વિસ્તારમાં વનવિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે મજબૂત પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ સાથે જ દીપડાની હિલચાલ પર નજર રાખવા માટે વનકર્મીઓ દ્વારા પણ પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. વન વિભાગ દ્વારા જે પાંજરું મુકવામાં આવ્યું હતું તેમાં દીપડો પુરાતા જ તેના અવાજથી આસપાસના લોકો જાગી ગયા હતા અને વનવિભાગને આ અંગે જાણ કરી હતી.

=> યુવકે રીલ બનાવવા દીપડાને દોડાવ્યો

=> વડોદરા પ્રાણી સંગ્રહાલયમાં સુરક્ષાના ધજાગરા ઉડ્યા

વડોદરાના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં દીપડાની પજવણીનો ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વિડિયોએ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા પ્રાણીઓની અને અહીં આવતા પ્રવાસીઓની સુરક્ષાને લઈ ગંભીર સવાલ ઉભો કર્યો છે. સોશિયલ મીડિયામાં વાઈરલ વિડિયોમાં બે થી ત્રણ યુવકો દીપડાને જ્યાં રાખવામાં આવ્યા છે તે ગુફા સુધી પહોંચીને રીલ બનાવતા જોવા મળી રહ્યા છે. યુવકો પાંજરાની બહાર દોડીને દીપડાને દોડાવતા પણ દેખાઈ રહ્યા છે.
સાથે રીલ બનાવીને યુવક કહી રહ્યો છે કે, આખી દુનિયામાં કોઈ ન કરી શકે એવું કામ મેં કર્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ વિડિયો વાઈરલ કરવા લોકોને અપીલ પણ કરી રહ્યો છે. વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં હજારો સહેલાણીઓ આવે છે. હાલમાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે અહીં કેટલાય સહેલાણીઓ પ્રાણીઓ જોવા આવે છે. ખાસ કરીને બાળકોને અહીં ખુબ મઝા આવે છે. પરંતુ પ્રાણી સંગ્રહાલયમાં સુરક્ષામાં ચૂક થઈ હોવાનો એક વિડિયો સામે આવ્યો છે. જેમાં ત્રણ જેટલા યુવાનો છેક દીપડાના પાંજરા સુધી પહોંચી ગયા હતા. એટલું જ નહિ આ યુવાનોએ દીપડાને હેરાનગતિ કરી હોવાનું પણ માલુમ પડી રહ્યું છે.