કેબિનેટની બેઠકમાં સહાય યોજના મંજૂરી આપી
સરકારે એરલાઇન્સને આપી 10,000 કરોડ રૂપિયાની રાહત
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે સર્જાયેલી કટોકટીને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે મોદી સરકારે ઘરેલું એરલાઇન્સ કંપનીઓને મોટી રાહત આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં બુધવારે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની મોટી સહાયયોજનાને મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકારી તેલ કંપનીઓ માટે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવ પર કેપિંગ નક્કી કરવામાં આવ્યું છે.
આ આર્થિક સહાયથી ભારતીય એરલાઇન્સના ઓપરેશનમાં કોઈ અવરોધ નહીં આવે અને વૈશ્વિક સ્તરે ભાવ વધવા છતાં મુસાફરો પર મોંઘી ટિકિટોનો બોજ નહીં પડે.
નવા નિયમ મુજબ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ફ્લાઇટ્સ માટે જેટ ફ્યુઅલ ૧૧૫ રૂપિયા અને મુંબઈમાં ૧૧૪.૫ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. હાલમાં દિલ્હીમાં સ્થાનિક ફ્લાઇટ્સ માટે ૧૦૫ રૂપિયા અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે ૧૧૦ રૂપિયા છે, પરંતુ જો જેટ ફ્યુઅલ ભાવ (જે હાલમાં બેરલ દીઠ ૯૦ ડોલર પર છે) વધુ વધશે તો પણ એરલાઇન્સને વધુ ચૂકવવા નહીં પડે. તેલકંપનીઓને થનારા નુકસાનની ભરપાઈ સરકાર વ્યાજમુક્ત એડવાન્સ આપીને કરશે. આ મેકેનિઝમ આગામી ૩ મહિના સુધી અમલમાં રહેશે. નોંધનીય છે કે કોઈપણ એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચમાં ૪૦ ટકા હિસ્સો માત્ર ઇંધણનો હોય છે, જેથી આ નિર્ણય ઉડ્ડયન ક્ષેત્ર માટે લાઈફલાઈન સાબિત થશે.